You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાપાન : ટ્વિટર સિરિયલ કિલરને ફાંસીની સજા થઈ
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર મારફતે સંપર્ક કર્યા બાદ નવ લોકોની હત્યા કરનાર એક શખ્સને જાપાનમાં ફાંસીની સજા અપાઈ છે. આ હાઈ-પ્રોફાઇલ મામલાએ સમગ્ર જાપાનને હચમચાવી નાખ્યું છે.
'ટ્વિટર કિલર'ના નામથી પ્રખ્યાત ટાકાહિરો શિરાઇશીની વર્ષ 2017માં ત્યારે ધરપકડ કરાઈ હતી જ્યારે તેમના ફ્લૅટમાંથી માનવશરીરનાં અંગ મળી આવ્યાં હતાં.
પૂછપરછમાં 30 વર્ષીય ટાકાહિરોએ સ્વીકાર્યું કે તેમણે હત્યાઓ કરી હતી અને પીડિતોનાં અંગ કાપ્યાં હતાં. જેમાંથી મોટા ભાગની મહિલાઓ હતી. જેમનેથી તેઓ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર મળ્યા હતા.
સીરિયલ કિલિંગનો આ મામલો સામે આવ્યા બાદ એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ઑનલાઇન પ્લૅટફૉર્મ પર 'આત્મહત્યા' વિશે કેવી રીતે વાત કરવામાં આવે.
સ્થાનિક મીડિયા પ્રમાણે, મંગળવારે 400 કરતાં વધુ લોકોએ આ નિર્ણયને સાંભળ્યો જ્યારે કોર્ટમાં માત્ર 16 લોકોના બેસવા માટે જગ્યા હતી.
જાપાનમાં દેહાંત દંડને લોકોનું ભારે સમર્થન છે. અને તે એવા અમુક વિકસિત દેશોની યાદીમાં સામેલ છે જ્યાં દેહાંત દંડની સજા બરકરાર રાખવામાં આવી છે.
કેવી રીતે થતી હતી પીડિતોની શોધ?
ટાકાહિરો ટ્વિટર મારફતે એવી મહિલાઓને પોતાના ઘરે બોલાવતા હતા જેઓ પોતાનું જીવન સમાપ્ત કરવા માગતાં હતાં. તેઓ મહિલાઓને કહેતા હતા કે તેઓ મૃત્યુ પામવામાં તેમની મદદ કરશે અને ઘણા મામલાઓમાં તેમણે તેઓ મહિલાઓને કહેતા હતા કે તેઓ પોતાનું પણ જીવન સમાપ્ત કરી લેશે.
જાપાનની સમાચાર એજન્સી ક્યોડોએ આ મામલાના હવાલાથી કહ્યું કે તેમણે ઑગસ્ટ 2017થી ઑક્ટોબર 2017 સુધી 15થી 26 વર્ષની આયુવાળી આઠ મહિલાઓ અને એક પુરુષની ગળું દબાવીને હત્યા કરી હતી અને તેમનાં અંગો ક્ષત-વિક્ષત કર્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીરિયલ કિલિંગનો આ મામલો પ્રથમ વખત એ જ વર્ષે હૅલોવીનના દિવસે ત્યારે સામે આવ્યો હતો જ્યારે ટોકિયો નજીક જામામાં ટાકાહિરોના ફ્લૅટથી શરીરનાં અંગ મળી આવ્યાં હતાં.
તપાસકર્તાઓને તેમના ફ્લૅટથી હાથ અને પગનાં હાડકાંની સાથોસાથ નવ માથાં મળ્યાં હતાં. જે બાદ જાપાની મીડિયાએ તેમના ઘરને 'હાઉસ ઑફ હૉરર' કહ્યું હતું.
કેસની સુનાવણીમાં શું થયું?
પ્રોસિક્યૂશન પક્ષે ટાકાહિરો માટે મૃત્યુદંડની માગ કરી હતી અને તેમણે પણ હત્યા અને પીડિતોનાં અંગ ક્ષત-વિક્ષત કરવાની વાત સ્વીકારી હતી.
ટાકાહિરોના વકીલનું કહેવું હતું કે તેઓ મામૂલી કલમો અંતર્ગત દોષી છે કારણ કે આ 'સહમતીથી હત્યા'ના મામલા હતા કારણ કે પીડિતોએ હત્યાની અનુમતિ આપી હતી.
બાદમાં ટાકાહિરોનો પોતાના વકીલના તર્કોથી મતભેદ થઈ ગયો અને તેમણે કહ્યું હતું કે તેમણે સંમતિ વગર પણ હત્યાઓ કરી હતી.
મંગળવારે જે જજે નિર્ણય સંભળાવ્યો તેમનું કહેવું હતું કે, "કોઈ પણ પીડિત હત્યાને લઈને સંમત નહોતાં."
આ કેસની શું અસર થઈ?
જાપાની મીડિયા NHK અનુસાર, પાછલા મહિને 25 વર્ષનાં એક પીડિતાનાં પિતાએ કોર્ટને કહ્યું હતું કે, "ટાકાહિરો જો મરી પણ જાય તો પણ તેઓ તેમને ક્ષમા નહીં કરે."
તેમણે કહ્યું હતું, "હજુ પણ હું મારી દીકરીની ઉંમરની કોઈ મહિલાને જ્યારે જોઉં છું ત્યારે તેને મારી દીકરી સમજી બેસું છું. મારું આ દર્દ ક્યારેય નહીં જાય. મને મારી દીકરી પરત કરી દો."
આ હત્યાઓએ જાપાનને હચમચાવી મૂકી દીધું હતું. આ બાદ વેબસાઇટ પર 'સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ચર્ચા' કરવાને લઈને વાદવિવાદ શરૂ થઈ ગયો. ત્યારે સરકારે સંકેત આપ્યો હતો કે તેઓ નવો કાયદો લઈ આવશે.
આ હત્યાઓએ ટ્વિટર પર પણ ફેરફારના સંકેત આપ્યા હતા. તેમણે પોતાના નિયમોમાં ફેરફાર કરતાં યુઝર્સને કહ્યું હતું કે, 'આત્મહત્યા કે ખુદને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિને વેગ ન અપાવવો જોઈએ.'
આત્મહત્યા એક ગંભીર સામાજિક-મનોવૈજ્ઞાનિક સમસ્યા છે જેને ટાળી શકાય છે. તેના માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.
જો તમારામાં કે તમારી કોઈ નિકટની વ્યક્તિમાં માનસિક તકલીફનાં લક્ષણ હોય તો આ હેલ્પલાઇન નંબરો પર ફોન કરીને મદદ મેળવી શકાય છે :
- સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય - 1800-599-0019
- ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યૂમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાઇન્સિઝ - 9868396824, 9868396841, 011-22574820
- નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાઇન્સિઝ- 080-26995000
- વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હેલ્થ ઍન્ડ એલાઇડ સાયન્સિઝ, 24*7 હેલ્પલાઇન- 011 29802980
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો