ચીનની તાઇવાનને ચેતવણી, કહ્યું : "સ્વતંત્રતાનો અર્થ યુદ્ધ" છે, અમેરિકા સુરક્ષા માટે પ્રતિબદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
ચીને ચેતવણી આપી છે કે તાઇવાન દ્વારા સ્વતંત્રતા મેળવવાના પ્રયત્નો "યુદ્ધ" ગણાશે.
ચીન દ્વારા તાઇવાન નજીક યુદ્ધવિમાનો ઉડાડવા અને સૈન્ય પ્રવૃત્તિઓ તેજ કરાયાના અમુક દિવસો બાદ આ ચેતવણી આપવામાં આવી છે.
નોંધનીય છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડને તાઇવાન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા અંગે ફરી વાર વાત કરી છે. ત્યારે ચીનની આ ટિપ્પણી આવી છે.
ગુરુવારે ચીનના નિવેદનને "દુર્ભાગ્યશાળી" ગણાવતાં અમેરિકાએ કહ્યું કે, "તાઇવાન અંગેના તણાવ મુદ્દે ઘર્ષણની સ્થિતિ સર્જાય એ જરૂરી નથી."
નોંધનીય છે કે ડેમૉક્રૅટિક તાઇવાનને પોતાનો એક પ્રાંત માને છે. જ્યારે તાઇવાન પોતાને એક સાર્વભૌમ રાજ્ય માને છે.
આ અંગે ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વુ કિઆને ગુરુવારે પત્રકારપરિષદમાં કહ્યું કે, "અમે તાઇવાનની સ્વતંત્રતા માટેની તાકાતોને ગંભીરતાપૂર્વક જણાવીએ છીએ : આગ સાથે રમત કરનાર પોતાની જાતને દઝાડશે, અને તાઇવાનની સ્વતંત્રતાનો અર્થ યુદ્ધ છે."
તેમણે તાજેતરની સૈન્ય કાર્યવાહીનો બચાવ કરતાં કહ્યું કે, "આ તમામ પગલાં તાઇવાનની તાજેતરની સુરક્ષાની પરિસ્થિતિ અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વની સુરક્ષા માટેનાં હતાં."
પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જોન કર્બીએ આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "અમને આ નિવેદન દુર્ભાર્ગ્યશાળી લાગ્યું, તેમજ તાઇવાન રિલેશન ઍક્ટ અંતર્ગત અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ નહોતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું કે, "તાઇવાન અંગે તણાવ કોઈ પણ પ્રકારના ઘર્ષણનું કારણ કઈ રીતે બની શકે?"

ચીન પર દબાણ પેદા કરવા માગે છે અમેરિકા?

ઇમેજ સ્રોત, Getty Images
USનું નવું વહીવટીતંત્ર ચીન પર માનવાધિકાર, વેપારવિવાદ, હૉંગકૉંગ અને તાઇવાન જેવા મુદ્દાઓને લઈને દબાણ જાળવી રાખવા માગે છે.
ચીનના અધિકારીઓ મોટા ભાગે યુદ્ધ વિશે વાત નથી કરતા. તેઓ પોતાની છબિ એક શાંતિપ્રિય રાષ્ટ્ર તરીકે રજૂ કરવા માગે છે.
ચીન એ પોતાની સીમાઓથી દૂરનાં સ્થળોએ સૈન્ય અભિયાન ચલાવનાર રાષ્ટ્ર તરીકેની છબિ ધરાવતું નથી. પરંતુ તાઇવાન બાબતે વાત અલગ છે. હાલનું તાઇવાન સિવિલ યુદ્ધનું પરિણામ છે.
શી જિનપિંગના નેતૃત્વમાં ચીન અવારનવાર તાઇવાનની સ્વતંત્રતા માટે કરાયેલા કોઈ પણ પ્રયાસ માટે સૈન્યશક્તિનો ઉપયોગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી ચૂક્યું છે.

ચીન અને તાઇવાન વચ્ચે ઘર્ષણનું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
1949માં ચીનના ગૃહયુદ્ધના અંત પછી જ તાઇવાન અને ચીનમાં અલગઅલગ સરકારો છે.
ચીન તાઇવાનની આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે પ્રયાસ કરતું આવ્યું છે. તેમજ બંને દેશો પૅસિફિક રિજનમાં પોતાની અસર વધારવા માટે પણ રસાકસીમાં લાગેલા રહે છે.
પરંતુ હાલનાં વર્ષોમાં આ તણાવ વધ્યો છે અને ચીને આ સમસ્યાના નિરાકરણ માટે બળપ્રયોગનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે.
અમુક દેશો દ્વારા જ તાઇવાનને માન્યતા પ્રાપ્ત હોવા છતાં લોકશાહી પદ્ધતિથી ચૂટાયેલી તેની સરકારના ઘણા દેશો સાથે વેપારી અને બિનસત્તાવાર સંપર્કો છે.
મોટા ભાગના દેશોની જેમ જ અમેરિકાના પણ તાઇવાન સાથે સત્તાવાર રાજદ્વારી સંબંધો નથી. પરંતુ તેના તાઇવાન રિલૅશન્સ ઍક્ટની જોગવાઈઓ મુજબ અમેરિકા તાઇવાનને સંરક્ષણ માટેનાં હથિયારો પૂરાં પાડશે.
તેમજ આ ઍક્ટ અનુસાર તાઇવાન પરના કોઈ પણ હુમલાને અમેરિકા "ગંભીર નિસબત"નો મુદ્દો ગણશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















