You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IndvsEng: ભારતે પ્રથમ વનડેમાં ઇંગ્લૅન્ડને દસ વિકેટે હરાવ્યું, બુમરાહે છ વિકેટ લીધી
ઇંગ્લૅન્ડ વિરુદ્ધ લંડનના કેનિંગટન ઓવલ ખાતે યોજાયેલ પ્રથમ વનડે ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમની દસ વિકેટથી જીત થઈ છે.
ટૉસ ગુમાવીને પ્રથમ બૅટિંગ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 110 રનમાં સમેટાઈ ગઈ હતી.
જો વનડે ઇન્ટરનેશનલ મૅચની વાત કરવામાં આવે તો ભારત સામે આ ઇંગ્લૅન્ડનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે.
111 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઊતરેલી ભારતીય ટીમ તરફથી ઓપનિંગ બૅટિંગ માટે ખુદ કપ્તાન રોહિત શર્મા અને શિખર ધવન ઊતર્યા હતા.
બંને ખેલાડીઓએ મધ્યમ ગતિમાં લક્ષ્યનો પીછો કરવાનું ચાલુ રાખ્યું અને અંતે સફળતા મેળવી. બંને ખેલાડીઓ 19મી ઓવરમાં જ લક્ષ્ય મેળવી લીધું.
રોહિત શર્માએ કપ્તાની ઇનિંગ રમીને 58 બૉલમાં 76 રન કર્યા, જ્યારે શિખર ધવને 54 બૉલમાં 31 રન કર્યા હતા.
આ સાથે જ ભારત ત્રણ મૅચોની સિરીઝમાં 1-0થી આગળ આવી ગયું હતું.
ભારત તરફથી શાનદાર બૉલિંગ પ્રદર્શન કરતાં જસપ્રીત બુમરાહે 19 રન આપીને છ વિકેટ લીધી હતી. તેમનો સાથ આપતાં મોહમ્મદ શમીએ પણ 31 રન આપીને ત્રણ વિકેટ મેળવવામાં સફળતા હાંસલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ઇંગ્લૅન્ડની ટીમને પ્રથમ બૅટિંગ માટે આમંત્રી હતી.
પ્રથમ ફિલ્ડિંગ કરવાની રણનીતિ રોહિતને ફળી ગઈ અને ભારતીય બૉલરોના શાનદાર પ્રદર્શનથી ઇંગ્લૅન્ડની ટીમે જાણે શરણાગતિ સ્વીકારી લીધી હતી.
નોંધનીય છે કે આ અગાઉ ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝમાં પણ ભારતે ઇંગ્લૅન્ડની ટીમને 3-0થી હરાવી વ્હાઇટવૉશ કરી હતી.
આ સ્પર્ધામાં જસપ્રીત બુમરાહ અન મોહમ્મદ શમી છવાઈ ગયા છે. બંનેએ સાથે મળીને નવ વિકેટ લીધી. જે પૈકી ચાર ખેલાડી પોતાનાં ખાતાં પણ ન ખોલાવી શક્યા.
મૅચની બીજી ઓવરમાં જ જસપ્રીત બુમરાહે બે ખેલાડીઓને આઉટ કરી દીધા. જેસન રૉય શૂન્ય પર બોલ્ડ થયા તો રૂટ પણ પોતાનું ખાતું ન ખોલાવી શક્યા.
બીજી ઓવરમાં શમીએ બેન સ્ટોક્સને શૂન્ય રને આઉટ કર્યા. તેમજ લિયામ લિવિંગસ્ટને મૅચની આઠમી ઓવરમાં શૂન્ય પર બુમરાહે આઉટ કર્યા.
મૅચમાં આ બંને બૉલરનો કેર કંઈક એવી રીતે છવાયેલો રહ્યો કે ઇંગ્લૅન્ડની અડધી ટીમ માત્ર 26 રન બનાવીને આઉટ થઈ ગઈ.
જોકે, કપ્તાન જૉસ બટલરે 30 રન અને ડેવિડ વિલીએ 21 રનોનું યોગદાન કર્યું. ઇંગ્લૅન્ડની સમગ્ર ટીમ માત્ર 110 રન જ બનાવી શકી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો