ટ્રમ્પ સાથે કિમની મુલાકાત બાદ પણ ઉત્તર કોરિયાએ બંધ નથી કર્યો અણુ કાર્યક્રમ

ટ્રમ્પ અને કિમ

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત

ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુએન)ના નિયંત્રણોનું ઉલ્લંઘન કરીને તેના અણુ તથા મિસાઇલ કાર્યક્રમો ચાલુ રાખ્યા હોવાનું યુએનની સલામતી પરિષદના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

સ્વતંત્ર નિષ્ણાતોની સમિતિનો આ ગુપ્ત અહેવાલ યુએનની સલામતી પરિષદને શુક્રવારે સુપરત કરવામાં આવ્યો હતો.

એ અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાએ ઑઇલ પ્રોડક્ટ્સની ગેરકાયદે શિપ ટુ શિપ ટ્રાન્સફરમાં 'જંગી વધારો' કર્યો છે અને તે શસ્ત્રો વિદેશમાં વેચવાના પ્રયાસ કરી રહ્યું છે.

આ અહેવાલના તારણો બાબતે ઉત્તર કોરિયાએ હજુ સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

અમેરિકાના અધિકારીઓએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેના પ્યોંગયાંગના સંબંધમાં તાજેતરમાં સુધારો થયો છે અને તેણે અણુશસ્ત્રોનો નાશ કરવાની ખાતરી આપી હતી.

તેમ છતાં પ્યોંગયાંગ નવાં બૅલિસ્ટિક મિસાઇલ્સ બનાવી રહ્યું હોય એવું લાગે છે.

અમેરિકાના અનામ અધિકારીઓએ 'ધ વૉશિંગ્ટન પોસ્ટ' અખબારને જણાવ્યું હતું કે જે સ્થળે બૅલિસ્ટિક મિસાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું ત્યાં એ પ્રવૃત્તિ સતત ચાલુ હોવાનું જાસૂસી ઉપગ્રહોના ધ્યાનમાં આવ્યું છે.

line

શું કહે છે યુએનનો અહેવાલ?

ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, KCNA

ઇમેજ કૅપ્શન, ઉત્તર કોરિયાએ 2017માં લાંબી રેન્જના મિસાઈલ્સનાં સંખ્યાબંધ પરીક્ષણ કર્યાં હતાં

ઉત્તર કોરિયા પરના પ્રતિબંધોના અમલ પર નજર રાખી રહેલા નિષ્ણાતોએ ઉપરોક્ત અહેવાલ તૈયાર કર્યો છે.

અનેક મીડિયા ગૃહોને એ અહેવાલની જાણકારી શનિવારે મળી હતી.

એ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, "(ઉત્તર કોરિયાએ) તેના અણુ તથા મિસાઇલ કાર્યક્રમો સલામતી સમિતિના ઠરાવનું ઉલ્લંઘન કરીને 2018માં ચાલુ રાખ્યા છે."

"પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની શિપ ટુ શિપ ટ્રાન્સફરમાં તેમજ સમુદ્ર માર્ગે કોલસાની હેરફેરમાં જંગી વધારો કરવામાં આવ્યો છે."

આ અહેવાલમાં જણાવ્યા મુજબ, પ્યોંગયાંગે "નાનાં અને હળવાં શસ્ત્રો તથા અન્ય લશ્કરી સાધનો વિદેશી એજન્ટો મારફત" લિબિયા, યેમેન અને સુદાનમાં પહોંચાડવાના પ્રયાસ પણ કર્યા હતા.

ઉત્તર કોરિયાની આ પ્રવૃત્તિને કારણે નાણાકીય પ્રતિબંધો બિનઅસરકારક સાબિત થયા હોવાનું સમિતિએ જણાવ્યું હતું.

ઉત્તર કોરિયાને અણુશસ્ત્રમુક્ત કરવાની આશા અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયોએ વ્યક્ત કરી છે ત્યારે આ અહેવાલ આવી પડ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો