ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: મતદાર તરીકે નોંધણીથી લઈને ફેરફાર સુધીની પ્રક્રિયા

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી સંબંધિત કામગીરીની શરૂઆત થઈ ગઈ છે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે મતદાનમથક વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ વેરિફિકેશનની ઝુંબેશ શરૂ કરાઈ છે.

આ મુલાકાત દરમિયાન નામ, સરનામું, ઘર વગેરે સહિતની વિગતોની ચકાસણી કરવામાં આવે છે.

તો જાણીએ ચૂંટણી સંબંધિત અને મતદાન અંગેની મહત્ત્વની બાબતો.

ભારતમાં મતદારોને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે.

એક, સામાન્ય મતદાર. બે, ઓવરસીઝ એટલે કે બિનનિવાસી ભારતીય મતદાર (એનઆરઆઈ). ત્રણ, સર્વિસ મતદાર. સર્વિસ મતદારમાં લશ્કરી અને અર્ધલશ્કરી દળોમાં સેવા આપનાર, રાજ્ય કે કેન્દ્રની હથિયારધારી પોલીસ જે અન્ય સ્થળે સેવા આપી રહી હોય તેનો તથા કેન્દ્ર સરકારના ભારતની બહાર પોસ્ટિંગ હોય એ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

મતદાર બનવા માટેની પાત્રતા શું છે?

એક, અરજી કરનાર ભારતીય નાગરિક હોવો જોઈએ.

બે, જે તે વર્ષની 1 જાન્યુઆરી સુધી અરજી કરનારની 18 વર્ષની ઉંમર હોવી જોઈએ.

અરજી કરનાર જે મતદાન ક્ષેત્ર માટે અરજી કરી રહ્યો હોય ત્યાંનો રહેવાસી હોવો જોઈએ.

ગુજરાતના ચૂંટણીપંચની અધિકૃત વેબસાઇટ અનુસાર કોઈ પાત્રતા ધરાવનાર કોઈ પણ વ્યક્તિ આ રીતે મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.

વોટર હેલ્પલાઇન નંબર 1950

ચૂંટણીપંચ દ્વારા મતદારોની સહાયતા માટે 1950 ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. આ નંબર પર કામના દિવસો દરમિયાન (અઠવાડિક અને જાહેર રજાના દિવસો સિવાય) સવારે 11.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા દરમિયાન ફોન કરીને મતદાર નોંધણીની પ્રક્રિયા અંગે જાણકારી મેળવી શકાય છે.

ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર આ હેલ્પલાઇન વ્યક્તિને નવા કે ડુપ્લિકેટ મતદાર ઓળખપત્રની માહિતી મળી શકે છે. મતદાર પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ખરાઈ કરી શકે છે. હેલ્પલાઇન પર ફોર્મ-6 સહિત તમામ ફોર્મ અંગે જાણકારી મળી શકે છે.

બીબીસીના સંવાદદાતા તેજસ વૈદ્યે 1950 હેલ્પલાઇન પર ફોન કરીને આ હેલ્પલાઇન કેવી રીતે કામ કરે છે તેની જાતતપાસ કરી હતી.

બીબીસી સંવાદદાતાને હેલ્પલાઇનમાં ફોન ઉપાડનાર કર્મચારી કામાક્ષુ બારોટે કહ્યું હતું કે અમે આ હેલ્પલાઇન પર ચૂંટણીકાર્ડ યાને કે મતદારને લગતી તમામ માહિતી આપીએ છીએ. દરેક જિલ્લામાં આ હેલ્પલાઇનની લાઇન હોય છે.

તેમણે કહ્યું, નામ-સરનામું સુધારો, નવું કાર્ડ, મતદાનમથકની સહિતની તમામ ઉપયોગી માહિતી અને મદદ પૂરી પાડવામાં આવે છે.

ઑનલાઇન નોંધણી

25 જાન્યુઆરી 2021, રાષ્ટ્રીય મતદાર દિવસના એક દિવસ અગાઉ રોજ ચૂંટણીપંચે ડિજિટલ વોટર કાર્ડની સવલતની જાહેરાત કરી હતી.

પાત્રતા ધરાવનાર વ્યક્તિ ઑનલાઇન પણ પોતાની મતદાર તરીકે નોંધણી કરાવી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા પોર્ટલ બનાવવામાં આવેલું છે.

ચૂંટણીપંચની મતદાતા પોર્ટલની વેબસાઇટ પર જઈને મતદાર તરીકે નોંધણી કરાવી શકાય છે, ઓવરસીઝ મતદાર તરીકે નોંધણી કરાવી શકાય છે, મતદારયાદીમાંથી નામ કમી કરાવી શકાય છે કે એમાં સુધારો કરાવી શકાય છે.

જો તમારું રહેઠાણ બદલાયું હોય અને કે તમે અન્ય કોઈ વિધાનસભા વિસ્તારમાં રહેતા હો તો તેનો સુધારો પણ કરાવી શકાય છે.

અહીંથી તમે મતદાર ઓળખની ઇલેકટ્રોનિક ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો. અને તમારી મતદાર તરીકેની નોંધણીની અરજીનું સ્ટેટસ પણ જાણી શકો છો.

જો તમે ડિજિટલ વોટર કાર્ડ ડાઉનલોડ કરવા માગો છો તો સૌથી પહેલાં તમારે https://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/account/login પર જવું પડશે.

જો તમારી પાસે કોઈ ઍકાઉન્ટ નથી, તો પોતાના મોબાઇલ નંબર અથવા ઈ-મેઇલ આઈડી દ્વારા એક એકાઉન્ટ બનાવો. જો તમારું એકાઉન્ટ છે, તો લોગ-ઇન કર્યા બાદ ડાઉનલોડ ઈ-ઈપીઆઈસી વિકલ્પ પર ક્લિક કરો.

ઑફલાઇન નોંધણી

ઑફલાઇન નોંધણી માટે તમે જે વિસ્તારમાં રહેતા હોય તેની નજીકના બૂથ લેવલ ઑફિસરનો સંપર્ક કરી શકો છો. નાયબ મામલતદાર કે મામલતદાર ઑફિસનો સંપર્ક કરી તમારે ફોર્મ-6 મેળવવાનું રહેશે.

તમે જરૂરી વિગતો સાથે અરજી કરીને, નિયમાનુસાર આધાર-પુરાવા રજૂ કરી મતદાર તરીકે નોંધણી કરાવી શકો છો.

મતલબ કે તમે જો શહેરી વિસ્તારમાં રહેતા હો તો નજીકની સુધરાઈ ઑફિસમાં નોંધણી કરાવી શકો છો અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા હો તો નજીકની તાલુકા કચેરીમાં જઈને મતદાર તરીકેની નોંધણી કરાવી શકો છો.

ફોર્મ-6, ફોર્મ-6એ વગેરે શું છે?

સામાન્ય નાગરિકો માટે ઑનલાઇન કે ઑફલાઇન મતદાર કાર્ડ મેળવવા માટે ફોર્મ-6 જરૂરી બને છે.

સામાન્ય નાગરિકે મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ-6 ભરવાનું રહે છે. જો તમે એનઆરઆઈ હો તો ફોર્મ-6એ ભરવાનું રહે છે. આ જ રીતે લશ્કરી દળોમાં કાર્યરત નાગરિકે ફોર્મ 2, રાજ્યના હથિયારધારી પોલીસ ફોર્સ, રાજ્ય બહાર સેવા આપી રહી હોય એવા નાગરિકોએ ફોર્મ 2-એ ભરવાનું હોય છે.

દેશની બહાર તહેનાત હોય એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓએ ફોર્મ 3 ભરવાનું હોય છે.

ફોર્મ-6ની સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને ઉંમર અને રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો હોય છે.

મતદાર તરીકેની નોંધણી માટે જરૂરી આધાર પુરાવાઓ

મતદાર તરીકેની નોંધણી માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા વિવિધ માપદંડ નિયત કરવામાં આવ્યા છે. ઉમંર અને રહેઠાણ એ બેઉ અગત્યની બાબતો બની રહે છે.

માન્ય રહેણાક પુરાવાઓ - રૅશન કાર્ડ, બૅન્ક/પોસ્ટ ઑફિસની પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્કમટૅક્સ એસેસમેન્ટ ઑર્ડર, ભારતીય પાસપોર્ટ, ભાડાકરાર, તાજેતરનું ગૅસ-પાણી-વીજળી જોડાણનું બિલ.

ઉંમરના પુરાવા - સ્થાનિક સત્તામંડળનું જન્મ પ્રમાણપત્ર, પાન કાર્ડ, આધાર કાર્ડ, ભારતીય પાસપોર્ટ, જેમાં જન્મ તારીખની નોંધ હોય એવી ધોરણ 10/12ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બાપ્ટિસ્મનું સર્ટિફિકેટ.

જો ઉંમરનો કોઈ પણ પુરાવો ન હોય એવા કિસ્સામાં અરજી કરનારના વાલી કે (ટ્રાન્સજેન્ડર હોય તો ગુરુ) સોગંદનામું રજૂ કરીને મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો