ફેક ન્યૂઝ : પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ વિશેના સમાચારોમાં કેટલું સત્ય?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, આબિદ હુસૈન
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ભારતની ઘણી ન્યૂઝ વેબસાઇટ્સમાં અને સોશિયલ મીડિયામાં એવા સમાચાર મોટા પાયે ચાલ્યા કે પાકિસ્તાનના કરાચીમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે.
પાકિસ્તાનનાં સ્થાનિક અખબારોમાં એવા સમાચાર છપાયા કે સિંધ પ્રાંતના પોલીસવડાનું સેનાએ અપહરણ કર્યું છે તે પછી આવા અહેવાલો વહેતા થયા હતા. પોલીસવડા પર વિપક્ષના નેતાની ધરપકડ કરવાનું દબાણ હતું.
આ સમાચાર ભારતીય માધ્યમોમાં તરત છવાઈ ગયા અને પાકિસ્તાની સેના તથા પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચારો દેખાડવાનું શરૂ થયું.
ભારતમાં એવા સમાચારો ચાલ્યા કે પાકિસ્તાનમાં પોલીસ અને સેના વચ્ચે અથડામણ થઈ છે અને કરાચીના કેટલાક પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે. સાથે જ કરાચીની સડકો પર ટૅન્કો ફરવા લાગી છે.
ટ્વિટર પર એક ફેક વીડિયો પણ વાઇરલ થયો જેને સેના અને પોલીસ વચ્ચેની ટક્કરનું દૃશ્ય ગણાવાયું હતું.
હકીકતમાં આમાંથી એક પણ દાવો સાચો નથી.
પાકિસ્તાનમાં રાજકીય નેતાઓની ધરપકડ થઈ તેની સામે નારાજગી ચોક્કસ હતી અને સ્થાનિક પોલીસ તથા વિપક્ષી નેતાઓમાં નારાજગી હતી, પરંતુ તેના કારણે ક્યાંય હિંસા થઈ નહોતી.

મામલો શું હતો

ઇમેજ સ્રોત, AFP
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશાં ખરાબ રહ્યા છે. બંને એકબીજાને દુશ્મન માને છે અને એકબીજાની બુરાઈ કરતા રહે છે. 1947માં આઝાદી પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ વાર યુદ્ધો થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગયા વર્ષે ફેસબુકે પાકિસ્તાની સેના સાથે જોડાયેલા એક નેટવર્ક અને ભારત સમર્થિત ફેક વેબસાઇટ તથા થિંક ટૅન્કના એક ગ્લોબલ નેટવર્કને બ્લૉક કરી દીધું હતું. આ નેટવર્કના માધ્યમથી યુરોપમાં લેવાનારા નિર્ણયોને પ્રભાવિત કરવાની કોશિશ થઈ રહી હતી.
જોકે આ વખતે ફેક ન્યૂઝ ચલાવનારામાં ઘણાં બધાં પ્રમાણિત એકાઉન્ટો પણ હતાં અને પ્રતિષ્ઠિત વેબસાઇટોમાં પણ સમાચારો પ્રગટ થયા હતા. તેના કારણે તેના લાખો વાચકો સુધી ફેક ન્યૂઝ પહોંચી ગયા હતા.
વિરોધ પક્ષોના એક સંગઠને ઇમરાન સરકાર સામે વિરોધ કરવા માટે કરાચીમાં એક સભા કરી તેમાંથી આખો મામલો શરૂ થયો હતો.
18 ઑક્ટોબરે સભા થઈ તેના આગલા દિવસે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના જમાઈ કૅપ્ટન (નિવૃત્ત) મહમદ સફદરની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના સ્થાપક મહમદ અલી ઝીણાની મઝારનું અપમાન કરવાના કેસમાં સફદરની ધરપકડ થઈ હતી.
આ ઘટના પછી એવો આક્ષેપ થયો કે પાકિસ્તાની સેનાએ સફદરની ધરપકડ કરવા માટે સિંધ પ્રાંતની પોલીસ પર દબાણ કર્યું હતું. સિંધ પોલીસના આઈજીનું અપહરણ કરીને તેમની પાસે ધરપકડ માટે પરાણે સહી કરાવી લેવાઈ તેવી વાતો ચાલતી થઈ હતી.
આઈજી સામે આવા વર્તનના વિરોધમાં પોલીસ અધિકારીઓ રજા પર ઊતરી ગયા અને વિવાદ વધવા લાગ્યો તે પછી પાકિસ્તાની સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાએ આ બાબતમાં તપાસનો આદેશ આપ્યો હોવાનું જણાવાયું.

જ્યાં ઘર્ષણ થયું જ નહોતું

ઇમેજ સ્રોત, Reuters
તપાસ માટેના આદેશો અપાયા તે પછી પાકિસ્તાનમાં મામલો શાંત પડવા લાગ્યો. પરંતુ મંગળવારે એક અજાણ્યા ટ્વિટર એકાઉન્ટ પર જણાવાયું કે પાકિસ્તાન સેના અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે. કરાચીની સડકો પર ટૅન્કો ફરવા લાગી છે અને ઓછામાં ઓછા પાંચનાં મોત થયાં છે.
એ સ્પષ્ટ નથી કે પ્રથમ ટ્વીટ કોણે કર્યું. એટલું જ નહીં બીબીસીએ ઘણી કોશિશો કરી તે પછીય @drapr007 નામનું ટ્વિટર એકાઉન્ટ કોનું છે તે જાણી શકાયું નથી.
એક કલાક પછી આ જ એકાઉન્ટ પર ફરી ટ્વીટ કરાયું અને જણાવાયું કે, "#Breaking: કરાચીના ગુલશન-એ-બાગ ઇલાકામાં પાકિસ્તાની સેના અને સિંધ પોલીસ વચ્ચે ભારે ગોળીબાર..."
હકીકતમાં કરાચીમાં ગુલશન-એ-બાગ નામનો કોઈ વિસ્તાર જ નથી.
કરાચીને જાણનારા લોકોએ આ વિસ્તાર ક્યાં આવ્યો તે જાણવાની કોશિશ કરી હશે. જોકે કરાચી વિશે ના જાણતા હોય તે લોકોને આવા સમાચારો સાચા લાગી શકે છે.

આ સિવાય કરાચીમાં કોઈ ગલીમાં લડાઈ નહોતી થઈ અને ક્યાંય ટૅન્ક પર ફરતી જોવા મળી નહોતી.
આ પછી પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિના સમાચારો ફેલાવા લાગ્યા. કરાચીમાં ગૅસ લિકને કારણે એક જગ્યાએ ધડાકો થયો તેના કારણે અફવાઓને જોર મળ્યું હતું.
આ સમાચારને ઘણા વેરિફાઇડ એકાઉન્ટ અને સીએનએન18, ઝી ન્યૂઝ અને ઇન્ડિયા ટુડે જેવી જાણીતી ચેનલોએ પણ ચલાવ્યા હતા.
વેરિફાઇડ એકાઉન્ટમાંથી એક પ્રશાંત પટેલે કેટલાંય ટ્વીટ કર્યાં અને જણાવ્યું કે કરાચીમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે, પોલીસ અને સેનાના અધિકારીઓનાં મૃત્યુના દાવા પણ કરાયા.
સાથે જ દાવો કરાયો કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રેડિયો પર દેશભક્તિનાં ગીતો વગાડવાનો આદેશ આપી દીધો છે અને કરાચી બંદરે અમેરિકાની સેના પહોંચી રહી છે.

પ્રશાંત પટેલે પોતાના પરિચયમાં એવું લખ્યું છે કે પોતે ભારતીય સુપ્રીમ કોર્ટમાં વકીલ છે.
બીબીસી રિયાલિટી ચેક ટીમે આવાં કેટલાંક એકાઉન્ટ અને વેબસાઇટોની ધ્યાનપૂર્વક તપાસ કરી.
તેમાંથી કેટલાંક એકાઉન્ટ સિંધ પોલીસનાં નામે બનાવાયેલાં હતાં. તેમાં કરાચી વિશેની ખોટી ખબરો ફેલાવાઈ હતી. આ એકાઉન્ટોની કડી ભારત સાથે હોવાનું જોવા મળ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઇન્ટરનેશનલ હેરલ્ડ નામના એક એકાઉન્ટમાં પોલીસ અને સેના વચ્ચે અથડામણના નામે એક વીડિયો પણ શૅર કરવામાં આવ્યો હતો.
આ અંધારિયા અને ધૂંધળા વીડિયોમાં કેટલાક યુવાનો એક ઇમારત તરફ આગળ વધતા દેખાય છે. એક તરફ આગ લાગેલી છે. તેઓ પથ્થરો ફેંકી રહ્યા છે અને જોરશોરથી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. એવું લાગે કે જાણે તેઓ પાકિસ્તાની સેનાના વડા સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
બીબીસી એ જણાવી શકે તેમ નથી કે વીડિયોમાં ફેરફાર કરાયો છે કે કેમ અને તે પાકિસ્તાનમાં બનાવાયો છે કે કેમ.
ઇન્ટરનેશનલ હેરલ્ડનું નામ 2018ની એક કંપનીના નામે રજિસ્ટર કરાયેલું છે, પણ તે કંપની હવે બંધ થઈ ગઈ છે. તેનું 2015ના વર્ષનું એક ટ્વિટર એકાઉન્ટ છે, જેને કોઈ ફૉલો કરતું નથી, પરંતુ ભાજપના બે નેતા તેના ફૉલોઅર છે.

ખોટી માહિતી ફેલાવાની સંયુક્ત કોશિશ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પાકિસ્તાનનાં મુખ્ય માધ્યમોએ તરત જ ભારતના મીડિયામાં ફેલાઈ રહેલા ખોટા સમાચારોની હકીકતની ચકાસણી કરી હતી.
પાકિસ્તાનમાં ટ્વિટર યૂઝર્સ દ્વારા ભારતમાં ચાલી રહેલા ફેક ન્યૂઝની ટીકા કરવામાં આવી અને તેની મજાક પણ ઉડાવવામાં આવી. "CivilwarKarachi", "fakenews" અને "Indianmedia" જેવા હૅશટેગ પાકિસ્તાનમાં તરત ટ્રૅન્ડ થવા લાગ્યા હતા.
જાણીતા ગાયક અને અભિનેતા ફખ્ર-એ-આલમે ટ્વીટ કર્યું કે, "કરાચીમાં ગૃહયુદ્ધને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મારા ફૂડ પાંડા ડિલિવરી બૉયે મારી નિહારી અને બિરયાની પહોંચાડવા માટે સાથે પોતાની એકે47, આરપીજી, 9એમએમ ગન રાખીને છુપાતાછુપાતા આવવું પડ્યું હતું. મામલો બહુ ગંભીર થઈ રહ્યો છે."
લેખિકા બીના શાહે કહ્યું કે, "હું કરાચીમાં રહું છું. મેં ગ્રોસરી ખરીદી, બેકરી ગઈ, કેટલાંક કપડાં પણ ખરીદ્યાં અને ઘરે પાછી આવી ગઈ. અહીં ગૃહયુદ્ધ થઈ રહ્યું હોય તો મને ક્યાંય દેખાયું નહીં."
કેટલાકે આ કિસ્સાને ભારતીય માધ્યમોએ સંપીને ખોટી માહિતી ફેલાવવાની કોશિશ સમાન ગણાવ્યો હતો.

"અમુક મીડિયા જૂથો જવાબદાર"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતના સામયિક 'ધ કારવાં'ના રાજકીય સંપાદક હરતોષસિંહ બલે બીબીસીને જણાવ્યું કે, "બંને દેશોમાં અમુક મીડિયા જૂથો એવાં છે, જે આવી રમતો કરવાનું કામ કરે છે. તેમને પત્રકારત્વ સાથે કંઈ લેવાદેવા નથી."
"આ એટલું પક્ષપાતી હોય છે તેનો કોઈ અર્થ રહેતો નથી."
પોતાનું નામ ના આપવાની શરતે એક વરિષ્ઠ પત્રકારે કહ્યું કે પાકિસ્તાની સેના અને પોલીસ વચ્ચે અથડામણ દેખાડીને પાકિસ્તાનનું પતન થઈ રહ્યું છે તેવી વાત જણાવવી તે ભારતીય નૅરેટિવ સાથે બંધબેસતું આવે છે.
તેઓ કહે છે, "ખોટી જાણકારી આપનારાં ટ્વિટર હૅન્ડલનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે કે તેમાંથી મોટા ભાગના સત્તાધારી પક્ષ સાથે જોડાયેલાં છે."
વડા પ્રધાન ઇમરાન ખાનના ડિજિટલ સ્ટ્રેટેજીના સલાહકાર અર્સલાન ખાલિકે કહે છે કે આવું કંઈ પહેલી વાર નથી થયું કે ભારતીય મીડિયામાં સંયુક્ત રીતે પાકિસ્તાન વિશે ખોટા સમાચારો ફેલાવાયા હોય.
અર્સલાન ખાલિકે ટ્વિટર પર તેનાં ધોરણો અંગે પણ સવાલો ઉઠાવ્યા.
બીબીસીએ વારંવાર પ્રયાસો કર્યા તે પછીય ફેક ન્યૂઝ અંગે ટ્વિટર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.
(આ અહેવાલ બીબીસી રિયાલિટી ચેક અને બીબીસી મૉનિટરિંગ વિભાગોની મદદથી તૈયાર કરાયો છે.)

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















