You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાઇજીરિયામાં 43 નહીં, 110 ખેતમજૂરોનાં ગળાં કપાયાં : યૂએન
યુનાઇટેડ નેશન્સના અહેવાલ અનુસાર નાઇજીરિયામાં ખેતમજૂરો પર થયેલાં હુમલામાં 110 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બીજા અનેક ઘવાયા છે.
આ અગાઉ નાઇજીરિયાની સરકાર દ્વારા 43 ખેડૂતોનું ગળું કાપી નાખવામાં આવ્યું હોવાની વાત કરી હતી.
જ્યારે હાલમાં યુનાઇટેડ નેશનસ દ્વારા આપવામાં આવેલી તાજી વિગતો પ્રમાણે 110 લોકોની હત્યા કરી નાખવામાં આવી અને બીજા અનેક લોકો ઘવાયા છે.
યુનાઇટેડ નેશન્સના નાઇજીરિયાના સ્થાનિક માનવીય કૉર્ડિનેટર એડવર્ડ કૅલ્લોન દ્વારા કહેવામાં આવ્યું કે મોટરસાયકલ પર આવેલાં હથિયારધારી લોકોએ ડાંગરના ખેતરમાં કામ કરતાં ખેડૂતો પર ઘાતકી હુમલો કર્યો હતો.
તેમણે હુમલાની નિંદા કરી છે
નાઇજીરિયાના રાષ્ટ્રપ્રમુખે આ હુમલાને 'પાગલ કૃત્ય' ગણાવ્યું છે.
મળતી માહિતી અનુસાર હુમલાખોરોએ બોર્નોના પાટનગર મૈદાગુરી નજીક ચોખાના ખેતરમાં કામ કરી રહેલા ખેતમજૂરોને બાંધીને તેમનાં ગળાં કાપી નાખ્યાં હતાં.
પાછલા અમુક મહિનાઓનો આ ક્ષેત્રનો આ સૌથી ખરાબ હુમલો ગણાઈ રહ્યો છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં બોકો હરામ અને પશ્ચિમી આફ્રિકા ઇસ્લામિક સ્ટેટનાં ઉગ્રવાદી સંગઠનો સક્રિય હોવાનું મનાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હુમલાની હજુ સુધી કોઈએ જવાબદારી સ્વીકારી નથી.
નાઇજીરિયાના પ્રમુખ મુહમ્મદુ બુહારીએ કહ્યું કે, "બોર્નોમાં અમારા પરિશ્રમી ખેડૂતોની હત્યાના કૃત્યને હું વખોડું છું. આ સંવેદનાહિન કતલેઆમને કારણે આપણો દેશ વ્યથિત છે. આ હુમલાઓમાં જીવ ગુમાવનારા સાથે હું સંવેદના વ્યક્ત કરું છું. તેમના આત્માને શાંતિ મળે."
રાષ્ટ્રપ્રમુખના પ્રવક્તા ગર્બા શેહુના જણાવ્યાનુસાર રાષ્ટ્રપતિ બુહારીએ આ "હુમલાને પાગલ કૃત્ય ગણાવ્યું છે."
સ્થાનિક સૈનિક જેમણે હુમલામાં બચનારાઓને મદદ કરી તેમણે AFP ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, "અમને ઘટના સ્થળેથી 43 લોકોના મૃતદેહ મળ્યા છે. બધાની હત્યા કરાઈ હતી. ઘટનામાં છ લોકો ગંભીરપણે ઘાયલ પણ થયા છે."
હુમલો ક્યાં કરાયો?
ઘણા ખેતમજૂરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યાનુસાર તેમાં દસ મહિલાઓ પણ સામેલ છે.
અન્ય એક સૈનિકે AFPને જણાવ્યું કે, "હુમલામાં જીવ ગુમાવનાર તમામ ઉત્તર-પશ્ચિમી રાજ્ય સોકોટોના નિવાસી હતા. તેઓ પોતાનાં ઘરોથી એક હજાર કિલોમિટર દૂર ઉત્તર-પૂર્વ નાઇજીરિયામાં કામ કરવા માટે આવ્યા હતા."
બોર્નો રાજ્યના ગવર્નર બાબાગાના ઝુલુમ પણ મૃતકોની અંતિમ વિધિ દરમિયાન હાજર રહ્યા હતા.
તેમણે પત્રકારોને કહ્યું કે, "પોતાનાં ખેતરોમાં કામ કરી રહેલા 40 કરતાં વધુ મજૂરોને હત્યાનું કૃત્ય ખૂબ જ દુ:ખદ છે."
"અમારા લોકો ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં છે, તેઓ બે આંત્યંતિક પરિસ્થિતિમાં છે. એક તરફ જો તેઓ ઘરે રહેશે તો તેઓ ભૂખના કારણે મરી જશે અને બીજી તરફ જો તેઓ ખેતરોમાં કામ કરવા માટે જશે તો હુમલાખોરોના નિશાન પર આવી જશે. આ ખૂબ જ દુ:ખની વાત છે."
તેમણે સંઘીય સરકારને વધુ સૈનિકો અને સુરક્ષાદળોના જવાનોની ભરતી કરવા કહ્યું જેથી ક્ષેત્રમાં ખેડૂતોની રક્ષા થઈ શકે.
બોકો હરામ પર જઈ રહી છે શંકાની સોય
સ્થાનિક સંસદના સભ્ય અહમદ સતોમીએ ન્યૂઝપેપર 'પ્રીમિયમ ટાઇમ્સ'ને જણાવ્યું કે, "શુક્રવારે ખેડૂતોએ પોતાને ત્રાસ આપનાર બોકો હરામના એક સભ્યની ધરપકડ કરાવી હતી જે કારણે તેમની પર આ હુમલો થયો છે."
સ્થાનિક પત્રકારોના મતે ખેડૂતો પર ઇસ્લામિક ગ્રૂપ બોકો હરામના ઉગ્રવાદીઓ પહેલાં પણ હુમલો કરી ચૂક્યા છે, કારણ કે તેઓ ખેડૂતો પર પોતાની માહિતી સેના સુધી પહોંચાડવા બાબતે શંકા કરે છે.
ગયા મહિને બોકો હરામના લડવૈયાઓએ બે જુદીજુદી ઘટનાઓમાં સિંચાઈ હેઠળની જમીન પર કામ કરી રહેલા 22 ખેડૂતોનાં મૃત્યુ નીપજાવ્યાં હતાં.
અબુજા ખાતે બીબીસીના ક્રિસ ઍવોકોરે જણાવ્યું હતું કે એક જેહાદી હુમલામાં બોર્નો રાજ્યના બાગા શહેરની નજીક છ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
આ સૈનિકો વિસ્તારમાં આવેલા ઘર્ષણને કારણે સ્થળાંતરિત થયેલા લોકો માટેના અનાજવિતરણ ડૅપોની સુરક્ષા વધારવા માટે જઈ રહ્યા હતા.
બોકો હરામના હિંસાત્મક કૅમ્પેનના અંત આણવાના ક્ષેત્રીય પ્રયાસો છતાં પાછલા અમુક સમયથી આ જૂથના હુમલાઓની સંખ્યા વધી છે.
સંવાદદાતાઓ દ્વારા મળતી માહિતી અનુસાર નાઇજીરિયાની સરકાર વારંવાર એવો દાવો કરતી રહી છે કે આ ઉગ્રવાદી જૂથ ટેકનિકલી પરાસ્ત થઈ ચૂક્યું છે.
પાંચ વર્ષ પહેલાં બોકો હરામ હારી ગયું હોવાનો દાવો કરનાર રાષ્ટ્રપતિ બુહારીએ કહ્યું કે તેઓ નાઇજીરિયાના લોકોને બચાવવા માટે સૈન્યને તમામ મદદ કરી રહ્યા છે.
પરંતુ હજારોની સંખ્યામાં મૃત્યુ અને અપહરણોનું કારણ બનેલા ઉગ્રવાદના આ સિલસિલાને નાઇજીરિયાના સેના દ્વારા હજુ સુધી રોકી શકાયો નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો