ભરુચની 700 વર્ષ જૂની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ ફરીથી વિવાદમાં કેમ આવી?

બીબીસી ગુજરાતી ભરુચ જુમ્મા મસ્જિદ જામા મસ્જિદ મુક્તાનંદ સ્વામી વાઈરલ વીડિયો મૂર્તિ જૈન મંદિર મુસ્લિમ હિંદુ

ઇમેજ સ્રોત, SAJID PATEL

ઇમેજ કૅપ્શન, થોડા દિવસો અગાઉ ભરુચની જુમ્મા મસ્જિદમાં આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા કથિત રીતે ગેરકાયદે બાંધવામાં આવેલા એક 'વજુખાના'ને તોડી પાડવામાં આવ્યું હતું.
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ભરુચની લગભગ 700 વર્ષ જૂની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ છેલ્લા કેટલાક દિવસોથી ફરી ચર્ચામાં આવી છે.

ભારતીય પુરાતત્ત્વ વિભાગ (એએસઆઈ) દ્વારા સંરક્ષિત આ મસ્જિદના ભોંયરાનો એક 'જૂનો' વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદના ભોંયરામાંથી દેવી-દેવતાઓની પ્રતિમાઓ મળી છે.

થોડા દિવસો અગાઉ આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા આ મસ્જિદમાં કથિત રીતે ગેરકાયદે બાંધવામાં આવેલા એક 'વજુખાના'ને તોડી પાડવામાં આવ્યું હતું.

હવે મસ્જિદના ભોંયરાનો કથિત વીડિયો બહાર આવ્યા પછી મસ્જિદના ટ્રસ્ટીઓ નારાજ છે. તેમણે 11 જૂન, ગુરુવારે ભરુચના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ટ્રસ્ટીઓની જાણ બહાર આ રીતે ભોંયરું ખોલીને ખોટો વિવાદ કરવામાં આવે છે તેવી ફરિયાદ કરી છે. બીજી તરફ કેટલાંક હિંદુ સંગઠનોએ 15મી જૂને ભરુચમાં એકઠા થવાની જાહેરાત કરી છે.

ભરુચની જુમ્મા મસ્જિદનો હાલનો વિવાદ શું છે?

બીબીસી ગુજરાતી ભરુચ જુમ્મા મસ્જિદ જામા મસ્જિદ મુક્તાનંદ સ્વામી વાઈરલ વીડિયો મૂર્તિ જૈન મંદિર મુસ્લિમ હિંદુ

ઇમેજ સ્રોત, SAJID PATEL

આ સપ્તાહે જુમ્મા મસ્જિદના પરિસરમાં 'એએસઆઈના નિયમોનો ભંગ કરીને બનાવાયેલા એક વજુખાના'ને હઠાવવામાં આવ્યું હતું. ત્યાર પછી એક વીડિયો બહાર આવ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'મસ્જિદના ભોંયરામાંથી હિંદુ અને જૈન ધર્મના કેટલાક અવશેષ' મળી આવ્યા છે.

ભરુચની જુમ્મા મસ્જિદના વિવાદમાં સંત સમાજના મુક્તાનંદ સ્વામી ઉર્ફે ભાવેશ પટેલ પણ ચર્ચામાં છે. જેમણે કથિત રીતે માર્ચ 2026નો આ વીડિયો જાહેર કરીને મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ અને શીલાઓ મળી હોવાનો દાવો કર્યો હતો.

મુક્તાનંદ સ્વામીનું અસલી નામ ભાવેશ પટેલ છે અને તેમને 2007ના અજમેર દરગાહ વિસ્ફોટ કેસમાં સજા થયેલી છે. 2017માં એક ટ્રાયલ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ 2018માં રાજસ્થાન હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા. ત્યાર પછી તેમણે ભગવાં વસ્ત્રો પહેરી લીધાં અને મુક્તાનંદ સ્વામી નામ ધારણ કર્યું હતું.

બીબીસી ગુજરાતી ભરુચ જુમ્મા મસ્જિદ જામા મસ્જિદ મુક્તાનંદ સ્વામી વાઈરલ વીડિયો મૂર્તિ જૈન મંદિર મુસ્લિમ હિંદુ

ઇમેજ સ્રોત, SAJID PATEL

ઇમેજ કૅપ્શન, સ્વામી મુક્તાનંદ ઉર્ફે ભાવેશ પટેલ પોતાનાં ઉગ્ર નિવેદનોના કારણે ચર્ચામાં છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે "અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે જુમ્મા મસ્જિદમાં નિયમ પ્રમાણે સંચાલન અને સંરક્ષણ કરવામાં આવે. મને વાંધો એ વાતનો છે કે એએસઆઈ દ્વારા નિયમોનું પાલન થતું નથી."

તેમણે કહ્યું કે "મસ્જિદમાં વજુખાનું બનાવવું, પાણીના નળ નાખવા, કબ્રસ્તાનમાં દફનવિધિ કરવી વગેરેની મંજૂરી ન હોવા છતાં આ કામ કરવામાં આવે છે. તેની સામે અમારો વિરોધ છે."

મુક્તાનંદ સ્વામીએ દાવો કર્યો કે તેમણે છેલ્લાં 14 વર્ષથી સન્યાસ લઈ લીધો છે. તેમણે અજમેર બ્લાસ્ટના કેસમાં થયેલી સજા વિશે કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.

મુસ્લિમ સમુદાયનો પ્રત્યાઘાત

બીબીસી ગુજરાતી ભરુચ જુમ્મા મસ્જિદ જામા મસ્જિદ મુક્તાનંદ સ્વામી વાઈરલ વીડિયો મૂર્તિ જૈન મંદિર મુસ્લિમ હિંદુ

ઇમેજ સ્રોત, SAJID PATEL

ઇમેજ કૅપ્શન, જુમ્મા મસ્જિદના એક ટ્રસ્ટી ઇમરાન પટેલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મસ્જિદના ભોંયરાનો કથિત વીડિયો બહાર આવ્યા પછી મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને બીજા મુસ્લિમ આગેવાનો કલેક્ટર કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા.

તેમની માંગણી હતી કે જુમ્મા મસ્જિદનો એક દરવાજો એએસઆઈ દ્વારા ગેરકાયદે બંધ કરવામાં આવ્યો છે તેને ફરી ખોલવામાં આવે તથા વીડિયો બનાવનારા લોકો સામે પગલાં લેવામાં આવે.

મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, "જે લોકો મસ્જિદના ભોંયરામાં ગેરકાયદે રીતે ગયા હતા અને વીડિયો બનાવીને વાઇરલ કર્યો છે, તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે."

જુમ્મા મસ્જિદના એક ટ્રસ્ટી ઇમરાન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ઘણાં વર્ષો અગાઉ મસ્જિદના ત્રણ પિલરમાં ઉપરના પથ્થર ખરાબ થઈ જતાં તેને બદલવામાં આવ્યા હતા અને કાટમાળ તરીકે જે પથ્થર નીકળ્યા તેને બહાર લઈ જઈ શકાય નહીં, તેથી તેને ભોંયરામાં રાખવામાં આવ્યા હતા. અમે ટ્રસ્ટીઓ કદી ભોંયરામાં ગયા નથી, તેથી આના વિશે એએસઆઈને જ ખબર હોય."

તેમણે એમ પણ કહ્યું કે "અહીં દૈનિક પાંચ વખત નમાજ પઢવામાં આવે છે તે ચાલુ જ છે."

વજુખાના તોડવા વિશે તેમણે કહ્યું કે "સદીઓ અગાઉ અહીં હોજની સિસ્ટમ હતી પરંતુ તેમાં બાળકો ડૂબી જવાનો ડર રહેતો હતો. તેથી હોજનું રિપેરિંગ કરવામાં આવ્યું તે દરમિયાન એક નાનકડું વજુખાનું બનાવવામાં આવ્યું હતું જેની પરવાનગીનાં કાગળિયાં નહોતાં. તેથી એએસઆઈની સૂચનાથી અમે તબક્કાવાર રીતે વજુખાનાનો ભાગ તોડી નાખ્યો હતો. આમ છતાં કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો તેથી અમે સહયોગ આપીને વજુખાનું તોડાવ્યું."

બીબીસી ગુજરાતી ભરુચ જુમ્મા મસ્જિદ જામા મસ્જિદ મુક્તાનંદ સ્વામી વાઈરલ વીડિયો મૂર્તિ જૈન મંદિર મુસ્લિમ હિંદુ

ઇમેજ સ્રોત, SAJID PATEL

ઇમેજ કૅપ્શન, જુમ્મા મસ્જિદના બાંધકામમાં 'જૈન મંદિર'ના કાટમાળનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે.

હાલમાં મસ્જિદનો દક્ષિણનો દ્વાર પુરાતત્ત્વ વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યો છે તે ખોટું છે અને તે ખોલવો જોઈએ તેમ ઇમરાન પટેલે કહ્યું હતું.

કબ્રસ્તાનના વિવાદ અંગે મસ્જિદના ટ્રસ્ટી ઇમરાન પટેલે કહ્યું કે "કબ્રસ્તાન તો હિજરી સંવતની 12મી સદીમાં બનાવાયું હતું. જેમાં તે સમયના નવાબની પણ કબરો છે. 2002માં અમારા એક ટ્રસ્ટીનું અવસાન થયું ત્યારે તેમને પણ ત્યાં દફન કર્યા હતા. તેથી તે પહેલેથી જ કબ્રસ્તાન છે."

મસ્જિદના નિર્માણમાં જૈન મંદિરના કાટમાળનો ઉપયોગ થયો તે વિશે ઈમરાન પટેલે કહ્યું કે, "જે સમયે આ મસ્જિદ બની ત્યારે ભારતમાં મસ્જિદના શિલ્પકારો ન હતા. ભરુચ જ્યારે ભારતનું મોટું બંદર હતું. ત્યારે વિદેશથી મુસ્લિમ વેપારીઓ અહીં આવતા હતા. તેમને વહાણ ખાલી કરવામાં 15-20 દિવસ લાગી જતા હતા. તેથી તે સમયના હિંદુ શાસકે તેમને રહેવા માટે જગ્યાની ઑફર કરી હતી, પરંતુ વેપારીઓએ ઇબાદત માટે જગ્યા માગી હતી. જે તેને આપવામાં આવી હતી."

તેમના કહેવા પ્રમાણે "મસ્જિદ બાંધવામાં ઘણો સમય લાગ્યો હોવાથી શાસકોએ ધરાશયી થયેલાં ધર્મસ્થાનોના પથ્થરો વાપરવાની મંજૂરી આપી હતી. તેથી બાંધકામમાં જૈન મંદિરનો કાટમાળ વપરાયો હતો. તેના કારણે દરેક સ્થંભ એક સરખા નથી, પરંતુ દરેકમાં અલગ અલગ નકશીકામ છે."

ભરુચની જુમ્મા મસ્જિદ કેમ ખાસ છે?

બીબીસી ગુજરાતી ભરુચ જુમ્મા મસ્જિદ જામા મસ્જિદ મુક્તાનંદ સ્વામી વાઈરલ વીડિયો મૂર્તિ જૈન મંદિર મુસ્લિમ હિંદુ

ઇમેજ સ્રોત, SAJID PATEL

ઇમેજ કૅપ્શન, ભરુચની જુમ્મા મસ્જિદ રાષ્ટ્રીય મહત્ત્વનાં સ્મારકોમાં સ્થાન ધરાવે છે.

ભરુચની જુમ્મા મસ્જિદ પોતાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સમૃદ્ધ વારસાના કારણે વિખ્યાત છે.

ગુજરાત સરકારની ભરુચ જિલ્લા વિશે માહિતી આપતી વેબસાઇટ પ્રમાણે જુમ્મા મસ્જિદનું બાંધકામ 14મી સદીમાં કરવામાં આવ્યું હતું.

મહત્ત્વની વાત એ છે કે એક પ્રાચીન જૈન મંદિરના કાટમાળમાંથી આ મસ્જિદ બાંધવામાં આવી હતી.

ભરુચના કિલ્લાના બેઝ પાસે આવેલી આ મસ્જિદનું સ્ટ્રક્ચર લગભગ સન 1300ની શરૂઆતમાં બાંધવામાં આવ્યું હતું. આ ઇમારતમાં ત્રણ મોટા ગુંબજ અને કુલ 48 સ્થંભ છે જે બ્રેકેટ પૅટર્નમાં છે.

તેમાં મોટા પાયે મંદિરની સામગ્રી અને કાટમાળનો ઉપયોગ થયો છે, પરંતુ તેને મસ્જિદના સિદ્ધાંત અનુસાર બાંધવામાં આવી છે.

આ મસ્જિદ માટે મુસ્લિમ નિરીક્ષકો પાસેથી માર્ગદર્શન મળ્યું હતું, પરંતુ તેના બાંધકામ માટે સ્થાનિક કામદારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમણે કદાચ અગાઉ ક્યારેય મસ્જિદ જોઈ ન હતી.

ગુજરાત સરકારની વેબસાઇટ એવું પણ જણાવે છે કે આ મસ્જિદમાં ત્રણ બાજુ પ્રવેશદ્વાર સાથેનું પરિસર અને પશ્ચિમમાં ગર્ભગૃહનો સમાવેશ થાય છે.

કેટલાંક માહિતી સ્રોતમાં એવું પણ જણાવાયું છે કે મસ્જિદની જગ્યાએ એક જૈન મંદિર હતું અને સુલ્તાન મોહમ્મદ બેગડાએ આ પ્રદેશને જીત્યા પછી મંદિરનું મસ્જિદમાં રૂપાંતરણ કર્યું હતું.

ASI અને પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભરુચ જુમ્મા મસ્જિદ જામા મસ્જિદ મુક્તાનંદ સ્વામી વાઈરલ વીડિયો મૂર્તિ જૈન મંદિર મુસ્લિમ હિંદુ

ઇમેજ સ્રોત, SAJID PATEL

ઇમેજ કૅપ્શન, 700 વર્ષ કરતાં વધારે જૂની જુમ્મા મસ્જિદ તેના સ્થાપત્યને કારણે વિખ્યાત છે.

જુમ્મા મસ્જિદના ભોંયરામાં ઉતરીને વીડિયો બનાવવાના વિવાદ વિશે બીબીસીએ આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (એએસઆઈ)ના વડોદરા સર્કલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. શુભ મજુમદાર સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે "ઇમારત બધા લોકો માટે ખુલી છે, કોઈના માટે પ્રવેશ અટકાવવામાં આવ્યો નથી."

તેમણે આ વિશે વધુ વાત કરવાનો ઇન્કાર કર્યો હતો.

અગાઉ વડોદરા ખાતેના પુરાતત્ત્વ વિભાગના અધિકારી રીજ્જુ ઘોષે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ સ્મારક અને પુરાતત્ત્વીય સ્થળ તથા અવશેષ અધિનિયમ 1958 (1958ના 24મા) હેઠળ આવ્યું ત્યારથી તે મસ્જિદના સ્વરૂપમાં છે. તે પહેલાંનું હું કંઈ કહી શકું એમ નથી."

બીજી તરફ ભરુચ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "આ મામલે ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે, જેથી બંને પક્ષ પોતપોતાના દાવા કરી શકે."

તેમણે કહ્યું કે, "ઇમારતનો કન્ટ્રોલ ASI પાસે છે અને તેના ગાર્ડ તથા પોલીસ ત્યાં હાજર હોય છે. અમે બંને પક્ષ સાથે વાત કરીને તેમનો મુદ્દો ASI અથવા હાઇકોર્ટમાં જઇને ઉકેલવા કહ્યું છે. હાલમાં કાયદો અને વ્યવસ્થાને લગતો કોઈ મામલો નથી. મુસ્લિમ સમુદાયને પણ જણાવાયું છે કે તેમણે કોઈ નવું બાંધકામ કરવાનું નથી અને ASIના નિયમોને વળગી રહેવાનું છે."

મસ્જિદ અંગે અગાઉ પણ વિવાદો થયા

બીબીસી ગુજરાતી ભરુચ જુમ્મા મસ્જિદ જામા મસ્જિદ મુક્તાનંદ સ્વામી વાઈરલ વીડિયો મૂર્તિ જૈન મંદિર મુસ્લિમ હિંદુ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, માર્ચ 2026માં ભરુચની મંદિરમાં કેટલીક મહિલાઓએ 'પૂજા' કરતા વિવાદ થયો હતો

અગાઉ માર્ચ 2026માં પણ ભરુચની જુમ્મા મસ્જિદ ચર્ચામાં આવી હતી. તે વખતે કેટલીક મહિલાઓએ મસ્જિદના પરિસરમાં કથિતરીતે ધાર્મિકવિધિ કરીને પૂજા કરી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં મહિલાઓ મસ્જિદના પ્રવેશદ્વારની પાસે ફૂલો ચઢાવતી હોવાનાં અને શ્રીફળ ચઢાવતી હોવાનાં દૃશ્યો હતાં. તે વખતે અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

તે વખતે પણ ભાવેશ પટેલ ઉર્ફે સ્વામી મુક્તાનંદ સામે આરોપો થયા હતા. પરંતુ તેમણે આરોપોનો ઇન્કાર કરતાં તેમણે કહ્યું, "આ આરોપો ખોટા છે કે હું કોઈને મસ્જિદમાં પૂજા કરવા માટે મોકલું છું."

તેમણે કહ્યું હતું કે "મને આખા વિવાદની ખબર નથી. જો આ હિંદુનું સ્થળ હોય તો હિંદુ જાય અને મુસ્લિમોનું સ્થળ હોય તો મુસ્લિમો જાય, તેમાં મારે કોઈ લાગતું વળગતું નથી."

દરમિયાન મૂળ મહારાષ્ટ્રના 'મહાનુભાવ પંથ'ના અનુયાયીઓનો દાવો છે કે આ જુમ્મા મસ્જિદનું સ્થળ 'પ્રાચીન હિંદુ કે જૈન મંદિર' છે. જ્યારે કે મુસ્લિમ પક્ષ તેને 'સદીઓ જૂની ઇબાદતગાહ' હોવાનું જણાવે છે.

બીબીસી ગુજરાતી ભરુચ જુમ્મા મસ્જિદ જામા મસ્જિદ મુક્તાનંદ સ્વામી વાઈરલ વીડિયો મૂર્તિ જૈન મંદિર મુસ્લિમ હિંદુ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, ભરૂચની મસ્જિદમાં મહારાષ્ટ્રના મહાનુભાવ સંપ્રદાયની મહિલા અનુયાયીઓ બેઠેલી નજરે પડે છે.

જુમ્મા મસ્જિદની અંદર પ્રવેશનારી મહિલાઓ મહારાષ્ટ્ર સંચાલિત ચક્રધર સ્વામી સ્થાપિત મહાનુભાવ પંથની અનુયાયી હતી.

તેમનો દાવો છે કે આ જુમ્મા મસ્જિદ એક સમયે તેમના મહાનુભાવ પંથના સ્થાપક સ્વામી ચક્રધરનું જન્મસ્થાન છે.

આ પંથ મહારાષ્ટ્રમાં બહુ સક્રિય છે. છત્રપતિ સંભાજીનગર ખાતે આવેલા મહાનુભાવ દેવસ્થાન ટ્રસ્ટના સેક્રેટરી સુદર્શન નાગરાજ બાબા કપાટેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો, "આ સ્થળે અમારા ગુરુજી સ્વામી ચક્રધરનો જન્મ થયો હતો."

તેમણે એમ પણ કહ્યું હતું કે, "આ સ્થળ 12મી સદીનું અમારું પૂજાસ્થળ છે, જેને તોડીને અહીં આ મસ્જિદ બનાવવામાં આવી છે."

આ દાવા માટે તેમની પાસે કયા પુરાવા છે તેવા સવાલના તેમણે કહ્યું કે, "સ્વામી ચક્રધરનાં હસ્તલખિત પુસ્તક લીલાચરિત્ર, સ્થાનપોથી વગેરેમાં તેનો ઉલ્લેખ છે, આ બધાં પુસ્તકો સ્નાતક કે અનુસ્નાતક સ્તરે થતાં અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન