જ્યૉર્જ ફ્લૉય્ડનું મૃત્યુ : પ્રદર્શનો અને હિંસાને નાથવા ડોનાલ્ડ ટ્રમ્પની સેનાને ઉતારવાની ચીમકી

ઇમેજ સ્રોત, Getty Images
આફ્રિકી મૂળના અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉયડના મોત બાદ ઠેર-ઠેર પ્રદર્શનો થઈ રહ્યાં છે, ક્યાંક-ક્યાંક પ્રદર્શનોએ હિંસક રૂપ લઈ લીધું છે.
પ્રદર્શનોને નાથવા માટે કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. સોમવાર સાંજની સ્થિતિ પ્રમાણે 40 શહેરોમાં કર્ફ્યુ હતો.
જોકે હવે આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વૉશિંગ્ટનમાં કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે.
આ વચ્ચે ન્યૂ યૉર્કના મેયરે પણ ગઈરાત્રે કર્ફ્યુની જાહેરાત કરી છે.
ટ્રમ્પનું કહેવું છે કે હિંસાને રોકવા માટે હજારો પોલીસકર્મીઓ અને સૈનિકદળો તહેનાત કરવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું ગઈરાત્રે વૉશિંગ્ટન ડીસીમાં જે કંઈ પણ થયું એ શરમની વાત છે. હું હજારો સશક્ત સૈનિકોને ઉતારવા જઈ રહ્યો છું.

વાઇટ હાઉસ પહોંચ્યા હતા પ્રદર્શનાકારીઓ

ઇમેજ સ્રોત, Reuters
પોલીસ કસ્ટડીમાં જ્યૉર્જ ફ્લૉયડની હત્યા બાદ આ 40 જેટલાં શહેરોમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં છે.
વૉશિંગ્ટનમાં પ્રદર્શનકારીઓ વાઇટ હાઉસની બહાર એકઠા થયા છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે આ પ્રદર્શનો શાંતિ પૂર્ણ રીતે શરૂ થયાં હતાં પરંતુ ત્યારબાદ તેણે હિંસકરૂપ ધારણ કરી લીધું હતું. અનેક વિસ્તારોમાં દુકાનો લૂંટી લેવાઈ છે, કારો સળગાવી દેવાઈ અને ઇમારતો પર હુમલા કરવામાં આવ્યા છે.
વિરોધપ્રદર્શન કરી રહેલા લોકોને કાબૂમાં લેવા માટે 'રાયોટ પોલીસે' ટિયર-ગૅસના સૅલ અને રબરની ગોળીઓ છોડી હતી.

ઘટના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના મિનેસોટામાં એક શ્યામ વ્યક્તિની પોલીસના હાથે થયેલી હત્યા બાદ અહીં વિરોધપ્રદર્શનો શરૂ થયાં છે.
સોમવારની રાત્રે પોલીસને એક ગ્રૉસરી સ્ટોરમાંથી ફોન આવ્યો કે જ્યૉર્જ ફ્લૉયડ નામની એક વ્યક્તિએ 20 ડૉલરની ખોટી નોટ આપી છે.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જ્યારે જ્યૉર્જને પોલીસવાનમાં બેસાડવાનો પ્રયત્ન કરી રહી ત્યારે જ તેઓ જમીન પર પડી ગયા.
પોલીસના જણાવ્યા પ્રમાણે ફલૉયડે અધિકારીઓનો વિરોધ કર્યો હતો, જેના કારણે તેમના હાથે હાથકડી પહેરાવી દેવાઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, પોલીસ અને ફ્લૉયડ વચ્ચે ઘર્ષણ થયું હોય એવું આ ઘટનાના વીડિયોમાં ક્યાંય જોવા મળ્યું નથી.
આ ઘટનામાં ચોવિન નામના પોલીસઅધિકારીએ ગોઠણ વડે ફ્લૉયડનું ગળું દબાવ્યું હતું. આ સમયે ફ્લૉયડ કહી રહ્યા છે, 'પ્લીઝ, હું શ્વાસ નથી લઈ શકતો' અને 'મને મારી ના નાખશો'
પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે પોલીસઅધિકારીએ ફ્લૉયડનું ગળું ગોઠણ વડે લગભગ 8 મિનિટ અને 46 સેકંડ સુધી દબાવી રાખ્યું હતું. ફ્લૉયડ હાલા-ચાલતા બંધ થઈ ગયા બાદ પણ ત્રણેય મિનિટ સુધી તેમનું ગળું દબાવી રાખવામાં આવ્યું હતું.
બાદમાં પોલીસ અધિકારી ચોવિને તેમનો ગોઠણ હઠાવ્યો અને તેમના સાથી અધિકારીઓએ ફ્લૉયડનું કાડું દબાવી ધબકારા ચેક કર્યાં પરંતુ કોઈ ધબકાર ન જણાતાં તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

હત્યા બાદ ભારે હિંસા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં આ ઘટના બાદ લૉસ એન્જલસ શહેરમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. કેલિફોર્નિયાનાના ગવર્નરે અહીં સ્ટેટ ઇમરજન્સી લાગુ કરી દીધી છે અને નેશનલ ગાર્ડને સ્થિતિને કાબૂમાં કરવા માટે ઉતારવામાં આવ્યા છે.
ન્યૂયૉર્ક શહેરમાં 20 જેટલાં પોલીસવાહનોને સળગાવી દેવામાં આવ્યાં છે. જ્યારે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
એક એવો પણ વીડિયો વાઇરલ થયો છે જેમાં પોલીસ અધિકારી વિરોધ કરનારા લોકોના ટોળામાં કાર ઘુસાડી દે છે. આ વીડિયો પર અહીં પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપો થઈ રહ્યા છે.
શિકાગોમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. અહીં પણ સેંકડો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.
ઍટલાન્ટામાં કર્ફ્યુ લાગુ કર્યા બાદ પણ પ્રદર્શનકારીઓ રસ્તા પરથી હઠ્યા નથી. અહીં અનેક વાહનોને સળગાવી દેવામાં આવ્યાં છે, જ્યારે જાહેર સંપત્તિને પણ ઘણું નુકસાન કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી છે. પોલીસે અહીં અનેક લોકોની ધરપકડ કરી છે.
સાન ફ્રાન્સિસ્કો શહેરમાં પણ કર્ફ્યુ લાદવાની ફરજ પડી છે. મેયરે શહેરમાં દુકાનોમાં તોડફોડ અને વાહનો સળગાવવાની ઘટના બાદ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો હતો.

ફ્લૉયડના મોત બાદ રંગભેદ સામે લોકો રસ્તા પર

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ અધિકારી ચોવિન પર હાલ હત્યા અને માનવવધના ગુના હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.
જોકે, ફ્લૉયડના પરિવારજનોએ હજુ વધુ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ મામલે શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ફ્લૉયડના મૃત્યુએ અમેરિકનોમાં ભય, ક્રોધ અને દુઃખની લાગણી પેદા કરી છે.
ઉપરાંત તેમણે પ્રદર્શનકારીઓ સામે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે તેઓ ક્યારેય ગુસ્સે ભરાયેલા ટોળાને પ્રભાવી નહીં થવા દે.
આ ઘટના બાદ અમેરિકાનાં ન્યૂયૉર્ક, વૉશિંગ્ટન સહિતનાં શહેરોમાં રેલીઓ નીકળી, પ્રદર્શનો થયાં અને લોકોએ રંગભેદનો વિરોધ કર્યો.
અનેક પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અમેરિકામાં જેટલી ગોરા લોકોની જિંદગી મહત્ત્વની છે એટલી શ્યામવર્ણના લોકોની નથી.
આ પહેલાં પણ અમેરિકામાં શ્યામવર્ણના લોકોને પોલીસે માર માર્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















