You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી : છોટુ વસાવા 'આપ' સાથેના ગઠબંધન અને આદિવાસી રાજકારણ પર શું બોલ્યા?
- ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા મહારાષ્ટ્રના ભીલ બહુમતીવાળા વિસ્તારોને એક કરીને અલગ ભીલીસ્તાનની માગ પણ છોટુ વસાવા કરતા રહ્યા છે
- તેમના જણાવ્યા અનુસાર સ્ટેચ્યૂ ઑફ યુનિટીના બનવાથી આદિવાસીઓની રોજગારી છીનવાઈ ગઈ છે
- તેમનો દાવો છે કે તેમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું જ નથી, એ લોકો આદિવાસી વિસ્તારમાં આવવા માટે આ વાત ચલાવી રહ્યા છે
- ઘર-ઘર જલની યોજના વિશે તેમણે કહ્યું કે નળમાંથી પાણીના બદલે દારૂ નીકળશે. ગુજરાતમાં દારૂબંધીમાં પણ ઘરે ઘરે દારૂ મળે છે
ગુજરાતના આદિવાસી મતદારોના પટ્ટામાં ભાજપ અને કૉંગ્રેસના નેતાઓની ચૂંટણીમાં હારજીત થતી રહે છે, પરંતુ દબંગ નેતા તરીકે ઓળખાતા આદિવાસી આગેવાન છોટુ વસાવા 1990થી સતત ચૂંટણી જીતતા આવ્યા છે.
ગુજરાતના આદિવાસી મતદારો અને સમર્થકોમાં 'દાદા' તરીકે ઓળખાતા છોટુ વસાવાએ રાજકારણના આટાપાટા તેમના પિતા અને સસરા પાસેથી શીખ્યા છે.
1945માં જન્મેલા વસાવા 1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજ દિવસ સુધી સાત વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.
લોકો તમને રૉબિનહૂડ માને છે એના જવાબમાં તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, "આપણે કોઈનાં ખૂન કર્યાં નથી, ખૂન તો સત્તા પર બેઠેલા લોકોએ જ કરાવ્યાં છે."
સાથે જ તેમણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનવાથી આદિવાસીઓને રોજગારી મળી છે એ અંગે કહ્યું કે, "જ્યારે એમની રોજગારીની જમીન જ છીનવાઈ જાય છે તો કેવી રીતે એ લોકો જીવી શકે."
તેમણે કહ્યું કે, "આદિવાસીઓનું બજેટ એટલું મોટું છે જે નરેન્દ્રભાઈએ બતાવવું જોઈએ. આખા ભારતભરમાં આદિવાસીઓનું બજેટ અલગ જ છે, એનો ખુલાસો કરવો જોઈએ. જેની આજ દિન સુધી તેમણે વાત કરી નથી."
ભીલીસ્તાનની માગણી અને આદિવાસી કેન્દ્રિત રાજકારણ
ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા મહારાષ્ટ્રના ભીલ બહુમતીવાળા વિસ્તારોને એક કરીને અલગ ભીલીસ્તાનની માગ પણ છોટુ વસાવા કરતા રહ્યા છે.
તેમણે આદિવાસીઓને ખેડવા માટે જમીન મળે તથા તેમનું શોષણ ન થાય, તેમને અધિકાર મળે તે માટે લડત હાથ ધરવાનું નક્કી કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનવામાં આવે છે કે છોટુ વસાવાએ જે કામ કર્યું છે તેના લીધે ગુજરાતની પૂર્વ પટ્ટીના આદિવાસીઓમાં તેમના અધિકારોને લઈને જાગૃતિ આવી છે, પરંતુ આદિવાસીઓની સ્થિતિમાં ફેરફાર થયો છે, તેવું નક્કરપણે કહી ન શકાય.
ભીલ સમુદાયના વસાવાનું રાજકારણ આદિવાસી અધિકાર, અસ્મિતા, અનુસૂચિ-5ના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે. આ માટે તેઓ ભૂતકાળમાં કૉંગ્રેસ, એમઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂક્યા છે.
આ અરસામાં તેઓ ભરૂચ જિલ્લાના કૉમ્યુનિસ્ટ નેતાઓના સંપર્કમાં આવ્યા. જ્યારે ક્યારેય તેમને આદિવાસી પર અત્યાચાર વિશે માહિતી મળે એટલે તેઓ પોતાના સાથીઓ સાથે ઘટનાસ્થળે ધસી જાય અને "જાગૃતિ" લાવવા માટે પ્રયાસ કરે.
છોટુભાઈ દલિત, આદિવાસી અને મુસ્લિમ એકતા દ્વારા સંયુક્ત હિત સાધવાની વાત અનેક વખત જાહેરમંચો પરથી કહી ચૂક્યા છે. આ પછી તેઓ પગારવધારા અને કિસાન સહિત અનેક આંદોલનોમાં સામેલ થયા અને યોજ્યાં, જે ધારાસભા સુધી પહોંચવાનાં પગથિયાં બન્યાં.
છોટુ વસાવા ગુજરાત આદિજાતિ વિકાસ પક્ષ, ભરૂચ જિલ્લા આદિવાસી પ્રગતિ મંડળ, સામાજિક ન્યાય મોરચા, ગોપાલક દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને અખિલ ગુજરાત આદિવાસી વિદ્યાર્થી મંડળ જેવાં સંગઠનો સાથે જોડાયેલા છે.
આમ આદમી પાર્ટી સાથે જોડાણ થયું હતું?
2017ની વિધાનસભા ચૂંટણીની ઍફિડેવિટ પ્રમાણે, છોટુ વસાવા સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 17 અને વાલિયા પોલીસ સ્ટેશનમાં 11 ગુના નોંધાયેલા છે.
આ અંગે તેમણે કહ્યું હતું કે, "બીજા 500 કેસ પણ લગાવે તો પણ અમને વાંધો નથી. એ બધા ખોટા છે. એ બધું હું સહન કરવા તૈયાર છું. પણ પ્રજા પરનો જૂલમ અને ખોટેખોટું ચલાવે એ હું સહન કરવા તૈયાર નથી. હું મારું કામ કરું છું જેને જે માનવું હોય એ માને."
આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન અંગે તેઓ જણાવે છે કે, "અમે ગઠબંધન કર્યું જ નથી એ લોકો આદિવાસી વિસ્તારમાં આવવા માટે એવી વાત ચલાવતા હતા."
તેમણે વધુમાં કહ્યું, "હું જ્યારે કેજરીવાલને મળવા ગયો ત્યારે એમણે કહ્યું કે, 'તમારી પાર્ટીનું મર્જર કરી નાંખો.' એટલે મે ના પાડી દીધી હું સમજી ગયો, કારણ કે અગાઉ મને ભાજપે પણ આ વાત કરી હતી કે મર્જર કરી નાખો, અને આ વાત અમને કૉંગ્રેસે પણ કરી હતી કે મર્જ થઈ જાવ. ત્યાર બાદ એ વાત કેજરીવાલ કરે તો મને તો ખ્યાલ આવી જાય ને કે આ બધા એક જ વેલાનાં તૂમડાં છે."
તેમણે ઉમેર્યું કે, "કેજરીવાલે પહેલા જ કહ્યું કે, 'પહેલા ગઠબંધન કરો પછી વાત કરીશું.' અમે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું જ નથી એ લોકો આદિવાસી વિસ્તારમાં આવવા માટે આ વાત લઈને ચાલી રહ્યા છે. અમારે તેમની સાથે મળવાનું થતું રહે છે પણ અમે આમ આદમી સાથે અમે ક્યારેય ગઠબંધન કર્યુ જ નથી."
'કોઈ પ્રામાણિક છે જ નહીં'
છોટુ વસાવા કહે છે, "અમે હારી જઈએ કે જીતીએ એનો કોઈ વાંધો નથી પણ અમે મર્જર થઈએ નહીં. અમારી ઓળખાણ અલગ રહેવી જોઈએ."
"જ્યાં જ્યાં અમારી આબાદી છે, અમારી આબાદી સિવાય જે લોકો અમારા મુદ્દાને અનુસરે છે એવી જગ્યાએ અમે ઉમેદવારી કરાવવાના છીએ. ભાજપ, આમ આદમી પાર્ટી એવા લોકો જે ગણતરી કરે છે ઇવીએમમાં સેટિંગ કરીને જીતવાની. એ લોકો એવું ત્યારે કરે જ્યારે લોકો તેમની સાથે ના હોય."
તેમણે કહ્યું , "ખરેખર બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ તો લોકતંત્ર કહેવાય. અહીં તો કોઈ પ્રામાણિક છે જ નહીં. પાર્ટીઓવાળા પ્રામાણિક છે જ નહીં. અત્યારે તો ભારતની અંદર કોઈ પાર્ટી જેવું છે જ નહીં."
મોટી પાર્ટીઓ સાથે ભળવાથી કોઈ નુકસાન થાય એ અંગે તેમણે કહ્યું કે, "અમારી પણ ભારતીય પાર્ટી છે અને આખા દેશની પાર્ટી છે. આ લોકોની (અન્ય રાજકીય પક્ષોની) માનસિકતા એવી છે કે આદિવાસીઓ પોતાની પાર્ટી બનાવી શકે નહીં. એ પછી કોઈ પણ પાર્ટી હોય. એ લોકો અમને આદિવાસીઓને માણસ ગણવા તૈયાર નથી. પાર્ટી બનાવે તો પણ ગણવા તૈયાર નથી."
તેમણે જણાવ્યું કે, "સંવિધાનિક અધિકારો નહીં આપવા એવું માનનારા લોકો આજે સત્તામાં છે એટલે જ આદિવાસી લોકો આજે દુ:ખી છે. આદિવાસી વિસ્તારમાં જ બધા પ્રોજેક્ટ અને કંપનીઓ નાખી દેવી છે. આદિવાસી પાસે જ જમીન છે, એમની પાસે જ પાણી છે, એ બધું હસ્તગત કરવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં જે ગામસભાઓ બનવી જોઈએ એ આજે પણ એ લોકો બનાવી આપતા નથી અને તૈયાર પણ નથી."
ગઠબંધનની ગડમથલ
અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIM અંગે તેમણે કહ્યું કે, "એ લોકો મળવા કે વાત કરવા આવે જ નહીં, જીતવાની વાત જ ના કરે અને સંગઠન બનાવવાની વાત પણ ના કરે, મુસ્લિમ વિસ્તાર કે બીજે ક્યાંય સંગઠન બનાવવાની વાત ના કરે તો તેમને કોણ મત આપશે. બીજી કોઈ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હશે એટલે અમારી સાથે વાત નહીં કરતા હોય."
આ વખતે બીટીપી 2022ની વિધાનસભામાં સ્વતંત્ર જ લડશે કે કૉંગ્રેસ કે બીજી કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે એ અંગે તેમણે કહ્યું કે, "સમયે આવ્યે જોઈશું કે કઈ રીતની જાહેરાત થાય છે, પછી કોની કોની સાથે વાત કરવી જોઈએ. અમે કોઈની સાથે ગઠબંધન કરીશું."
તેમણે ઉમેર્યું કે, "અમે લોકોનાં કામ કરવાં અને એમને જાગૃત કરવાના પ્રયાસ કર્યા છે. અમે બીજુ કંઈ કર્યું નથી. લોકોને અધિકાર મળે, જીવન કઈ રીતે મળે, એમને શિક્ષણ કઈ રીતે મળે અમે એવાં જ કામ કર્યાં છે. વિશેષ રીતે ભાજપે લોકોને નષ્ટ કરવાનું કામ કર્યું છે."
ભાજપ અને નરેન્દ્ર મોદી વિશે મત
2020માં રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના બે ધારાસભ્યોએ ગેરહાજર રહીને એક પ્રકારે ભાજપની મદદ કરી હતી, એવું કેટલાક લોકો કહે છે એના જવાબમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, "એ તદ્દન ખોટી વાત છે, ભાજપને અમે મત આપીએ તો અમારા લોકોનાં વધારે મૃત્યુ થાય અને અમારા લોકોના હક, અધિકાર પર વધારે અસર પડે."
વડા પ્રધાન મોદી અંગે તેમણે જણાવ્યું હતું કે, "આજે તેઓ મલ્ટિનેશનલ કંપનીઓના મૅનેજર જ છે, વડા પ્રધાન જેવા નથી. આજે કેટલીય બાળકીઓ વેચાઈ ગઈ, કેટલાંય અપહરણ થયાં છે, હત્યાઓ પણ થઈ છે. આ દેશમાં શું નથી થયું એ કહો."
ઘર-ઘર નળ સુધી પાણી અંગે તેમણે કહ્યું કે, નળમાંથી પાણીના બદલે દારૂ નીકળશે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘરેઘરે દારૂ મળે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો