પાકિસ્તાન : 'સફળ' ઑપરેશન છતાં 330 કિલો વજન ધરાવતી વ્યક્તિનું મૃત્યુ કઈ રીતે થયું?

નૂર ઉલ હસન
ઇમેજ કૅપ્શન, નૂર ઉલ હસન
    • લેેખક, ઉમર દરાઝ નંગિયાના
    • પદ, બીબીસી ઉર્દૂ, લાહોર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

નૂર ઉલ હસનને ડર હતો કે 300 કિલોગ્રામથી પણ વધુ વજન તેમનો જીવ ન લઈ લે.

પાકિસ્તાનમાં લેપ્રોસ્કોપિક સર્જરીના નિષ્ણાત ડૉક્ટર માઝ ઉલ હસને 10 દિવસ પહેલાં વજન ઓછું કરવા માટે તેમનું 'સફળ' ઑપરેશન કર્યું હતું.

પંજાબના સાદિકાબાદના રહેવાસી નૂર ઉલ હસન ત્યારબાદ લાહોરની શાલીમાર હૉસ્પિટલના આઈસીયૂમાં સારવાર હેઠળ હતા.

ડૉક્ટર માઝના મતે, "તેમનાં બધાં અંગો બરાબર કામ કરતાં હતાં અને આશા હતી કે સોમવારે બપોર સુધીમાં તેમની ઓક્સિજન પાઇપ હઠાવી દેવામાં આવશે."

પરંતુ સોમવારે સવારે જ ડૉક્ટર માઝને ખ્યાલ આવ્યો કે તેમની તબિયત બગડી ગઈ છે. તેઓ હૉસ્પિટલ પહોંચ્યા તો નૂર ઉલ હસનનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

નૂર ઉલ હસનની અપીલ ગયા મહિને સોશિયલ મીડિયામાં વાઇરલ થયા તેઓ ચર્ચામાં આવ્યા હતા. બાદમાં સેનાની હવાઈ ઍમ્બ્યુલન્સની મદદથી તેમને સાદિકાબાદથી લાહોર લવાયા હતા.

સોમવારે તેમના ઘરના લોકો ઍમ્બ્યુલન્સમાં તેમના શબને સાદિકાબાદ લઈ જઈ રહ્યા હતા. તેમના દીકરા મોહમ્મદ અસલમે બીબીસીને જણાવ્યું, "ઍમ્બ્યુલન્સનું 40 હજાર રૂપિયા ભાડું ડૉક્ટર માઝ ઉલ હસને ચૂકવ્યું છે."

"સફર બહુ લાંબો છે અને તેમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, બસ દુઆ કરીએ કે અમે સહી સલામત પહોંચી જઈએ."

line

અચાનક આવું કેમ થઈ ગયું?

ટ્વીટ

સોમવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં ડૉ. માઝ ઉલ હસને સ્થાનિક મીડિયાને કહ્યું, "સ્વાભાવિક છે કે હૃદયના હુમલાના કારણે તેમનું મૃત્યુ થયું અને તેના કારણે શાલીમાર હૉસ્પિટલના આઈસીયૂમાં હલચલ મચી ગઈ છે."

હૉસ્પિટલ વહીવટી તંત્ર અને ડૉ. માઝના મતે, "સવારે સવારે હૉસ્પિટલના આઈસીયૂ વૉર્ડમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો, પરંતુ કેટલીક મુશ્કેલીઓના કારણે બાળકનું મોત થયું. તેથી મહિલાના પરિવારજનોએ હૉસ્પિટલમાં તોડફોડ શરૂ કરી દીધી. આ દરમિયાન તેમણે કેટલાક ડૉક્ટર અને નર્સને પણ નિશાન બનાવ્યાં. તેથી હૉસ્પિટલના વહિવટી તંત્રના કર્મચારીઓ જીવ બચાવીને ભાગ્યા."

ડૉક્ટર માઝના મતે તેઓ પરત આવ્યા તો નૂર ઉલ હસનની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેમને શ્વાસ પરત આપવાની કોશિશ નિષ્ફળ રહી.

તેઓ કહે છે, "આવા દર્દીઓના મૃત્યુની શક્યતાઓ હોય છે અને સામાન્ય રીતે તેનું કારણ એ હોય છે કે ફેફસાં કામ કરવાનું બંધ કરી દે છે અથવા હૃદયનો હુમલો આવે છે. પરંતુ તેની પોસ્ટમૉર્ટમ વખતે જ સાચી ખબર પડશે."

જોકે, નૂર ઉલ હસનના પરિવારજનોએ પોસ્ટમૉર્ટમ કરવાનો ઇન્કાર કર્યો.

line

નૂર ઉલ હસનનું ઑપરેશન કઈ રીત થયું?

નૂર ઉલ હસન ડૉ. માઝ સાથે
ઇમેજ કૅપ્શન, નૂર ઉલ હસન ડૉ. માઝ સાથે

નૂર ઉલ હસન ઑપરેશન અને ત્યારબાદના ઇલાજનો ખર્ચ ઉઠાવી શકે તેમ તેમ નહોતા. પોતાના વજનના કારણે તેઓ છેલ્લા એક દાયકાથી પથારીવશ હતા. આ પહેલાં તેઓ માલવાહક ગાડીઓના ડ્રાઇવર હતા.

નૂર ઉલ હસનનું ઑપરેશન ડૉક્ટર માઝ ઉલ હસને પૈસા લીધા વિના કર્યું હતું. શાલીમાર હૉસ્પિટલ પણ તેમની સારવાર માટે રોજનો 70થી 80 હજારનો ખર્ચ ઉઠાવતી હતી.

ઑપરેશન પહેલાં ડૉ. માઝે બીબીસીને જણાવ્યું હતું કે 330 કિલો વજનના નૂર ઉલ હસનનું ઑપરેશન જે ટેકનિકથી થયું તેને લેપ્રોસ્કોપિક સ્લ્યૂ ગેસ્ટ્રેક્ટોમી કહે છે.

તેમણે કહ્યું, "તેમાં દર્દીના પેટને 80 ટકા સુધી નાનું કરી નાખવામાં આવે છે. તેમાં કી-હોલ સર્જરી હોય છે, પેટ કાપવામાં આવતું નથી."

તેમનું કહેવું હતું કે લગભગ બે વર્ષ બાદ દર્દીનું વજન દોઢથી બે કિલો ઘટવાની અપેક્ષા હતી.

જોકે, ડૉક્ટર માઝે તેમને આ અંગે પહેલાં જ ચેતવણી આપી દીધી હતી કે આ રીતના ઑપરેશન મોટા ભાગે યુવાન લોકોનાં જ થયાં છે. નૂર ઉલ હસનની ઉંમર પચાસ વર્ષથી વધુ હોવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. પાકિસ્તાનમાં થયેલું આ પ્રકારનું કોઈ પહેલું ઑપરેશન હતું.

line

ઑપરેશન બાદ શું સ્થિતિ હતી?

નૂર ઉલ હસનનું મૃત્યુ

સોમવારની પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ડૉક્ટર માઝે જણાવ્યું કે ઑપરેશન બાદ નૂર ઉલ હસનને આઈસીયૂમાં મોકલી દેવાયા હતા, જ્યાં તેમને ઇલેક્ટો વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

"અમે ઇચ્છતા હતા કે તેમનાં ફેફસાંને કામ કરવામાં મદદ મળે અને બાકીનાં અંગો પણ બરાબર કામ કરતાં હતાં. આ બધું જ રેકર્ડમાં ઉપલબ્ધ છે."

"રવિવારના દિવસે ભોજન માટે લગાવવામાં આવેલી નળીમાં તકલીફ થયા બાદ મેં પોતે આવીને એ બદલી હતી અને તે વખતે પણ તેમનાં અંગો બરાબર કામ કરતાં હતાં."

ડૉ. માઝ ઉલ હસનનું કહેવું હતું કે બાદમાં તેમણે એ નિર્ણય કર્યો હતો કે તેઓ સોમવારે બપોરે નૂર ઉલ હસનનું વૅન્ટિલેશન ખસેડી દેશે. પછી નૂર જાતે શ્વાસ લેતાં રહેશે અને ખાવાનું પણ શરૂ કરશે.

જોકે, આવું થતાં પહેલાં જ હૉસ્પિટલમાં હંગામો મચી ગયો અને ત્યારબાદ નૂરના મૃત્યુના સમાચાર સામે આવ્યા.

નૂર ઉલ હસનના દીકરા મોહમ્મદ અસલે બીબીસીને કહ્યું કે તેમને ડૉક્ટરો સાથે કોઈ સમસ્યા નથી, કારણ કે તેમણે પોતાની રીતે બહુ જ પ્રયત્નો કર્યા પણ અલ્લાહની આ જ મરજી હતી. જ્યારે હૉસ્પિટલ વહિવટી તંત્રે હોબાળાની તપાસના આદેશ આપ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો