લંડન : સારાહ એવરેર્ડને શ્રદ્ધાંજલિ આપવા આવેલી મહિલાઓ પર પોલીસનો બળપ્રયોગ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

લંડનમાં સારાહ એવરેર્ડ નામના મહિલા તાજેતરમાં જ પોતાના ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે અચાનક રાત્રે લાપતા થયા પછી તેમની હત્યા થઈ હોવાનું બહાર આવતા મામલો ગંભીર બન્યો.

જોકે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સંખ્યાબંધ મહિલાઓ દક્ષિણ લંડનમાં ભેગી થઈ હતી. પરંતુ મૅટ્રોપોલિટન પોલીસે આ મહિલાઓના પ્રદર્શનને વિખેરવા બળપ્રયોગ કરતા મામલો વધુ ગંભીર બન્યો છે. કેમ કે કોરોના વાઇરસની મહામારીને પગલે લોકોના ભેગા થવા મામલે કેટલીક રોક છે.

પરંતુ આખી ઘટનાને પગલે ગૃહસચિવ પ્રીતિ પટેલે પોલીસની કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે, તો લંડનના મેયર સાદિક ખાને કહ્યું કે તેમણે કમિશનર ડેમ ક્રેસિડા પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે કે કેમ બળપ્રયોગ કરવામાં આવ્યો છે.

દરમિયાન પોલીસ કાર્યવાહીમાં મહિલાઓને હાથકડી પહેરાવીને પોલીસ લઈ જતી હોય એવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.

પોલીસે કહ્યું કે 'લોકોની સુરક્ષાની રક્ષા' કરવા માટે ચાર લોકોની ધરપકડ કરાઈ છે.'

ક્લૅફામ કૉમનમાં ઑનલાઇન પોસ્ટ કરેલા એક વીડિયોમાં અધિકારાઓને એ મહિલાઓને હઠાવતા દેખાયા હતા, જેઓ બેન્ડસ્ટેન્ડ દ્વારા ઊભાં હતાં.

વડા પ્રધાને પણ પ્રતિક્રિયા આપી

દક્ષિણ લંડનમાં 'ક્લૅફામ કૉમન' પર 33 વર્ષીય સારાહને શ્રદ્ધાંજલિ આપવામાં માટે હજારો લોકો ભેગા થયા હતા.

વળી યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોનસને પણ ટ્વિટ કરી કહ્યું કે, "કૅરી અને હું કૅન્ડલમાર્ચમાં જોડાઈશું અને પરિવારની સાથે આ મુશ્કેલ ઘડીમાં ઊભા રહીશું. હું કોશિશ કરી કે દેશના રસ્તા મહિલાઓ માટે સુરક્ષિત રહે અને તેમણે કોઈ હુમલો કે પરેશાની ન ઝેલવી પડે."

અત્રે નોંધવું કે તાજેતરમાં સારાહ પોતોના મિત્રને ત્યાં જઈને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા પરંતુ અચાનક લાપતા થઈ ગયા હતા. પોલીસે તેમની શોધખોળ કરી હતી.

પરંતુ તેમની હત્યા થઈ ગઈ હોવાનું બહાર આવ્યુ હતું. જેમાં કેટલાકની ધરપકડ પણ થઈ છે.

આ સમગ્ર ઘટનાએ મહિલા સુરક્ષાની સ્થિતિ મુદ્દે લંડનમાં એક ઉગ્ર ચર્ચા છેડી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો