કોરોના વૅક્સિન : અમેરિકામાં કોરોનાની પ્રથમ રસી કોને લગાવાઈ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકામાં કોરોનાની રસી લગાવવાનું શરૂ થઈ ગયું છે. અમેરિકામાં સોમવારે કોવિડ-19ની પ્રથમ રસી લગાવાઈ. આ સાથે જ અમેરિકાએ દેશના સૌથી મોટા રસીકરણના કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે.

પ્રથમ રસી ન્યૂયૉર્કના લૉન્ગ આઇલૅન્ડની એક હૉસ્પિટલનાં નર્સ સાંદ્રા લીંડસીને લગાવાઈ છે.

લાખોની સંખ્યામાં ફાઇઝર-બાયૉટેકની રસી લગાવાશે.

સોમવારે લગભગ 150 હૉસ્પિટલોમાં આ રસી આપવામાં આવી. અમેરિકાના રસીકરણના કાર્યક્રમ અંતર્ગત આગામી એપ્રિલ મહિના સુધીમાં લગભગ 10 કરોડ લોકોને રસી આપવામાં આવશે.

અમેરિકામાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી લગભગ ત્રણ કરોડ લોકોનાં મૃત્યુ થયાં છે. દુનિયામાં સૌથી વધુ ચેપગ્રસ્ત કેસ અમેરિકામાં જ નોંધાયા છે.

આ પહેલાં શુક્રવારે ફાઇઝર-બાયૉટેક રસીનો ઇમર્જન્સીની સ્થિતિમાં ઉપયોગ કરવાની મંજૂરી યૂએસ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન તરફથી અપાઈ હતી.

અમેરિકામાં કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત છે અને એટલે જ દેશમાં રસીકરણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

કોવિડ ટ્રૅકિંગ પ્રોજેક્ટ અનુસાર નવેમ્બરમાં મરનારાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે અને બીમારીને લીધે હૉસ્પિટલમાં પણ લોકોની સંખ્યા વધી રહી છે.

હાલની સ્થિતિમાં અમેરિકામાં 109,000 લોકો હૉસ્પિટલોમાં દાખલ છે.

પૉર્ટલૅન્ડમાં 12 હૉસ્પિટલોના એક નેટવર્કમાં મૅનહેલ્થના ડૉ. ડૉરા મિલ્સે જણાવ્યું, "જો રૅકૉર્ડને જોવામાં આવે તો આ અત્યાર સુધીનો સૌથી ખરાબ ડિસેમ્બર મહિનો હશે. ગત સપ્તાહના આંકડા જોવામાં આવે તો કૅન્સર અને હૃદયરોગથી મરનારાઓની સંખ્યા કોવિડ-19ને કારણે મરનારાઓની સંખ્યા કરતાં ઓછી છે. અત્યારે પણ અમેરિકામાં સૌથી વધુ મૃત્યુ કોરોનાને લીધે જ થઈ રહ્યાં છે."

"આ આપણા માટે બહુ કાળી મોસમ રહી પણ આ પોતાની રીતે અતૂલ્ય પણ છે. કારણ કે આપણી પાસે મહામારી શરૂ થઈ એના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં રસી ઉપલબ્ધ છે. જો પ્રભાવ અને સુરક્ષાનો આંક જોવામાં આવે તો આ જાહેર સ્વાસ્થ્યના ક્ષેત્રે બહુ મોટી સિદ્ધિ છે."

ફાઇઝર-બાયૉટેક રસી અમેરિકાની એક મોટી ફાર્મા કંપની અને જર્મન બાયૉટેકનૉલૉજી કંપની વચ્ચેની ભાગીદારીથી તૈયાર કરાઈ છે.

આ રસી 95 ટકા સુધીની સુરક્ષા આપે છે. અમેરિકન નિયામકો અંતર્ગત પાસ કરાયેલી આ પ્રથમ કોવિડ-રસી છે.

બ્રિટનમાં આ રસીને પહેલાંથી જ મંજૂરી આપી દેવાઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો