ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉનની ઐતિહાસિક મુલાકાત, DMZમાં મળ્યા બંને નેતા

ટ્રમ્પ અને કિમ જોંગ

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ-ઉન ડીએમઝેડમાં મળ્યા છે.

DMZ એટલે કે ડિમિલિટ્રાઇઝ્ડ ઝોન એ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાને વિભાજીત કરનારો અસૈન્ય વિસ્તાર છે.

આ વિસ્તારની બંને બાજુ બંને દેશની સેનાની મોટા પ્રમાણમાં હાજરી હોય છે.

આ અભૂતપૂર્વ મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કિમને DMZમાં મળવાના આપેલા પ્રસ્તાવ બાદ થઈ હતી.

જી-20 માટે જાપાન પહોંચેલા ટ્રમ્પે શનિવારે એક ટ્વીટમાં કિમને મુલાકાતનું આમંત્રણ આપ્યું હતું.

તેઓ શનિવારે જ બે દિવસના પ્રવાસ માટે દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા.

line

જ્યારે ટ્રમ્પે ક્રોસ કરી સરહદ

ટ્રમ્પ અને કિંમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, AFP/Getty

DMZમાં કિમને મળવા પહોંચેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાઉથ કોરિયાની સરહદને ક્રોસ કરીને ઉત્તર કોરિયામાં ગયા હતા અને કિમ જોંગ ઉનને મળ્યા હતા.

આ સમયે કિમે કહ્યું હતું કે તમને ફરીથી મળીને આનંદ થયો, મને એવી ક્યારેય આશા ન હતી કે આ વિસ્તારમાં આપણે મળીશું.

ટ્રમ્પ અને કિમે હાથ મિલાવ્યા હતા અને આ સમયે ટ્રમ્પે કહ્યું હતું કે અહીં આવવું મારા માટે સન્માનની વાત છે.

ઉત્તર કોરિયામાં સરહદ ઓળંગીને ગયેલા ટ્રમ્પે પછી કિમ જોંગ ઉનની સાથે દક્ષિણ કોરિયામાં પ્રવેશ કર્યો હતો.

દક્ષિણ કોરિયાની સરહદમાં આવ્યા બાદ કિમ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને પણ મળ્યા હતા અને તેમણે કેટલીક હળવી પળો વિતાવી હતી.

જે બાદ ટ્રમ્પ અને કિમે પત્રકારો સાથે વાત કરી હતી અને કિમે કહ્યું હતું કે આ એક મહત્ત્વનું પગલું છે.

ટ્રમ્પે સરહદ ઓળંગીને ઉત્તર કોરિયામાં પ્રવેશવાની ઘટનાને ગર્વની પળ ગણાવી હતી.

line

આ પહેલાંની મુલાકાત નિષ્ફળ

ટ્રમ્પ અને કિંમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, AFP

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2017માં પણ બંને કોરિયાને વિભાજીત કરનારા ડીએમઝેડની મુલાકાત લેવાની કોશિશ કરી હતી.

જોકે, મોસમ ખરાબ હોવાને કારણે તેમને પરત આવવું પડ્યું હતું.

ટ્રમ્પ અને કિમે આ વર્ષે જ ફેબ્રુઆરીમાં હનોઈમાં મુલાકાત કરી હતી જે નિષ્ફળ રહી હતી.

આ મુલાકાત બાદ બંને દેશોના સંબંધો બગડ્યા હતા. અમેરિકા ઇચ્છતું હતું કે ઉત્તર કોરિયા પોતાનો પરમાણુ કાર્યક્રમ રોકી દે.

જ્યારે ઉત્તર કોરિયા પોતાના પર લાગેલા આર્થિક પ્રતિબંધોમાંથી રાહતની માગણી કરી રહ્યું છે.

તાજેતરમાં જ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતાના નામે એક વ્યક્તિગત પત્ર મોકલ્યો હતો જેને કિમે શાનદાર ગણાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો