You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટોક્યો ઑલિમ્પિક ગેમ્સ સૌથી અલગ કેવી રીતે છે?
- લેેખક, કેટી ફૅલકિંઘમ
- પદ, બીબીસી સ્પૉર્ટ્સ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ટોક્યો ઑલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે. માર્ગમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ આવી, પરંતુ હવે આપણે તેને જોઈ રહ્યા છીએ.
જોકે તેના માટે વધુ એક વર્ષ રાહ જોવી પડી. પણ હવે આ રમતોમાં 207 દેશના 11,300થી વધારે ઍથ્લીટ એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા છે.
તમામ ખેલાડીઓ ઑલિમ્પિક મેડલ માટે પ્રયત્ન કરશે અને આગામી થોડા સપ્તાહ સુધી અનેક રસપ્રદ સ્પર્ધા જોવા મળશે.
ગત વર્ષે માર્ચમાં આ રમતોને રદ કરી દેવાઈ હતી. ત્યારે આયોજકોએ કહ્યું હતું કે "ઑલિમ્પિકની મશાલ કોઈ ટનલની પાર દેખાતા પ્રકાશની જેમ સાબિત થઈ શકે છે."
જોકે કોવિડ-19થી અત્યારે પણ દુનિયા પરેશાન છે અને મહામારી દુનિયાના કોઈને કોઈ ખૂણે સતત પોતાનો કેર વર્તાવી રહી છે.
મહામારીની વચ્ચે ઑલિમ્પિક ગેમ્સ
માસ્ક, મહામારી સાથે જોડાયેલા કેટલાક પ્રતિબંધ અને કોવિડની તપાસ. આમાં બેદરકારી રાખવાનો કોઈ અવકાશ નથી એટલે કે આ વખતે ઑલિમ્પિક પહેલાંના કોઈ પણ ઑલિમ્પિકથી એકદમ અલગ છે.
કોરોના સંક્રમણના કેસ વધ્યા બાદ ટોક્યો શહેરમાં કટોકટી લાદી દેવાઈ છે, જે સંપૂર્ણ ઑલિમ્પિક દરમિયાન રહેવાની છે.
આ દરમિયાન તમામ એવા અહેવાલો સામે આવી ચૂક્યા છે કે સ્થાનિક લોકો રમતોના આયોજનની વિરુદ્ધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટોક્યોના મોટા ભાગના લોકોએ અભિપ્રાય આપ્યો હતો કે તેઓ રમતો એક વખત ફરી મોકૂફ રાખવા માગે છે, પરંતુ એવું બન્યું નહીં.
આવી સ્થિતિમાં ઑલિમ્પિકના આયોજકો માટે રમતો દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો સૌથી મોટો પડકાર છે અને એટલે તમામ પ્રકારની સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
બંધ દરવાજા પાછળ અને ચાહકો વિના રમતો રમાઈ રહી છે.
ખેલાડીઓ પર પણ અનેક પ્રકારના કડક પ્રતિબંધ છે. તેમને ખાવા, પીવા, રમવા અને તાલીમ સિવાય દરેક સમયે માસ્ક લગાવેલું રાખવાની સૂચના આપવામાં આવી છે.
પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે ખેલાડીઓ એકબીજાથી ઓછા મળે. આ ઉપરાંત ખેલાડીઓનો દરરોજ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
છતાં પણ કોરોના વાઇરસ 'ઑલિમ્પિક ગેમ્સ વિજેલ' સુધી પહોંચ્યાના અહેવાલો સામે આવ્યા છે. અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે.
શુક્રવારે કોવિડ-19ના 19 નવા કેસ સામે આવ્યા, જે બાદ રમતો સાથે જોડાયેલા લોકોમાં કોરોના સંક્રમિત થનારની સંખ્યા વધીને 106 થઈ ગઈ.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ટોક્યોમાં અત્યાર સુધી 11 ખેલાડી કોવિડ પૉઝિટિવ મળી આવ્યા છે.
ટોક્યો ઑલિમ્પિકમાં નવું શું છે?
આ વખતના ઑલિમ્પિકમાં રેકૉર્ડ 339 મેડલ ઇવેન્ટ છે. કુલ 33 રમત છે, જેમાં પાંચ નવી રમતો છે અને 34 નવી ઇવેન્ટ છે.
એવું જણાવાયું છે કે ટોક્યો ઑલિમ્પિકમાં હરીફાઈ કરનારા કુલ ખેલાડીઓમાં 48.8 ટકા મહિલા છે, જે એક રેકૉર્ડ નંબર છે.
કરાટે, સ્કૅટબોર્ડિંગ, સ્પૉર્ટ ક્લાઇમ્બિંગ, બેસબૉલ અથવા સૉફ્ટબૉલ અને સર્ફિંગ - આ પાંચ નવી રમતનો ઑલિમ્પિકના આયોજકોએ આ વખતે સમાવેશ કર્યો છે.
આયોજકોના અનુસાર, યુવાનોને આકર્ષિત કરતી રમતોનો ઑલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ટ્રૅન્ડને થોડો બદલી શકાય.
આયોજકોએ હાલમાં જ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે "અમે યુવાનો પાસે એવી આશા ન રાખી શકીએ કે તેઓ અમારા કોઈ પ્રયત્નો વિના ઑલિમ્પિક રમતો જોશે. તેમને અમારા દર્શક બનાવવા માટે અમારે થોડા પ્રયત્ન કરવા પડશે."
આ ઉપરાંત આયોજકોએ કેટલીક અન્ય કેટલીક બાબતો દ્વારા પણ ટોક્યો ઑલિમ્પિકને થોડો અલગ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
જેમ કે, આ વખતે ઑલિમ્પિક મેડલ રિસાઇકલ મોબાઇલથી બનાવવામાં આવ્યા છે. એ જ રીતે ઑલિમ્પિકની મશાલ પણ ઍલ્યુમિનિયમના સ્ક્રેપમાંથી બનાવાઈ છે, જેનો ઉપયોગ જાપાનમાં 2011ના ભૂકંપ દરમિયાન હંગામી ઘર બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
જાપાનના વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, ફક્ત આઠ ઑલિમ્પિક વેન્યુ જ નવેસરથી બનાવાયાં છે અને તમામ ઑલિમ્પિક વેન્યુ વૈકલ્પિક ઊર્જા દ્વારા ચાલી રહ્યાં છે.
કુલ મળીને, આ રમતો પર 11.5 બિલિયન પાઉન્ડ ખર્ચ થવાના છે અને આયોજકોના અનુસાર રમતોમાં થયેલા વિલંબના કારણે ઑલિમ્પિકનો ખર્ચ 22 ટકા વધી ગયો છે.
કયા ખેલાડીઓ પર રહેશે સૌની નજર?
અમેરિકાના જિમનાસ્ટ સિમોન બાઇલ્સે પાંચ વર્ષ પહેલાં રિયો ઑલિમ્પિકમાં સૌનું દિલ જીતી લીધું હતું.
24 વર્ષીય બાઇલ્સે 4 ગોલ્ડ અને એક બ્રૉન્ઝ મેડલ જિત્યા હતા. રિયોમાં તેઓ પહેલી વખત ઑલિમ્પિક રમી રહ્યા હતા અને આ વખતે પણ તેઓ તમામ પાંચ ઇવેન્ટમાં ભાગ લેવાના છે.
જો તેઓ આ વખતે તેમના તમામ ગોલ્ડ મેળવી લે છે એટલે કે ચારેય શ્રેણીમાં જીતી જાય છે, તો 1968 બાદ આ સિદ્ધિ મેળવનારા તેઓ પ્રથમ જિમનાસ્ટ હશે.
વધુ બે અમેરિકન ખેલાડી કૅબેલ ડ્રેસેલ અને કેટી લેડેકીનો જલવો સ્વિમિંગ-પૂલમાં યથાવત્ રહે તેવી સંભાવના છે. બંનેએ રિયો ઑલિમ્પિકમાં કમાલ કરી હતી.
આ સિવાય જમૈકાના સ્પ્રિંટર શૈલી, સ્વિડના ઍથ્લીટ અર્માંડ ડુપલાન્ટિસ અને સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ પર સૌની નજર રહેશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો