IND vs ENG : ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતના મિડલ ઑર્ડર પર કેટલો મદાર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ભારતીય ટીમ નવી જર્સી પહેરીને યજમાન ઇંગ્લૅન્ડ સામે જીતની આગેકૂચ માટે ક્રિકેટમેદાનમાં ઊતરશે.
વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. ભારત પાંચ મૅચ રમ્યું છે અને તમામમાં જીત મેળવી છે.
રવિવારે ભારતનો મુકાબલો યજમાન ઇંગ્લૅન્ડ સામે થશે. ઇંગ્લૅન્ડે આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન, શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
આથી જો ઇંગ્લૅન્ડે સેમિફાઇનલમાં સ્થાન મેળવવું હશે તો ભારતીય ટીમને હરાવવી પડશે.
અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતીય બૅટ્સમૅનોનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું હતું, પરંતુ ભારતીય બૉલરો ફુલ ફૉર્મમાં જોવા મળ્યા હતા.
જોકે, ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય ટીમમાં મજબૂત મિડલ ઑર્ડરની કમી છે.

વિજય શંકર માટે છેલ્લી તક?

ઇમેજ સ્રોત, Getty Images
વિજય શંકરની જ્યારે વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવી ત્યારે એવું કહેવાતું તેઓ થ્રી-ડી પ્લેયર છે.
પસંદગીકારોનું માનવું હતું કે વિજય શંકર બૅટ્સમૅન, બૉલર અને સારા ફિલ્ડર છે. જોકે, તેઓ હજુ સુધી સારું કહી શકાય એવું પ્રદર્શન કરી શક્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ખેલ પત્રકાર ચિંતન બુચે ભારતીય ટીમના મિડલ ઑર્ડર વિશે જણાવ્યું, "ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ સંકેત આપ્યા છે કે વિજય શંકરને ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં એક તક મળશે અને આ તક વિજય શંકર માટે છેલ્લી બની રહેશે."
"જો વિજય શંકર ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં નિષ્ફળ જાય તો આગામી મૅચમાં રિષભ પંતને સ્થાન મળી શકે છે."
વરિષ્ઠ ખેલ પત્રકાર વિધાંશું કુમારના કહેવા પ્રમાણે, "વિશ્વ કપ રમવા પહોંચેલી ભારતીય ટીમની સૌથી મોટી નબળાઈ તેની મિડલ ઑર્ડર બેટિંગ છે."
"ચોથા ક્રમે કોણ રમશે તે સવાલ ચાર વર્ષથી ટીમ ઇન્ડિયાને કનડી રહ્યો છે, છતાંય હજુ તેનો જવાબ નથી મળ્યો."
"હાલમાં ભારતીય ટીમ વતી મિડલ ઑર્ડરમાં ઊતરતા તમામ ખેલાડીઓ પ્રતિભાવાન તો છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે ખુદને સાબિત નથી કરી શક્યા."
બીબીસી મરાઠીના પત્રકાર પરાગ ફાટકનું પણ માનવું છે કે ભારતના મિડલ ઓર્ડર બૅટ્સમૅન ધાર્યું પરિણામ આપી શક્યા નથી.
"રોહિત શર્મા, કેએલ રાહુલ અને કૅપ્ટન વિરાટ કોહલીની વિકેટ પડે પછી ભારતીય બૅટ્સમૅન દબાણમાં આવી જાય છે."
"પૂર્વ કૅપ્ટન અને ફિનિશર મનાતા મહેન્દ્રસિંહ ધોની સારી બેટિંગ કરવાની કોશિશ કરે છે પણ રનરેટ જાળવી શકતા નથી."

શું ટીમમાં કોઈ ફેરફાર થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ચિંતન બુચે વધુમાં કહ્યું, "2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહના કારણે ભારતીય ટીમને ઘણો ફાયદો થયો હતો."
"તેમજ આ જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મૅચમાં સુરેશ રૈનાએ પણ બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું."
"ભારતીય ટીમને અત્યારે મિડલ ઑર્ડર બૅટ્સમૅનની ખોટ પડી રહી છે. એટલે કે એકલા હાથે આખી મૅચ ખેંચી શકે એવા મિડલ ઑર્ડર બૅટ્સમૅન ભારતીય ટીમમાં નથી. જે ટીમની નબળાઈ ગણી શકાય."
ટીમમાં ફેરફાર અંગે તેમણે જણાવ્યું કે હાલની સ્થિતિ જોતાં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતીય ટીમમાં ફેરફારને કોઈ અવકાશ નથી.
પરાગ ફાટક કહે છે કે મિડલ ઑર્ડરને બાદ કરતાં ભારતીય ટીમમાં બૉલર સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભુવનેશ્વરના સ્થાને આવેલા મોહમ્મદ શમી પણ શાનદાર બૉલિંગ કરી રહ્યા છે.

ઇંગ્લૅન્ડ માટે નિર્ણાયક મૅચ

ઇમેજ સ્રોત, Getty Images
પરાગ ફાટક કહે છે , "આ મૅચમાં ઇંગ્લૅન્ડ કરતાં ભારતીય ટીમનું પલ્લું ભારે લાગી રહ્યું છે."
"ઇંગ્લૅન્ડ પાસે સારા બૉલર છે પણ તેઓ જોઈએ તેવી સારી બૉલિંગ કરી શક્યા નથી."
"ઇંગ્લૅન્ડ માટે સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારત અને ન્યૂઝીલૅન્ડ સામેની મૅચો જીતવી જરૂરી છે. આથી આ મૅચ યજમાન ઇંગ્લૅન્ડ માટે પણ મહત્ત્વની અને નિર્ણાયક રહેશે."
મિડલ ઑર્ડરમાં કોણ હોઈ શકે તે અંગે વિધાંશુ કુમાર માને છે, "હાલમાં વિજય શંકર મહત્ત્વપૂર્ણ એવા ચોથા ક્રમાંક ઉપર રમે છે. ટીમમાં શંકરનો અનુભવ સૌથી ઓછો છે અને તેમને બેટિંગની ભૂમિકા મળેલી છે."
"ઇનિંગ્ઝની જરૂરિયાતના આધારે હાર્દિક પંડ્યા ચારથી સાત નંબરની વચ્ચે બેટિંગ કરવા માટે ઊતરે છે. તેઓ તોફાની બેટિંગ કરી શકે છે. જોકે, ટીમમાં તેમનો સમાવેશ બૅટ્સમૅન તરીકે નહીં, પરંતુ ઑલરાઉન્ડર તરીકે કરવામાં આવે છે."

મિડલ ઑર્ડરના આધાર ધોની

ઇમેજ સ્રોત, Getty Images
વિધાંશુના મતે 'માહી' મહેન્દ્રસિંહ ધોની ટીમના મિડલ ઑર્ડરનો આધાર છે.
તેઓ કહે છે, "આ પ્રકારના ઓછા અનુભવી મિડલ ઑર્ડર બૅટ્સમૅનોની સાથે મેદાનમાં ઊતરે ત્યારે સ્વાભાવિક રીતે જ ધોનીની જવાબદારી અનેકગણી વધી જાય છે."
"સ્થિતિ જોઈને પોતાને ઢાળવામાં ધોની માહેર છે. માત્ર બેટિંગ માટે જ નહીં, પરંતુ માર્ગદર્શન માટે પણ ટીમને ધોનીની જરૂર છે."
"ધોની ગેમ તથા બૅટ્સમૅનને માપી લેવાની કળા જાણે છે. બૅટ્સમૅન શું કરવા માગે છે તે તેઓ પારખી લે છે અને તેના આધારે બૉલરોને સલાહ આપે છે, જેનો તેમને લાભ મળે છે."
ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીને પણ ઇંગ્લૅન્ડના અત્યાર સુધીના પ્રદર્શન પર નવાઈ લાગી રહી છે.
વિરાટે કહ્યું કે દરેક મૂંઝવણમાં છે. અમને હતું કે ઇંગ્લૅન્ડ ઘરેલુ મૅચમાં દબદબો જાળવી રાખશે. મને લાગે છે કે દબાણ સૌથી મોટું કારણ છે. બધી ટીમ બહુ મજબૂત છે અને કોઈ પણ ટીમ કોઈ પણને હરાવી શકે છે. તમે કોઈ પણ ટીમને નબળી ન ધારી શકો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























