સાઉદી અરેબિયા : મહિલાઓ પુરુષ વાલીની મંજૂરી વિના કરી શકશે વિદેશયાત્રા

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

સાઉદી અરેબિયામાં મહિલાઓ હવે કોઈ પુરુષ ગાર્ડિયનની મંજૂરી વિના પણ વિદેશયાત્રા કરી શકે છે. શુક્રવારે આ મામલે શાહી આદેશ જારી કરવામાં આવ્યો હતો.

નવા નિયમ પ્રમાણે હવે 21 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓ કોઈ પુરષ ગાર્ડિયનની મંજૂરી વિના પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.

એનો અર્થ એ થયો કે હવે સાઉદી અરેબિયામાં તમામ વયસ્ક લોકો વિદેશ યાત્રા માટે પાસપોર્ટની અરજી કરી શકે છે. આમાં મહિલા કે પુરુષમાં ભેદભાવ રાખવામાં આવશે નહીં.

શાહી આદેશ અનુસાર હવે મહિલાઓને પોતાનાં બાળકોના જન્મ, પોતાનાં લગ્ન અને છુટાછેડા માટે રજિસ્ટ્રેશન કરાવવાનો અધિકાર હશે.

આ સાથે જ નોકરીઓમાં હવે મહિલાઓને વધારે તક આપવાની વાત પણ કહેવામાં આવી છે.

નવા નિયમ પ્રમાણે દેશમાં તમામ નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના કામ કરવાનો અધિકાર હશે.

અત્યાર સુધી સાઉદી અરેબિયામાં મહિલાઓને વિદેશ યાત્રા પર જવા અને પાસપોર્ટ માટે અરજી કરવા માટે કોઈ પુરુષ ગાર્ડિયન(પતિ, પિતા અથવા પુરુષ સંબંધી)ની મંજૂરી લેવી પડતી હતી.

સાઉદી અરેબિયાના શાસક રાજકુમાર મોહમ્મદ બિન સલમાને આ પહેલાં પણ અનેક સુધારાઓની ઘોષણા કરી હતી.

જેમાં મહિલાઓને કાર ચલાવવા પરના પ્રતિબંધ હટાવવાની વાત પણ સામેલ છે.

મહિલા

ઇમેજ સ્રોત, GCSHUTTER

વર્ષ 2016માં તેમણે 2030 સુધી દેશની અર્થવ્યવસ્થામાં સુધારાની યોજનાની ઘોષણા કરી હતી.

તેનો એક ઉદ્દેશ કામકાજમાં મહિલાઓની ભાગીદારી 22 ટકાથી વધારીને 30 ટકા સુધી કરવાની હતી.

જોકે, સાઉદી અરેબિયામાં એવા અનેક હાઈપ્રોફાઇલ મામલા પણ આવ્યા છે, જેમાં મહિલાઓએ ત્રાસના આરોપ લગાવીને કેનેડા જેવા બીજા દેશમાં શરણ માગ્યું હોય.

આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડાએ 18 વર્ષીય રહાફ મોહમ્મદ અલ કુનૂનને શરણ આપ્યું હતું.

તેમણે સાઉદી અરેબિયાથી ભાગીને ઑસ્ટ્રેલિયા જવાની કોશિશ કરી હતી.

જોકે, તેઓ થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં આવેલા ઍરપૉર્ટમાં ફસાઈ ગયાં હતાં અને પછી સહાયતાની અપીલ કરી હતી.

અનેક આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોનો દાવો છે કે સાઉદી અરેબિયાની મહિલાઓને બીજી કૅટેગરીના નાગરિકો જેવો વ્યવહાર કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો