કેદારનાથમાં હેલિકૉપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ છોકરીઓનાં મોત- પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ઉત્તરાખંડમાં કેદારનાથ પાસે ગરુડચટ્ટીમાં મંગળવારે એક હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ઘટનામાં પાઇલટ સમેત સવાર બધા સાત લોકોનાં મોત થયાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ રુદ્રપ્રયાગ જિલ્લા આપતા પ્રબંધન અધિકારીઓના હવાલાથી કહ્યું કે હેલિકૉપ્ટરમાં સવાર બધા સાત લોકોનાં મોત થયાં છે.

આ હેલિકૉપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ છોકરીનાં પણ મોત થયાં છે. બે પિતરાઈ હતી, જેમાં એકનો આજે જન્મદિવસ હતો.

ભાવનગરથી બીબીસીના સહયોગી નીતિન ગોહેલ જણાવે છે કે જે શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યા છે તેમાં ત્રણ યુવતી ભાવનગરની હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગરમાં રહેતી યુવતીના પરિવારજનોને દુર્ઘટનાની જાણ થતાં શોકનો માહોલ છવાયો છે.

કેદારનાથમાં હેલિકૉપ્ટર દુર્ઘટના અંગે ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને દુર્ઘટનામાં અવસાન પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે ભાવનગરના મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત પરત લાવવા રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં છે.

તેમજ દુર્ઘટનામાં અવસાન પામેલા ભાવનગરના મૃતકોના પરિજનોને રૂ. ચાર લાખની સહાય આપવાના રાજ્ય સરકારના નિર્ણયનો ઉલ્લેખ પણ કર્યો હતો.

તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને અસરગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

ગૂજરાત વિદ્યાપીઠ : આચાર્ય દેવવ્રતની નિમણૂક બાદ નવ ટ્રસ્ટીઓનાં રાજીનામાં

'ગૂજરાત વિદ્યાપીઠ'માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કુલપતિ તરીકે નિયુક્ત કરાતાં નવ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધાં છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના જોડાણને કારણે તેમને અપાયેલા આમંત્રણ પછી વિવાદ ઊભો થયો છે.

'હિન્દુસ્તાન ટાઈમ્સ'ના અહેવાલ પ્રમાણે રાજીનામું આપનાર ટ્રસ્ટીઓ નરસિંહભાઈ હઠીલા, ડૉ. સુદર્શન આયંગર, ડૉ. અનામિક શાહ, જૉ. મંદાબહેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટ, નીતાબહેન હાર્ડીકર, માઈકલ મઝગાંવકર અને કપિલ શાહનો સમાવેશ થાય છે.

નવ ટ્રસ્ટીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે સ્પષ્ટપણે માનીએ છે કે નવી વ્યક્તિને ચાન્સેલર તરીકે પસેદ કરવાનો નિર્ણય અયોગ્ય ઉતાવળમાં, રાજકીય દબાણ હેઠળ, ડર ને ધાકધમકીથી, યોગ્ય પ્રક્રિયાની સંપૂર્ણ અવગણના કરીને, સંભવિત નામોને ધ્યાનમાં લીધા વિના લેવામાં આવ્યો હતો."

આ પહેલાં ગવર્નિંગ કાઉન્સિલે આચાર્ય દેવવ્રતને વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિયુક્ત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો,

એ વખતે પણ ઘણા ગાંધીવાદી લોકો તેમને ગાંધી વિચારધારાની વિપરીત વિચારધારા ધરાવતી વ્યક્તિ તરીકે જણાવીને વિરોધ નોંધાવ્યો હતો.

આ ઠરાવની વિરુદ્ધમાં મત આપનાર એક ટ્રસ્ટીએ પોતાનું નામ આપવાની શરતે બીબીસીને કહ્યું હતું કે, "મને એ વાતનો વાંધો છે કે આ પ્રકારની નિમણૂક માટે ટ્રસ્ટીઓ પર સરકાર તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે. આવું કરવાનું કારણ શું છે? અને આવું કરવાની જરૂર કેમ પડી? તમામ ટ્રસ્ટીઓની મરજીથી નિમંત્રણ અપાય તેવી પરિસ્થિતિ આ નથી."

આ ઠરાવની વિરુદ્ધમાં મત પનાર એક અન્ય ટ્રસ્ટીએ કહ્યું હતું કે, "આ પ્રસ્તાવ સંસ્થાને નુકસાનકારક છે."

ગૂજરાત વિદ્યાપીઠની અત્યાર સુધીની પરંપરા અનુસાર, માત્ર ખાદીનાં વસ્ત્રો પહેરતી ગાંધીવાદી વ્યક્તિ જ કુલપતિ બની શકે છે. પૂર્વે એકવાર મહાત્મા ગાંધીના વંશજ ગોપાલકૃષ્ણ ગાંધીને કુલપતિ બનવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, ત્યારે તેમણે તેનો સવિનય અસ્વીકાર કરતાં કારણ આપ્યું કે તેઓ વિદેશમાં જાય છે ત્યારે ખાદી પહેરતા નથી, માટે તેઓ કુલપતિ બનવાને લાયક નથી.

મનીષ સિસોદિયા : કેસ પાછળ 'ઑપરેશન લૉટસ'

દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની સોમવારે સાંજે પૂછપરછ બાદ CBIની ઓફિસમાંથી બહાર નીકળ્યા બાદ ઍક્સાઈઝ પૉલિસી કેસ પાછળનો મુખ્ય ઍજન્ડા 'ઑપરેશન લૉટસ' હોવાનું જણાવ્યું હતું.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે તેમણે એમ પણ જણાવ્યું હતું કે 'આબકારી નીતિ પરનો કેસ સંપૂર્ણપણે નકલી અને બનાવટી છે. '

સોમવારે સાંજે મીડિયાને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, 'પ્રશ્ન દરમિયાન, હું સમજી ગયો કે આ ઍક્સાઈઝ નીતિ કે ભ્રષ્ટાચારનો મામલો નથી. આ ઑપરેશન લૉટસ વિશે હતું. તેઓ ઈચ્છતા હતા કે હું પાર્ટી છોડીને તેમાં જોડાઈ જાવ.'

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, "અમુક મહિના પહેલાં આબકારી વિભાગમાં દિલ્હીમાં શરાબ ખરીદવા અને વેચવાની સિસ્ટમ, રેવન્યૂ લિકેજને ઠીક કરવા માટે એક વિશેષજ્ઞ સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિએ રિપોર્ટમાં જનતાની ભલામણો માગી હતી. લગભગ 14 700 ભલામણો આવી હતી."

ગુજરાત સરકારે સીએનજી અને પીએનજી પર 10 ટકા વેટ ઘટાડવાની જાહેરાત

ગુજરાત સરકારે સોમવારે સીએનજી અને પીએનજી પરના વેલ્યુ એડેડ ટૅક્સમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

આ સાથે જ કેન્દ્રની ઉજ્જવલા યોજના હેઠળ ગૅસ કનેક્શન મેળવેલા 38 લાખ લોકોને વર્ષે બે રસોઈ ગૅસ સિલિન્ડર મફત આપવામાં આવશે.

આ ઘટાડને લીધે રાજ્યની તિજોરીને વર્ષ કુલ રૂપિયા 1,650 કરોડનો ખર્ચ થશે.

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ મુજબ, રાજ્યમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું, "અમારી સરકારે સીએનજી અને પીએનજી પરના વેટમાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો મહિલાઓ, ઓટો-રિક્ષા ડ્રાઇવરો અને જે લોકો સીએનજી-રન વ્હીકલનો ઉપયોગ કરે છે એ લોકો માટે ઉપયોગી નિવડશે. "

વડોદરા : બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસે રાજસ્થાનથી મુંબઈ જતી લકઝરી બસ એક ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો..

સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર આ અસ્માતમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સયાજી હૉસ્પિટલમાં ખસેડાયા છે.

આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી, એ દરમિયાન વહેલી સવારે ટ્રેલર ટ્રકને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બાદ ડ્રાઈવર ટ્રકને લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો