ઇમરાન ખાન : 9/11 પછી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપીને મોટી ભૂલ કરી

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે 9/11 હુમલા બાદ અમેરિકાનો સાથ આપીને મોટી ભૂલ કરી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું કે જૂની સરકારોએ એ વાયદા કરવાની જરૂર ન હતી, જે તે પૂરા ન કરી શકે.
ઇમરાન ખાને CFR (કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન)માં એમ પણ કહ્યું કે તેમની આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી એવી આશા રાખે છે કે તેઓ ભારતને કાશ્મીરમાં કર્ફ્યૂ હટાવવાનો આગ્રહ કરે.
પૂર્વ અમેરિકન રક્ષા સચિવ જેમ્સ મેટિસે હાલ જ ટિપ્પણી કરી હતી કે તેઓ પાકિસ્તાનને એ બધા દેશોની વચ્ચે ખતરનાક માને છે, જેમનો અત્યાર સુધી તેમણે સામનો કર્યો છે.
આ અંગે પૂછવા પર ઇમરાન ખાને કહ્યું, "મને નથી લાગતું કે મેટિસ સારી રીતે સમજે છે કે પાકિસ્તાન કટ્ટરપંથી કેમ બન્યું."
ખાને કહ્યું કે પાકિસ્તાને 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં અલ કાયદાના હુમલા બાદ ઉગ્રવાદ વિરુદ્ધ યુદ્ધમાં અમેરિકાનો સાથ આપીને મોટી ભૂલ કરી છે.

ગુજરાતમાં 'હિકા'ની અસર

ઇમેજ સ્રોત, Getty Images
અરબ સાગરમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન 'હિકા' નામના વાવાઝોડામાં પરિવર્તિત થયું છે.
ઇકૉનૉમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર હિકા વાવાઝોડાના કારણે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાવાઝોડાની આગાહી સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે તોફાનના કારણે ગુજરાતમાં વધારે અસર વર્તાશે નહીં અને તેના કારણે 50 કિલોમિટર પ્રતિકલાકની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે.
આ પવન પણ આગામી 12 કલાકની અંદર ધીમો પડી જશે.
સોમવારની રાત્રે 11.30 સુધી હિકા તોફાન વેરાવળથી 490 કિલોમિટર દૂર હતું જે હવે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.

ચોરીની શંકાએ એક વ્યક્તિની માર મારી હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર જામનગરના મોટી ખાવડી ગામમાં ઉત્તર પ્રદેશની એક વ્યક્તિની ચોરીની શંકાએ માર મારી હત્યા કરી દેવાઈ છે.
આ અંગે પોલીસે જણાવ્યું છે કે આ મૉબ લિન્ચિંગનો કેસ નથી અને તેમણે હત્યાના આરોપસર 3 લોકોની ધરપકડ કરી લીધી છે.
મેઘપર પોલીસના સબ-ઇન્સ્પેક્ટર દશરથસિંહ વાઢેરે જણાવ્યું છે કે જેમની હત્યા કરી દેવાઈ છે તેઓ મોટી ખાવડીના રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા હતા અને લોખંડના રોડથી એક ઘરની બારી તોડી નાખી હતી.
જામનગરના ASP સંદીપ ચૌધરીએ ઉમેર્યું કે મૃતકે લોખંડના રોડથી તે ઘરમાં રહેતી વ્યક્તિને મારવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં ત્યાં રહેતા લોકોએ તેમને માર માર્યો હતો જે બાદ તેમનું મૃત્યુ થયું હતું.
ASP ઉમેરે છે કે આ હત્યામાં કુલ 7 લોકોની સંડોવણી હતી.

બાલાકોટમાં ફરી 500 જેટલા આતંકીઓ સક્રીય : બિપિન રાવત

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે પાકિસ્તાનના આશરે 500 જેવા પ્રશિક્ષિત આતંકીઓ રાહ જોઈને બેઠા છે.
જોકે, તેમણે એમ પણ ઉમેર્યું છે કે ખીણમાં શાંતિ ભંગ કરવાના દરેક પ્રયાસનો જવાબ આપવા માટે સેના હંમેશાં તૈયાર છે.
બિપિન રાવતે ઉમેર્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં બાલાકોટ સ્થિત જે આતંકવાદી કૅમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો, તે કૅમ્પ ફરી સક્રીય થયો છે.
તેઓ કહે છે, "જરૂર પડવા પર અમે બાલાકોટથી પણ આગળ જઈશું."

જ્યારે અચાનક મોદીનું ભાષણ સાંભળવા આવ્યા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images
હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર અમેરિકાના ન્યૂયૉર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા એક સત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ભાષણને સાંભળવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પહોંચ્યા હતા.
જોકે, રસપ્રદ વાત એ હતી કે ટ્રમ્પનું આ સત્રમાં હાજર રહેવું પહેલેથી નક્કી ન હતું, તે છતાં રાષ્ટ્રપતિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા માટે અચાનક હાજરી આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















