રાજકોટ : ઘરેણાંનો શોખ પૂરો કરવા મહિલાએ પિતા અને પુત્ર સાથે ચલાવી કરોડોની લૂંટ, કેવી રીતે પકડાઈ?

ઇમેજ સ્રોત, Laxmi Patel
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ

- રાજકોટનાં મહિલાએ ઘરેણાં પહેરવાનો શોખ પૂરો કરવા ઘડ્યો માસ્ટર પ્લાન, જે અંતર્ગત ચલાવી કરોડોનાં ઘરેણાંની લૂંટ
- પોલીસ કેસમાં સમગ્ર દાગીના વેચાઈ જતા કથિતપણે શોખ પૂરો કરવા લીધો લૂંટનો સહારો
- પોલીસે આરોપી મહિલાની કરી ધરપકડ, સહઆરોપી પિતા અને સગીર પુત્રની શોધખોળ ચાલુ

ખોટો શોખ પાળવો અને એને પૂરો કરવા માટે ગમે તે હદે જવાની માનસિકતા લોકોને જેલમાં ધકેલી શકે છે, આવો જ એક અચરજ પમાડતો કિસ્સો રાજકોટ શહેરમાં નોંધાયો છે.
રાજકોટ શહેરમાં રહેતી એક મહિલાએ ગત શનિવારે એક જ્વેલરીના શોરૂમના મૅનેજરને ઘરે બોલાવી રૂપિયા 1.48 કરોડના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસે ગણતરીના સમયમાં આરોપી મહિલાને ઝડપી પાડી હતી.
આરોપી મહિલા બિલકિસ મોટા હાલ પોલીસ લૉક-અપમાં છે અને આ લૂંટમાં કથિતપણે સામેલ તેમના પિતા હનીફ સોઢા અને તેમના 16 વર્ષીય દીકરા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
આરોપી મહિલાની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. પોલીસે દાવો કર્યો છે કે મહિલાએ સોનાનાં ઘરેણાં પહેરવાનો શોખ પૂર્ણ કરવા માટે લૂંટને અંજામ આપ્યો હતો.
આખરે ઘરેણાં પહેરવાનો આ શોખ આટલો તીવ્ર કેવી રીતે બની ગયો કે કથિતપણે મહિલાએ આવો ગુનો આચરવાની યોજના ઘડી કાઢી?

કઈ રીતે બનાવી લૂંટની યોજના?

ઇમેજ સ્રોત, Getty Images
આ બનાવની પૂર્વભૂમિકામાં આરોપી મહિલા પર ભૂતકાળમાં લગાવાયેલો હત્યાનો કેસ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
આ કેસના સમાધાન અને અન્ય પ્રક્રિયામાં આરોપી મહિલાએ પોતાના લાખો રૂપિયાના સોનાના દાગીના વેચવા પડ્યા હતા. એટલે ફરી સોનાના દાગીના પહેરવા માટે આખી લૂંટની યોજના બનાવી હતી.
આ મામલે મહિલાએ પતિને જેલમાંથી છોડાવવા માટે લૂંટ કરી હોવાના વાત મીડિયા અહેવાલોમાં વહેતી થઈ છે, જોકે પોલીસ એને ફગાવી રહી છે સાથે તેમના પતિ મુંબઈમાં વસવાટ કરતા હોવાનો પોલીસનો દાવો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે આરોપી મહિલા બિલકિસ પાસેથી લૂંટેલા દાગીના કબજે કર્યા છે. જેમાં 1808 ગ્રામના અને 97.37 લાખના સોનાના દાગીના સામેલ છે.
આ દાગીનામાં પાંચ સેટ, 12 બંગડીઓ, ત્રણ ચેઈન, ચાર વીંટી અને બે મંગળસૂત્રનો સમાવેશ થાય છે. આ સિવાય હીરાજડિત 357 ગ્રામની જ્વેલરી કે જેની કિંમત 51 લાખ રૂપિયા છે એનો પણ સમાવેશ થાય છે.

શું હતો આ આરોપ?
આરોપી મહિલા બિલકિસ અને તેમના પરિવાર પર તેમનાં પાડોશી મહિલાની હત્યાનો કેસ હતો.
આ મર્ડરના આરોપસર આખો પરિવાર જેલમાં ગયો હતો. બિલકિસે કથિતપણે પાડોશી સાથેના ઝગડામાં મહિલાને માથામાં કૂકર મારી દીધું હતું.
માથાના ભાગમાં વધારે વાગી જતાં મહિલાનું મોત થયું હતું.
જે અંગે રાજકોટના પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાં બિલકિસ અને તેમના પતિ તથા દીકરા સામે મર્ડરનો કેસ નોંધાયો હતો.
આ કેસમાં પરિવાર જેલમાં હતો. આ કેસ અંગે સમાધાન કરવા અને જેલમાંથી બહાર આવવા માટે બિલકિસના બધા દાગીના વેચવા પડ્યા હતા.
બિલકિસની મૃતકના સંબંધીઓ સાથે સમાધાન માટે વાતચીત ચાલી રહી હતી. જોકે, તેમની પાસે રૂપિયાની તંગી હતી. તેથી તેમણે દાગીના વેચી દેવા પડ્યા હતા.
પોતાના દાગીના વેચાઈ જતાં અને કથિતપણે તેમણે દાગીના પહેરવાનો શોખ હોવાથી આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

કેવી રીતે બની કથિત ઘટના?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગત શુક્રવારની સવારે બિલકિસે એક જ્વેલરી શોરૂમને ફોન કર્યો હતો. આ શોરૂમમાંથી તેમણે ભૂતકાળમાં લાખો રૂપિયા દાગીનાની ખરીદી કરેલી છે.
તેણે ફોન ઉપર શોરૂમના કર્મચારીઓને દાગીના ટ્રાયલ માટે ઘરે લઈ આવવા કહ્યું હતું જેથી શોરૂમ મૅનેજર વિશાલ શુક્લા તેમના ઘરે ટ્રાયલ માટે આવવા સંમત થયા હતા અને પોતાના આસિસ્ટન્ટને લઈને બીજા દિવસે એટલે કે, શનિવારે બિલકિસના ઘરે પહોંચ્યા હતા.
આ શોરૂમના કર્મચારીઓ બિલકિસના ઘરે પહોંચ્યા બાદ વિશાલ શુક્લા ડ્રૉઈંગ રૂમમાં બેઠા હતા. બિલકિસે ચોક્કસ દાગીના પસંદ કર્યા હતા અને પછી એ દાગીના પોતાના બેડરૂમમાં ટ્રાયલ માટે લઈ ગઈ હતી.
આરોપ છે કે ગણતરીની મિનિટો બાદ બિલકિસના સગીર દીકરા અને તેના પિતા હનીફ સોઢાએ શોરૂમના કર્મચારી વિશાલની સાથે કોઈ મુદ્દે ઝગડો શરૂ કર્યો હતો.
આ સમગ્ર મામલો મૅનેજર વિશાલ શુક્લા સમજે કે થાળે પડે એ પહેલાં બિલકિસના પરિવારના સભ્યોએ તેઓને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા.
મૅનેજર અને કર્મચારી હજુ ઘરની બહાર ઊભા હતા ત્યાં જ પહેલાં બિલકિસ તેના પિતા તથા પુત્ર સાથે પાછળના રસ્તેથી બહાર નીકળી અને દાગીના સાથે લઈને કારમાં ભાગી ગઈ હતી. આ ઘટના બાદ શોરૂમના મૅનેજર વિશાલ શુક્લાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે રાજકોટ વેસ્ટના એસીપી પી. કે. ડીયોરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે નવા કસ્ટમરના ઘરે જ્વેલર્સ ઘરેણાં લઈને જતા નથી. જ્યારે પેઢીના કર્મચારીઓ આરોપીના ઘરે રૂપિયા 1.75 કરોડની કિંમતનાં ઘરેણાં લઈને ગયા હતા. "
" જેથી અમે તેમને પૂછ્યું હતું કે તમે આટલાં બધાં ઘરેણાં લઈને આ મહિલાના ઘરે કેમ ગયા હતા? ત્યારે મૅનેજરે કહ્યું હતું કે, આ મહિલા છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમની પાસે અવારનવાર દાગીના ખરીદતી હતી. જેથી તેઓને તેમની પર ભરોસો હતો. તેઓ દરેક વખતે પાંચથી દસ લાખના દાગીના ખરીદતી હતી. "
તેઓ તપાસ અંગે બહાર આવેલી હકીકતો જણાવતાં આગળ કહે છે કે, "ત્યાર બાદ અમે આરોપી બિલકિસને પૂછ્યું હતું કે, આટલા દાગીના હતા તો તમારે નવા દાગીના લેવાની કેમ જરૂર પડી ત્યારે બિલકિસે જણાવ્યું હતું કે તેમના પરિવાર પર એક ફરિયાદ થઈ હતી જેમાં તેના પતિ, બિલકિસ અને દીકરો જેલમાં હતા. જે કેસમાં સમાધાન કરવા માટે તેમણે સામા પક્ષને પૈસા આપવા પડ્યા હતા. જે સમાધાન પેટે પૈસા આપવા માટે તેમણે તેમનાં બધાં જ કિંમતી ઘરેણાં વેચી દીધાં હતાં. જેથી તેમણે નવા દાગીના લેવા હતા."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આરોપી મહિલા પાસે પૈસા ન હતા અને તેને દાગીના લેવા હતા. જેથી તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. મહિલાના પતિ હાલ મુંબઈમાં રહીને કામ કરે છે. અવારનવાર આવતા રહે છે. આરોપીએ રૂ. 1.45 કરોડની કિંમતના દાગીના પસંદ કર્યા હતા અને ત્યાર બાદ કર્મચારીઓને ઘરની બહાર કાઢીને દરવાજો બંધ કરી દીધો હતો અને ત્યાર બાદ પાછળના દરવાજાથી ભાગી નીકળી હતી. આરોપી બિલકિસની પોલીસે ધરપકડ કરી છે."
પોતાનો શોખ પૂરો કરવા માટે ગુનો આચરવા સુધી વ્યક્તિ કેમ પહોંચી જતી હોય છે?
અમદાવાદના સાયકોલૉજિસ્ટ પ્રશાંત ભીમાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ પ્રકારનું વર્તનએ એક પ્રકારનું ઑબસેશન અને વળગણ કહેવાય છે. "
"આ પ્રકારનું વર્તન લોકોનું ધ્યાન આકર્ષવા માટે તેમજ 'શો-અપ' કરવા માટે કરાતું હોય છે. "
તેઓ એવું પણ ઉમેરે છે, "કેટલાક લોકોમાં બાળપણથી નૈતિકતાનો વિચાર યોગ્ય રીતે વિકસિત થયો હોતો નથી. જેથી પોતાનાથી કંઈ છૂટી જવાની ભાવના આવતાં જ તેઓ ઉગ્ર બની જતા હોય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2






















