IND vs BAN: જીત સાથે રોહિત શર્મા વિશ્વના 'મહાન' બૅટ્સમૅન બનવાથી એક કદમ દૂર

ક્રિકેટ દર્શકો

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

રોહિત શર્માની વધુ એક સદી અને લોકેશ રાહુલ સાથેની તેની જંગી ભાગીદારીની મદદથી ભારતે મંગળવારે બાંગ્લાદેશ સામે 28 રનથી વિજય હાંસલ કરીને આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.

આ સાથે ટૂર્નામેન્ટમાં પ્રશંસનીય દેખાવ કર્યા બાદ બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયું છે. ભારતને હજી એક મૅચ રમવાની બાકી છે.

ભારતે 50 ઓવરને અંતે નવ વિકેટે 314 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશે સાકીબ હસનની લડત બાદ 48 ઓવરમાં 286 રન કર્યા હતા.

315 રનના લક્ષ્યાંક સામે રમતાં બાંગ્લાદેશ માટે સાકીબ હસને 66 રન ફટકાર્યા હતા. તેમણે વર્લ્ડ કપમાં પોતાનું ફોર્મ જાળવી રાખીને 500નો આંક પણ વટાવ્યો હતો.

સાકીબે 74 બૉલની ઇનિંગ્સમાં છ બાઉન્ડરી ફટકારી હતી. સૈફુદ્દીને આક્રમક બેટિંગ કરીને અણનમ 51 રન ફટકાર્યા હતા પરંતુ તે ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી શક્યા ન હતા.

ભારત માટે જસપ્રિત બુમરાહ છેલ્લે ત્રાટક્યા હતા અને ચાર વિકેટ લીધી હતી તો હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ખેરવી હતી.

ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. બે દિવસ અગાઉ આ જ મેદાન પર ઇંગ્લૅન્ડે જંગી સ્કોર કર્યો હતો એ ધ્યાનમાં રાખીને કોહલીએ આ નિર્ણય લીધો હતો જેને યોગ્ય ઠેરવતા રોહિત શર્મા અને લોકેશ રાહુલે મજબૂત શરૂઆત કરી હતી.

બંનેએ વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતને સર્વશ્રેષ્ઠ શરૂઆત અપાવી હતી.

ભારતે પહેલી વિકેટ માટે 29.2 ઓવરમાં 180 રન ઉમેરી દીધા હતા. આ તબક્કે ભારતીય ટીમ 370નો આંક આસાનીથી વટાવી દેશે તેમ લાગતું હતું.

line

રોહિતની આક્રમક બેટિંગ

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

રોહિત શર્મા તેના જોડીદાર કરતાં વધુ ઝડપથી રમતા હતા. કારકિર્દીની 26મી સદી સાથે તેમણે ઘણા રેકર્ડ સર કર્યા હતા.

નવ રનના સ્કોરે તેમને જીવતદાન મળ્યું હતું જેનો લાભ ઉઠાવીને તેમણે ટૂર્નામેન્ટની પોતાની ચોથી સદી નોંધાવી દીધી હતી.

90 બૉલમાં સદી પૂરી કરનારા રોહિતે આ સાથે વર્તમાન વર્લ્ડ કપમાં 500 રન અને 2019ના કેલેન્ડર વર્ષમાં એક હજાર રન પૂરા કર્યા હતા.

વર્લ્ડ કપમાં કુલ પાંચ સદી સાથે તેઓ સચીન તેંડુલકરની છ સદીથી એક સદી પાછળ છે. જ્યારે સંગાકારા અને રિકી પોન્ટિંગની પાંચ સદીની તેમણે બરોબરી કરી છે.

રોહિત 92 બૉલમાં પાંચ સિક્સર અને સાત બાઉન્ડ્રી સાથે 104 રન ફટકારીને આઉટ થઈ ગયો હતો જ્યારે લોકેશ રાહુલે એટલાં જ બૉલમાં 77 રન ફટકાર્યા હતા.

આ બંનેની વિકેટ પડ્યા બાદ ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલી 26 રન કરી શક્યા હતા તો હાર્દિક પંડ્યા ખાતું પણ ખોલાવી શક્યા ન હતો.

રિષભ પંતે તેને ચોથા ક્રમે મોકલવાના નિર્ણયને યથાર્થ ઠેરવતા 41 બૉલમાં 48 રન ફટકાર્યા હતા પરંતુ ફરી એક વાર તે અડધી સદીની નજીક પહોંચીને આઉટ થઈ ગયા હતા.

મહેન્દ્રસિંહ ધોની પાસેથી આ સંજોગોમાં વધારે આક્રમક બેટિંગની અપેક્ષા હોય છે પરંતુ ફરીથી તેઓ આ અપેક્ષાને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યા હતા.

તેમણે 33 બૉલમાં 35 રન બનાવ્યા હતા પરંતુ છેલ્લી ઓવરમાં ઉપરાઉપરી બે બૉલમાં તે એકેય રન લઈ શક્યા ન હતા અને ત્રીજા બૉલે તે આઉટ થઈ ગયા હતા.

ભારતે છેલ્લા ત્રણ બૉલ બાકી હતા ત્યારે બે વિકેટ ગુમાવી દીધી હતી.

મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશ માટે સૌથી સફળ બૉલર રહ્યા હતા. તેમણે પાંચ વિકેટ ખેરવી હતી. બાંગ્લાદેશ તરફથી વર્લ્ડ કપમાં ભારતનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું.

line

2019ના વર્લ્ડ કપમાં રોહિતના 500 રન

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

રોહિત શર્માએ મંગળવારે બાંગ્લાદેશ સામે સદી ફટકારીને વર્તમાન વર્લ્ડ કપમાં પોતાના 500 રન પૂરા કર્યા હતા.

આમ કરનારા તેઓ ત્રીજા બૅટ્સમૅન બન્યા હતા. અગાઉ ઑસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને એરોન ફિંચે 500 રનનો આંક પાર કર્યો હતો.

રોહિત શર્મા અત્યારે 2019 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન નોંધાવનારા બૅટ્સમૅન છે. મૅચ દરમિયાન સાકીબ હસને પણ 500નો આંક વટાવ્યો હતો. તેઓ હવે બીજા ક્રમે છે.

line

વર્લ્ડ કપના મોખરના બૅટ્સમૅન

line

ભારત માટે એક ટૂર્નામેન્ટમાં 500 રન

ભારત માટે કોઈ એક વન-ડે ટૂર્નામેન્ટમાં 500 રન નોંધાવનારા ભારતીય બૅટ્સમૅન

line

વર્લ્ડ કપમાં રોહિત શર્માની પાંચ સદી

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

મંગળવારની સદી સાથે રોહિત શર્માએ વર્લ્ડ કપમાં પોતાની પાંચમી સદી નોંધાવી છે. હવે વધુ એક સદી તેમને મહાન ક્રિકેટર સચીન તેંડુલકરની હરોળમાં લાવી દેશે.

સચીન તેંડુલકર છ વર્લ્ડ કપમાં રમ્યો હતો જેમાં તેણે છ સદી ફટકારી હતી જ્યારે રોહિત શર્માએ પાંચ સદી નોંધાવી છે.

જોકે, રોહિત શર્મા આ માટે માત્ર 15 ઇનિંગ્સ રમ્યા છે. વર્લ્ડ કપમાં પાંચ કે તેથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓ : સચીન તેંડુલકર (6 સદી, 44 ઇનિંગ્સ), કુમાર સંગાકારા (5 સદી, 35 ઇનિંગ્સ), રિકી પોન્ટિંગ (5 સદી, 42 ઇનિંગ્સ), રોહિત શર્મા (5 સદી, 15 ઇનિંગ્સ).

line

એજબસ્ટન ગ્રાઉન્ડમાં રોહિતની સળંગ ત્રીજી સદી

બાંગ્લાદેશ સામેની મૅચમાં સદી સાથે એમ કહી શકાય કે રોહિત શર્માને બર્મિંગઘમનું એજબસ્ટન ગ્રાઉન્ડ ફળી ગયું છે. આ મેદાન પર તેમણે સળંગ ત્રણ વન-ડેમાં સદી ફટકારી છે.

બે દિવસ અગાઉ ઇંગ્લૅન્ડ સામે પણ તેમણે સદી કરી હતી તો 2017ની આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં આ જ મેદાન પર તેમણે બાંગ્લાદેશ સામે જ 123 રન ફટકાર્યા હતા.

આ સાથે ઇંગ્લૅન્ડના એક મેદાન પર સળંગ ત્રણ મૅચમાં સદી નોંધાવનારા તેઓ પ્રથમ ભારતીય બૅટ્સમૅન બન્યા છે. આ સિવાય વિરાટ કોહલીએ શ્રીલંકાના કોલંબોના મેદાન પર સળંગ ત્રણ મૅચમાં સદી ફટકારી છે.

line

મિડલ ઓર્ડરે ફરીથી નિરાશ કર્યા

ધોની અને દિનેશ કાર્તિક

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે આ મૅચમાં શાનદાર પ્રારંભ કર્યો હતો. રોહિત શર્મા અને લોકેશ રાહુલે 180 રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી પરંતુ ત્યારબાદ ટીમનો ધબડકો થયો હતો.

30 ઓવરમાં એક વિકેટે 181 રન સુધી ભારતીય ઇનિંગ્સ બરાબર ચાલતી હતી પરંતુ રોહિત શર્મા અને રાહુલ આઉટ થયા બાદ બાકીના બૅટ્સમૅન એ રનગતિ જાળવી શક્યા ન હતા.

તેમાંય 35 ઓવર બાદ તો ભારતની વિકેટો પણ સમયાંતરે પડતી રહી હતી અને ટીમ ઝડપથી રન પણ બનાવી શકતી ન હતી.

ઓપનર્સ બાદ વિરાટ કોહલી પાસેથી ઘણી આશા હતી પરંતુ તે મત્ર 26 રન કરી શક્યા હતા, તો ધોની તેની મૂળ રમત ભૂલી ગયા હોય તેમ રમતા હતા.

છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારવાના વધુ પડતા આત્મવિશ્વાસને કારમે તેમણે પ્રથમ બે બૉલમાં રન લીધો નહીં અને સ્ટ્રાઇક બચાવી. પરંતુ ત્રીજા બૉલે તે આઉટ થઈ ગયા. એ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી અને માત્ર બે રન જ થયા હતા.

line

રવીન્દ્ર જાડેજાને બહાર રાખવાનું રાજકારણ

રવીન્દ્ર જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ટીમે આ મૅચમાં બે ફેરફાર કરીને ચાર વિકેટકીપરને એક સાથે રમાડ્યા પરંતુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને હજી સુધી એકેય તક મળી નથી.

જાડેજા તેની સ્પિન બૉલિંગ દ્વારા બૅટ્સમૅનને અંકુશમાં રાખવામાં હંમેશાં સફળ રહ્યા છે. આ ઉપરાંત તેની ચુસ્ત ફિલ્ડિંગથી તેઓ ભારતને લાભ કરાવી આપે છે.

વર્તમાન ટૂર્નામેન્ટમાં તેમણે એક્સ્ટ્રા ફિલ્ડર તરીકે આવીને પણ સારી ફિલ્ડિંગ કરવા ઉપરાંત અફલાતૂન કૅચ પણ ઝડપ્યા છે.

આમ છતાં જાડેજાને ટીમમાં નહીં રાખવા બદલ પાછલા બારણે કોઈ રાજકારણ ચાલતું હોવાની આશંકા છે.

જાડેજા એક ઉપયોગી ક્રિકેટર છે અને તેથી જ તેઓ વર્લ્ડ કપ 15ની ટીમમાં છે. આમ છતાં તેમને આઠ મેચ સુધી ઇલેવનમાં સામેલ કરાયા નથી.

જાડેજા આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રમે છે અને તેમને ધોનીનો વિશ્વાસુ હોવાનું મનાય છે. કદાચ આ જ કારણસર તેમને કોહલીની ઇલેવનમાં તક મળતી નહીં હોવાનું પણ ચર્ચાય છે.

line

રોહિતનો કૅચ પડતો મૂકવો દર વખતે ભારે પડે છે

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ઇનિંગ્સની પાંચમી ઓવરમાં રોહિત શર્માને જીવતદાન મળ્યું હતું. તે નવ રન પર રમતા હતા ત્યારે મુસ્તાફિઝુર રહેમાનના બૉલે તેમણે મિડ વિકેટ તરફ બૉલ ઉછાળ્યો હતો અને તમિમ ઇકબાલ દોડીને બે હાથે કૅચ ઝડપવા ગયા હતા, પરંતુ તેમણે કૅચ ગુમાવી દીધો.

રોહિત શર્માએ તાજેતરનાં વર્ષોમાં જ્યારે પણ આ રીતે જીવતદાન મળ્યું છે તેનો લાભ ઉઠાવ્યો છે અને મોટા ભાગે તો સદી જ ફટકારી છે.

આ વર્લ્ડ કપમાં રોહિતને ચાર વખત આ રીતે જીવતદાન મળેલું હતું. દર વખતે તેનો સ્કોર દસથી ઓછો હતો.

line

રોહિતના જીવતદાન અને સ્કોર

line

વર્લ્ડ કપમાં ભાગીદારીનો નવો રેકર્ડ

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

રોહિત શર્મા અને લોકેશ રાહુલે પહેલી વિકેટ માટે 180 રનની ભાગીદારી નોંધાવી હતી.

ભારત માટે વર્લ્ડ કપમાં પહેલી વિકેટ માટેની ભાગીદારીનો આ નવો રેકર્ડ હતો. અગાઉ રોહિત શર્મા અને શિખર ધવને 2015માં હેમિલ્ટન ખાતે આયર્લૅન્ડ સામે 174 રન કર્યા હતા.

વર્લ્ડ કપમાં પહેલી વિકેટ માટે ભારત તરફથી નવમી વાર સદીની ભાગીદારી નોંધાઈ છે. 2019ના વર્લ્ડ કપમાં આ જ જોડીએ પાકિસ્તાન સામે 136 રનની ભાગીદારી નોંધાવી હતી તો ઑસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા અને શિખર ધવને 127 રનની ભાગીદારી નોંધાવી હતી.

line

રાહુલ સહિત ચાર વિકેટકીપર એક સાથે રમ્યા

ભારતે આ મૅચમાં બે ફેરફાર કર્યા હતા. ભુવનેશ્વર કુમાર અને દિનેશ કાર્તિકને આ મૅચમાં સમાવ્યા હતા.

આમ ભારતે આ મૅચમાં ધોની, રિશભ પંત અને દિનેશ કાર્તિક એમ ત્રણ નિયમિત વિકેટકીપર અને લોકેશ રાહુલને ઉમેરીએ તો ચાર વિકેટકીપરને એકસાથે રમાડ્યા હતા.

વન-ડે ક્રિકેટમાં એક સાથે ચાર વિકેટકીપરને સ્થાન મળ્યું હોય તેવું ભાગ્યે જ બન્યું છે. છેલ્લે 2017ના જૂન મહિનામાં શ્રીલંકાએ આમ કર્યું હતું.

એ વખતે શ્રીલંકાએ છ મૅચમાં એક સાથે ચાર વિકેટકીપરને તક આપી હતી જેમાં નિરોશન ડિકવેલ્લા, કુશલ પરેરા, કુશલ મેન્ડીસ અને દિનેશ ચંદીમલનો સમાવેશ થતો હતો.

રસપ્રદ બાબત તો એ હતી કે આ ચારેય વિકેટકીપર મોખરના પાંચ ક્રમમાં બેટિંગ કરતા હતા.

line

વર્લ્ડ કપમાં રમવા કાર્તિકે 5413 દિવસ રાહ જોઈ

દિનેશ કાર્તિક

ઇમેજ સ્રોત, Getty Images

દિનેશ કાર્તિકને પહેલી વાર ભારતીય ટીમ માટે વન-ડે રમવાની તક છેક 2004માં મળી હતી પરંતુ કમનસીબે તેમને 15 વર્ષ બાદ પહેલી વાર વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે.

આમ તેમણે વર્લ્ડ કપમાં રમવા માટે 5413 દિવસ સુધી રાહ જોઈ હતી. સપ્ટેમ્બર 2004માં પહેલી વન-ડે રમ્યા બાદ તે 2019ની બીજી જુલાઈએ વર્લ્ડ કપની પ્રથમ મૅચ રમ્યા છે.

જોકે, આ ગાળામાં તેમને વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન મળ્યું હતું પરંતુ અંતિમ ઇલેવનમાં તે રમી શક્યા ન હતા.

મંગળવારે બાંગ્લાદેશ સામેની મૅચમાં ભારતે કાર્તિકને સ્થાન આપ્યું હતું. આ સાથે ભારતે ટીમમાં ચાર વિકેટકીપરને રમાડ્યા હતા.

ઝિમ્બાબ્વેના હેમિલ્ટન મસાકડ્ઝાએ 2001માં પહેલી વન-ડે રમી હતી પરંતુ તેને વર્લ્ડ કપમાં છેક 2015માં તક મળી હતી. તેમણે વર્લ્ડ કપમાં રમવા માટે 4893 દિવસ સુધી રાહ જોઈ હતી.

કોઈ બાંગ્લાદેશી બૉલરે વન-ડે ક્રિકેટમાં ભારત સામે પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હોય તેવા ચાર પ્રસંગ બન્યા છે અને તેમાંથી ત્રણ વખત તો મુસ્તાફિઝુર રહેમાને આ સિદ્ધિ હાંસલ કરી છે.

તેમણે 2015માં મિરપુર ખાતે ભારત સામે 43 રનમાં છ અને 50 રનમાં પાંચ વિકેટ લીધી હતી. બંને મૅચમાં બાંગ્લાદેશનો વિજય થયો હતો. આ મૅચ અગાઉ મુસ્તાફિઝુરે બાંગ્લાદેશ માટે જ્યારે પણ ત્રણ કે તેથી વધુ વિકેટ ઝડપી છે તે તમામ મૅચમાં બાંગ્લાદેશનો વિજય થયો હતો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો