ફ્રાંસની દિગ્ગજ કંપનીએ અદાણીના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ મોકૂફ રાખ્યું

પ્રકાશિત

ભારતમાં અદાણી જૂથને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્રાંસની ટોટલ એનર્જીએ અદાણી જૂથના 50 અબજ ડૉલરના હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ કરવાનો ઈરાદો હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કંપનીના સીઈઓ પૅટ્રિક પોયને ટાંકીને કહ્યું છે કે અદાણી જૂથ પર લાગેલા આરોપોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે જૂનમાં ટોટલ એનર્જીએ અદાણી જૂથના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સાની જાહેરાત કરી હતી.

જોકે ટોટલ એનર્જીએ હજુ સુધી આને લગતા કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.

સીઈઓ પૅટ્રિકે કહ્યું છે કે જ્યાં સુધી હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અદાણી જૂથ બેદાગ બહાર નહીં આવે ત્યાં સુધી હાઈડ્રોજન પ્રોજેક્ટને રોકી દેવામાં આવશે.

આ ફ્રેન્ચ કંપની ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ માટે સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંની એક છે.

તે પહેલાથી જ અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી વેન્ચર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ટોટલ ગૅસ લિમિટેડમાં પહેલેથી રોકાણ કરી રાખ્યું છે.

અદાણી ગ્રુપ 10 વર્ષમાં હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 50 અબજ ડૉલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

તેનું લક્ષ્ય છે કે 2030 પહેલા તેનું પ્રારંભિક ઉત્પાદન 10 લાખ ટન થઈ જશે.

સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ, કહ્યું "વિપક્ષોએ ઈડીને ધન્યવાદ કહેવું જોઈએ, ઈડીને કારણે વિપક્ષ એક થયો"

વિરોધ પક્ષ દ્વારા સંસદમાં થયેલા અદાણી ગ્રૂપ સાથે સાઠગાંઠના આક્ષેપો અને હિંડનબર્ગના રિપોર્ટની તપાસ સંબંધે સંયુક્ત સંસદીય સમિતિની રચનાની માંગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર પોતાનું ભાષણ આપ્યું.

વડા પ્રધાને પોતાના ભાષણમાં હાસ્યકવિ કાકા હાથરસ, હિંદી કવિ દુષ્યંતકુમાર અને વિવિધ સાહિત્યના શેર અને રમૂજી ટુચકા આવરી લઈને વિપક્ષે કરેલા આક્ષેપો સામે કટાક્ષમય નિવેદનો આપ્યા.

વડ પ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું, "આ સરકાર મજબૂરીમાં સુધારા નથી કરતી, મજબૂત માન્યતા સાથે સુધારા કરે છે."

તેમણે કહ્યું, "યુપીએના દસ વર્ષના શાસનમાં દેશમાં ચોતરફ આતંકવાદ, અને અસુરક્ષિતતાનું વાતાવરણ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને કોઈ ગંભીરતાથી નહોતું લઈ રહ્યું. જ્યારે હવે દેશનું સામર્થ્ય સામે આવી રહ્યું છે. દરેક અવસરને મુસીબતમાં ફેરવી નાખવાની બાબતો યુપીએની ઓળખ બની."

વડા પ્રધાને વધુમાં કહ્યું, "દેશ જ્યારે ટેકનૉલૉજીનો જમાનો હતો, ત્યારે તેઓ ટૂજીમાં ફસાયેલા રહ્યા, વર્ષ 2010માં કૉમનવેલ્થ ગેમ્સ યોજાઈ ત્યારે ભારતના યુવાનોની પ્રતિભાને દેખાડવાના એ મોકાને સીડબ્લ્યૂજી ગોટાળામાં ખોઈ નાખ્યો. "

વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે, "એક વ્યક્તિની સંપત્તિ અઢી વર્ષમાં 13 ગણી થઈ ગઈ છે. 2014માં 50 હજાર કરોડ હતી, તે 2019માં એક લાખ કરોડ થઈ ગઈ છે. અચાનક એવું શું થયું કે તે 12 લાખ કરોડ સુધી વધી ગઈ. હિંડનબર્ગના રિપોર્ટને ભાજપ ગણતો નથી."

તેમણે એ પણ કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે સંયુક્ત સંસદીય સમિતિ (JCP)ને બેસાડવામાં આવે અને અદાણી મામલે તપાસ થવી જોઈએ."

કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, અદાણીના નામથી ભાજપને આટલી ચિંતા કેમ થઈ રહી છે. ભારતમાં આટલા ઉદ્યોગપતિ છે, પરંતુ ભાજપ અદાણીના નામ સાથે આટલી લાગણી કેમ બતાવી રહ્યો છે કે રાહુલ ગાંધી દ્વારા અદાણીની ટીકા તેમને સારી લાગતી નથી.

આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે, એક ઉદ્યોગસાહસિક (અદાણી) જે ક્યાંય ન હતા, તે અચાનક અહીં પહોંચે છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં તે દખલ ન કરતા હોય. તાજેતરમાં આવેલા (હિંડનબર્ગ)ના રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની આસપાસ સત્તાની જાળ બનેલી હતી અને આ સત્તાની જાળ જાહેર કરવામાં આવી રહી છે.

ત્યારે આમ આદમી પાર્ટી, બીઆરએસ, શિવસેનાના સાંસદોએ અદાણીના વિવાદ સાથે સંબંધિત જેપીસી તપાસની માગને લઈને સંસદ બહાર ગાંધી પ્રતિમા સામે વિરોધપ્રદર્શન કર્યું છે.

શિવસેનાના એમપી સંજય રાઉતે કહ્યું છે કે, "અમે અધૂરાં કામ કરવા માગતાં નથી. જેપીસીની માગ અમે અધૂરી મૂકી શકતા નથી, જેપીસીની માગ હંમેશાં રહેશે. આ મામલે વિપક્ષ ભલે એક છે, પરંતુ અમે હંમેશાંથી એ જ કહેતા આવ્યા છે કે ચર્ચામાં ભાગ લેવાનો અર્થ અદાણીના શૅર વધારવાનો છે."

એલઆઈસીએ અદાણીમાં રોકાણ કેમ અને કેવી રીતે કર્યું? સરકારે આપ્યો જવાબ

સરકારી ઇન્શ્યૉરેન્સ કંપની એલઆઈસી અદાણી જૂથમાં ઇક્વિટી અને દેવામાં માત્ર એક ટકો ભાગીદારી ધરાવે છે.

અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરીમાં અદાણી જૂથ પર ગેરરીતિ અને ઍકાઉન્ટિંગમાં છેતરપિંડી કરવાના ગંભીર આરોપ મૂક્યા હતા. હિંડનબર્ગે ઑફશોર શેલ એકમો મારફતે ગેરકાયદે વેપાર કરવાનો આરોપ મૂક્યો હતો.

ત્યાર બાદથી અદાણી જૂથના શૅરમાં જંગી ઘટાડો જોવા મળ્યો હતો.

વિપક્ષે અદાણી જૂથમાં એલઆઈસી અને સીબીઆઈના રોકાણને લઈને હોબાળો કર્યો છે.

રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન સામે અદાણી જૂથ અંગે આક્ષેપ કર્યા હતા. તેના જવાબમાં ભાજપે કૉંગ્રેસ પર વડતા આક્ષેપ કર્યા હતા.

હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર અનુસાર, રાજ્ય સભામાં મંગળવારે એક લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ભગવત કરાડે કહ્યું કે અદાણી જૂથની કંપનીઓમાં ઇક્વિટીની કુલ ખરીદ કિંમત રૂપિયા 30,127 કરોડ છે.

તેમણે કહ્યું કે, "જાન્યુઆરી 27ના બજાર બંધ થવાના સમયે તેની માર્કેટ વૅલ્યૂ 56,152 કરોડ રૂપિયા છે. 30 સપ્ટેમ્બર 2022 સુધી એલઆઈસી દ્વારા ટોટલ ઍસેસમેન્ટ અંડર મૅનેજમૅન્ટ 41.66 લાખ કરોડ રૂપિયા છે. એટલે એલઆઈસીના કુલ એયુએમમાં અદાણી જૂથમાં એલઆઈસીનું રોકાણ, હાલની તારીખ પ્રમાણે 0.975 ટકા છે."

અદાણી જૂથમાં એલઆઈસીના રોકાણ વિશે ભાજપના નેતા સુશીલકુમાર મોદીના પ્રશ્નના જવાબમાં કરાડે આ માહિતી આપી હતી.

કરાડે કહ્યું કે એલઆઈસીએ પુષ્ટિ કરી છે કે તેના રોકાણ વિશે મોટાભાગની માહિતી જાહેરમાં ઉપલબ્ધ છે.

તેમણે આ જવાબ એલઆઈસી વિશે ખાસ પ્રશ્ન સામે આપતા હતા કે શું છેલ્લાં ત્રણ વર્ષમાં અદાણી પોર્ટ્સમાં એલઆઈસીએ પોતાનું રોકાણ બે ટકા જેટલું ઘટાડ્યું છે.

કરાડે કહ્યું કે, "...એલઆઈસીએ જણાવ્યું છે કે ઇન્શ્યૉરન્સ ઍક્ટ, 1938 અને આઈઆરડી ઇન્વેસ્ટમેન્ટ રેગ્યુલેશન્સ,2016ના બંધારણીય માળખા હેઠળ જ કરવામાં આવે છે અને સરકારી તંત્રના માર્ગદર્શન હેઠળ કરાય છે."

કૉંગ્રેસ અને અન્ય વિપક્ષીદળો અદાણી સામે કરાયેલા આક્ષેપો વિશે સંસદીય સમિતિની તપાસની માગ કરી છે. અદાણી જૂથે આ બધા આક્ષેપોને ફગાવ્યા છે.