CAA : ચીને કહ્યું, 'તમારો દેશ, તમે સમજો'

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતમાં ચીનના ઉપરાજદૂત ઝા લિઉએ કહ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદો ભારતની આંતરિક બાબત છે અને ભારત જ તેનો ઉકેલ લાવી શકે છે.

કોલકતામાં ચીનના કૉન્સ્યુલ જનરલે પત્રકારોને જણાવ્યું, 'આ ભારતની આંતરિક બાબત છે. અમારે આના પર કંઈ નથી કહેવું.'

'આ તમારો દેશ છે અને તમારા મુદ્દાઓનો ઉકેલ તમારે જ લાવવો પડશે.'

ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ગત સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કમિશનરના કાર્યાલયે આને 'મૌલિક રૂપે ભેદભાવપૂર્ણ' ગણાવ્યો હતો.

ચીને હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારન ટીકા કરી નથી.

જોકે, કાશ્મીરમાં અનુચ્છેદ 370ની નાબૂદી પર તે સ્પષ્ટ રીતે પોતાનો મત વ્યક્ત કરતું રહ્યું છે.

'ઇમરાન ખાનની ટિપ્પણી વણમાગી'

સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના ભાષણને ભારતે 'વણમાગી ટિપ્પણી' જણાવીને ટીકા કરી છે.

એનડીટીવીના અહેવાલ મુજબ, સંયુક્ત રાષ્ટ્ર ખાતે ભારતના કાયમી પ્રતિનિધિ રાજીવ ચંદરે કહ્યું:

'પાકિસ્તાનના વડા પ્રધાને આ મંચ ઉપરથી કરેલી વણમાગી ટિપ્પણીને સ્પષ્ટપણે નકારીએ છીએ.'

'વધુ એક વખત ભારતની આંતરિક બાબતમાં દખલ દેવાનો પ્રયાસ કર્યો છે.'

ભારતે પોતાનો તર્ક રજૂ કરવા માટે પાકિસ્તાનના ઇશનિંદા કાનૂન અને ત્યાં ઘટતી જતી લઘુમતીઓની વસતિનો ઉલ્લેખ કર્યો હતો.

આ પહેલાં જીનિવા ખાતે ગ્લોબલ રૅફ્યૂજી ફોરમના સહ-સંયોજક તરીકે બોલતી વખતે ખાને કહ્યું હતું કે મોદી સરકારના પગલાને કારણે દક્ષિણ એશિયામાં મોટાપાયે શરણાર્થી સંકટ તોળાઈ રહ્યું છે.

હિંસા પર સંયુક્ત રાષ્ટ્રની ચિંતા

'જનસત્તા'ના અહેવાલ અનુસાર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયા ગુટરેઝે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થયેલાં પ્રદર્શનોમાં હિંસા અને સુરક્ષાકર્મીઓ દ્વારા કથિત રીતે કરાયેલા વધારે પડતા બળપ્રયોગ પર ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે અભિવ્યક્તિની આઝાદીનું સન્માન કરવાની અપીલ પણ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો