ગુજરાત : બોર્ડની પરીક્ષામાં 1,655 વિદ્યાર્થીઓએ લખ્યો એકસરખો જવાબ, ચોરી કઈ રીતે પકડાઈ?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
'ભૂલ ક્યારેય નાની કે મોટી હોતી નથી, ભૂલ એ ભૂલ હોય છે.' આ વાક્ય અવારનવાર તમે સામાન્ય લોકોની ચર્ચામાં સાંભળ્યું હશે પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માટે નાની ગેરરીતિ એ ગેરરીતિ નથી. માત્ર મોટી ગેરરીતિ એ સજાને પાત્ર છે.
કંઈક આ જ પ્રકારનો એક વિવાદિત નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા 1,655 વિદ્યાર્થીઓએ કરેલી સામૂહિક ચોરીના કેસમાં લેવાયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કૉપીના કેસમાં 90થી 100 ટકા સુધી ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરાયું છે જ્યારે તેથી ઓછી ગેરરીતિ આચરનારાઓની સજા માફ કરી દેવાઈ છે.
મધ્ય ગુજરાતના દાહોદનાં પીપેરો અને ડાસા પરીક્ષાકેન્દ્રમાં 1,655 વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણીમાં માસ કૉપી થયાનું સામે આવ્યું હતું પછી આ તમામ વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં સામૂહિક ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાં બોર્ડ દ્વારા 1655 પૈકી 980 વિદ્યાર્થીઓને માસ કૉપી બદલ પરિણામ રદ કરવાની સજા કરાઈ છે જ્યારે ઓછી ગેરરીતિ આચરી હોય અને થોડું પણ મૌલિક લખાણ લખ્યું હોય તેવા 675 વિદ્યાર્થીઓને સજા કરાઈ નથી.
તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનાં પરિણામ જાહેર થયાં હતાં પણ જે વિદ્યાર્થીઓ માસ કૉપી કે સીસીટીવીમાં ચોરી કરતા પકડાયા હતા તેઓનાં પરિણામ રોકી દેવાયાં હતાં.

1,655 વિધાર્થીઓનો એકસરખો 'વસંતનો વૈભવ'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આ કિસ્સો દાહોદ જિલ્લા મુખ્યમથકથી 38 કિલોમિટિરના અંતરે આવેલાં પીપેરો અને ડાસા પરીક્ષાકેન્દ્રમાં નોંધાયો હતો.
આ બે પરીક્ષાકેન્દ્રોમાં પરીક્ષા આપનારા 1,655 વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં એક જ જેવા જવાબ લખેલા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિક્ષકોએ આ વિદ્યાર્થીઓના ઉત્તરવહી વારંવાર તપાસી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓએ ગુજરાતી નિબંધ "વસંતનો વૈભવ" એક સરખો લખ્યો હતો સાથે તમામ વિદ્યાર્થીઓએ એક જ કવિતા લખી હતી.
આ તમામ વિદ્યાર્થીઓની ઉત્તરવહી 30 શિક્ષકોએ પાંચ વાર ચકાસી હતી જેમાં દરેકે દરેક શબ્દ સરખો હતો અને અને ફકરો પણ કૉપી હતો.
આ વિદ્યાર્થીઓ સામે કૉપી કેસ કરવામાં આવ્યો હતો અને તેને લઈને રાજકીય વિવાદ પણ થયો હતો. આખરે આ મામલે તમામ વિદ્યાર્થીઓને સજા કરવાને બદલે 90થી 100 ટકા સુધી ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓને દંડ કરવાનું નક્કી કરાયું હતું.
જ્યારે ઓછી ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને છોડી દેવાયા હતા. આ સમગ્ર બાબતે સમગ્ર શિક્ષણજગતમાં ભારે ચર્ચા જગાવી છે.
ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડનાં સચિવ અવનિ મોરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "બોર્ડના સ્ક્વૉડના રિપોર્ટના આધારે અમે આ બે સેન્ટરની ઉત્તરવહીઓ અલગ તપાસી હતી. જેમાં ધ્યાનમાં આવ્યું કે એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ નિબંધ તેમજ અન્ય પ્રશ્નોનો જવાબ સરખો જ લખ્યો હતો."
"આ સેન્ટરો પર 1655 વિદ્યાર્થીઓ હતા. જેમાંથી જે વિદ્યાર્થીઓએ મૌલિક લખાણ લખ્યું હતું તેવા લગભગ 600 કરતાં વધુ વિદ્યાર્થીઓને સજામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે એક હજાર જેટલા વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે. દાહોદ જિલ્લાનાં આ બે પરીક્ષાકેન્દ્ર રદ કરવામાં આવ્યાં છે. તેઆગામી દિવસોમાં શિક્ષકોને કમિશનર ઑફ સ્કૂલ દ્વારા સજા કરવામાં આવશે."

દાહોદનાં બે કેન્દ્રોમાં ધોરણ 10ની પરીક્ષામાં માસ કૉપીનો કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં દાહોદ જિલ્લાનાં સંજેલી અને સિંગવડ એમ બે કેન્દ્રમાં 202 વિદ્યાર્થીઓ ઉપર માસ કૉપીનો કેસ કરાયો હતો.
આ માસ કૉપી કેસ મુદ્દે ગાંધીનગરસ્થિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની કચેરીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થળ સંચાલકની રૂબરૂમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
આ સુનાવણી દરમિયાન શિક્ષકો અને સંચાલકે માસ કૉપી થયાની વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો એટલું જ નહીં મોટા ભાગના વિદ્યાર્થીઓએ પણ તેનો અસ્વીકાર કર્યો હતો.
બીજી તરફ બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, જે વિદ્યાર્થીઓ પર માસ કૉપીનો કેસ કરવામાં આવ્યો હતો. તેમનાં લખાણ એક જ સરખાં છે.
હાલમાં બોર્ડ દ્વારા તમામનાં નિવેદનો લેવામાં આવ્યાં છે. આ કિસ્સામાં સજા કરવા અંગેની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે પરંતુ પરીક્ષામાં ગેરરીતિ કરતાં પકડાયા હોય તે અને CCTVમાં શંકાસ્પદ હોય તેવા વિદ્યાર્થીઓનાં પરિણામ અનામત રખાયાં છે.
આવા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા હાલમાં સુનાવણી હાથ ધરવામાં આવેલી છે.
દાહોદ જિલ્લાનાં સંજેલી અને સિંગવડ કેન્દ્ર ખાતે માસ કૉપી કેસની ઘટના મામલે 202 વિદ્યાર્થીઓનાં બોર્ડનાં પરિણામ અટકાવી દીધાં છે.
આ સમગ્ર મુદ્દે વાત કરવા માટે બોર્ડના સચિવ એન. જી. વ્યાસનો બીબીસી ગુજરાતી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ આ મુદ્દે તેમણે વાત કરવાનું ટાળ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો






















