You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : અમિત શાહ અને અડવાણીના ચૂંટણી અભિયાનમાં 'ભૂમિકા' ભજવનાર ભાજપના સસ્પેન્ડેડ કિશનસિંહ સોલંકી કોણ છે?
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
કોણ છે કિશનસિંહ સોલંકી?
- કિશનસિંહે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે અને તેઓ એન્જિનિયરિંગ કરીને અમેરિકા ગયા હતા
- અમેરિકાથી પાછા ફરીને 2007માં તેમણે નરેન્દ્ર મોદીની રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને પાર્ટી માટે કામ શરૂ કર્યું હતું
- તેઓ વ્યવસાયે બિલ્ડિંગ ક્ષેત્રે સંકળાયેલા છે
- 2007માં તેમને ભાજપના આર્થિક સેલના કન્વિનરની જવાબદારી મળી હતી
- તેઓ અમદાવાદ જિલ્લા ભાજપના મીડિયા સેલના કન્વિનર અને મીડિયા વિભાગના પ્રભારી પણ રહી ચૂક્યા છે
- ભાજપની વિવિધ યાત્રાઓમાં તેમણે મીડિયા ટીમના સભ્ય તરીકે કામ કર્યું છે
- વિવિધ ટીવી ચેનલોમાં 1500થી વધુ ડેબિટમાં ભાગ લીધો છે. ભાષા પર પ્રભુત્વ ધરાવે છે
પંજાબના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન સાથે સોશિયલ મીડિયા પર સેલ્ફી શૅર કર્યાના કલાકો બાદ ભાજપે ભૂતપૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકીને "પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓ" કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે.
ભાજપની એક પ્રેસ રિલીઝમાં કહેવાયું કે તેમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓનો વિધાનસભા ચૂંટણી સંદર્ભે પ્રવાસ વધી ગયો છે. હવે અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.
ત્યારે કિશનસિંહ સોલંકીએ ભગવંત માન સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકતા ચર્ચા એવી ચાલી રહી છે કે તેઓ આગામી સમયમાં ભાજપ છોડીને હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
સવાલ એ પણ થાય કે કિશનસિંહે આ ફોટો હાલમાં કેમ મૂક્યો હતો અને તેની સાથે રાજકારણને શું સંબંધ છે.
બીબીસીએ આ મામલે કિશનસિંહ સોલંકી અને ભાજપ પ્રવક્તાનો પણ મત જાણ્યો હતો.
કિશનસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર તેઓ નરેન્દ્ર મોદીની વાતોથી, તેમના રાષ્ટ્રપ્રેમની ભાવનાથી અંજાયા હતા અને ભાજપ માટે કામ શરૂ કર્યું હતું.
'મને ઘણા સમયથી ટાર્ગેટ કરાતો હતો'
કિશનસિંહ સોલંકીનું કહેવું છે કે તેમને સ્પષ્ટતા કરવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નથી અને તેઓ ભાજપના લોકો પર કેટલાક આરોપો પણ મૂકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "માનસિક રીતે ભયભીત અને તૂટેલા લોકોએ સી.આર. પાટીલને એવું બ્રીફિંગ કર્યું હોઈ શકે છે કે કિશનસિંહે ભગવંત માન સાથે મુલાકાત કરી લીધી અને પાર્ટી છોડીને જતા રહેશે. પાટીલજીને ખોટી રીતે બ્રીફિંગ કરવામાં આવ્યું છે."
તેઓ ભાજપ પર એવો પણ આરોપ લગાવે છે કે "તેમને છેલ્લા છ મહિનાથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા, તેમને પર મીડિયા વિભાગને છોડવાનું દબાણ પણ વારંવાર કરાતું હતું અને આ નાની એવી બાબતમાં તેમને ટાર્ગેટ કર્યા છે."
તેઓ કહે છે, "એમણે મને એટલા માટે ટાર્ગેટ બનાવ્યો હશે કે હું તેમના માટે સ્પર્ધક લાગતો હોઈશ. જ્યારે મેં ઇલેક્ટોરલ પૉલિટિક્સમાં ક્યારેય રસ દાખવ્યો નથી. મેં માત્ર સંગઠનમાં કામ કર્યું છે."
તેમના જણાવ્યા અનુસાર, "મે મહિનામાં બાવળા ખાતે ભાજપની ચિંતિન શિબિર હતી અને હું જિલ્લા અને શહેર (અમદાવાદ)નો મીડિયા પ્રભારી હોવા છતાં મને પાર્ટી પ્રોટોકૉલનો ભંગ કરીને જણાવવામાં આવ્યું નહોતું."
તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે કહે છે "પાર્ટીએ જે નિર્ણય લીધો છે, એ ઘણાં બધાં કારણને આધારે લીધો હશે, એમાં એક કારણ હોતું નથી. આ ઉપરથી લેવાયેલો નિર્ણય છે. આનાં માટે ઘણાં પાસાં હોઈ શકે છે. અગાઉ કરેલી ભૂલો પણ હોઈ શકે છે."
કિશનસિંહ સોલંકીનું કહેવું છે કે, "આ ફોટો ક્યારનો છે અને શા માટે મૂક્યો એનું કારણ મને પૂછવામાં આવ્યું નથી." તો યજ્ઞેશ દવે કહે કે પાર્ટી જ્યારે પણ આવો નિર્ણય લે ત્યારે કોઈ કારણ આપતી નથી.
તાજેતરમાં અમદાવાદ શહેર કૉંગ્રેસના પ્રમુખ ચેતન રાવલ પણ કૉંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તો કિશનસિંહના આ ફોટો બાદ તેઓ પણ આપમાં જોડાશે એવી ચર્ચા ચાલી રહી છે.
જોકે બીબીસી સાથેની વાતચીતમાં કિશનસિંહ કહે છે હું આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નથી.
આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે, "જે વ્યક્તિએ આટલાં વર્ષો સુધી ભાજપ માટે ખંતથી કામ કર્યું એમને જો નાની એવી બાબતથી પાર્ટીમાંથી હાંકી કાઢતા હોય તો સામાન્ય લોકોની શું હાલત થશે."
તેમણે આરોપ લગાવ્યો હતો કે સીઆર પાટીલ ગુજરાતવિરોધી માનસિકતા ધરાવે છે.
સેલ્ફીનો વિવાદ શું છે અને ફોટો ક્યારનો છે?
કિશનસિંહના જણાવ્યા અનુસાર, લાલકૃષ્ણ અડવાણી જ્યારે ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેઓ મીડિયા કેમ્પેનના સહ-કન્વિનર પણ રહ્યા હતા.
એવી જ રીતે અમિત શાહ જ્યારે ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેઓ મીડિયા કેમ્પેનના સહ-કન્વિનર રહ્યા હતા.
બીબીસી સાથેની વાતચીતમાં કિશનસિંહ જણાવે છે કે, "2017માં મારી દિલ્હીની મુલાકાત વખતે સંસદભવનમાં મારી સાથે પાંચ સાંસદ અને બે કેન્દ્રીયમંત્રી પણ હતા, અમે એકબીજા સાથે સેલ્ફી લીધી હતી. આ એ સમયનો ફોટો છે."
"બીજી ઑક્ટોબરે મારો જન્મદિવસ હતો એટલે મેં એક શુભેચ્છા મુલાકાતને દર્શાવતો ફોટો મૂક્યો હતો અને પાર્ટીએ તેને ખોટી રીતે મૂલવ્યો છે."
ગુજરાતમાં સામાન્ય રીતે ચૂંટણી આવે ત્યારે કૉંગ્રેસ કે ભાજપમાંથી નારાજ નેતાઓ પોતાના અલગ પક્ષ બનાવતા હોય છે અને પછી ચૂંટણી લડે છે.
ભૂતકાળમાં આવું બન્યું છે પણ ગુજરાતનો રાજકીય ઇતિહાસ દર્શાવે છે કે ગુજરાતમાં ત્રીજો મોરચો સફળ થયો નથી.
પહેલી વાર એવું બની રહ્યું છે કે ગુજરાત બહારની પાર્ટી (જેની બે રાજ્યમાં સરકાર છે) આવી છે અને એ અહીં સરકાર રચવા માટે પ્રચાર કરી રહી છે.
અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતની અસ્મિતાની વાત કરીને, વિવિધ વચનો આપીને મતદારોને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો