ગુજરાતમાં વરસાદ : કયા જિલ્લાઓ પડશે અતિભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં કેમ સતત વરસાદ પડી રહ્યો છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે.

ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને કેટલાક રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા.

વરસાદ

સ્થાનિક અધિકારીના કહેવા પ્રમાણે સૂત્રાપાડામાં છેલ્લા બે દિવસમાં બુધવાર બપોર સુધીમાં 13 ઇંચ અને કોડીનારમાં 11 ઇંચ જેટલો વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારો જેવા કે માંગરોળ, માળિયા-હાટીના તાલુકાનાં ઘણાં ગામોમાં વરસાદને કારણે ગામમાં પાણી ઘૂસી ગયાં છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતીની પ્રતિનિધિ દિલીપ મોરીના કહેવા પ્રમાણે ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે પરંતુ હજી સુધી કોઈ ભારે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

હવામાન વિભાગે આવનારા ચાર દિવસો સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે હાલ ગુજરાતમાં ચોમાસું ખૂબ જ સક્રિય છે અને કચ્છ પર એક લૉ પ્રેશર એરિયા બન્યો છે. જેના કારણે હાલ અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.

આવનારા ચારથી પાંચ દિવસ સુધી હજી રાજ્યમાં અતિભારે વરસાદની એલર્ટ આપવામાં આવી છે.

line

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ કેમ?

વરસાદ

મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સતત ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસથી ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ છે પરંતુ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થયો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં હવામાન વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે હાલ ઓફ શોર ટ્રફ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે છે અને પશ્ચિમ મધ્ય પ્રદેશ પર લૉ પ્રેશર એરિયા બન્યો છે જેના કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું કહેવું છે લૉ પ્રેશર પેદા થવાને કારણે ગુજરાતમાં ચોમાસાની આ સક્રિય સ્થિતિ હજી 10 દિવસ સુધી રહે તેવી શક્યતા છે. એજન્સીનું કહેવું છે કે ગુરુવાર અને શુક્રવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

સ્કાયમેટ અનુસાર લૉ પ્રેશર એરિયા સર્જાયો છે તેના કારણે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિથી આગળ વધી રહી છે. જેથી આવનારા દિવસોમાં પણ હજી અતિભારે વરસાદનો ખતરો છે.

સાથે જ અરબી સમુદ્ર પરથી આવતા પવનો આ સિસ્ટમને વધારે ભેજ પૂરો પાડે છે અને તેના કારણે વરસાદ સતત વધી રહ્યો છે.

line

સૌરાષ્ટ્ર પર અતિભારે વરસાદનો ખતરો

વરસાદ

ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ વરસાદમાં ખૂબ ઘટ હતી અને એક પણ જિલ્લામાં પૂરતો વરસાદ પડ્યો ન હતો. જોકે, જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં સારો વરસાદ શરૂ થયો છે.

ગીર-સોમનાથ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

ખેડૂતોએ વાવણી કર્યા બાદ તેમનાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને હજી પણ આ જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ થંભ્યો નથી.

મંગળવારથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે જેને લઈને રાજ્ય સરકાર પણ આ મામલે એલર્ટ થઈ છે અને પૂર જેવી કોઈ ઘટના બને તો આગતરાં પગલાં રુપે વિવિધ સ્થળો એ એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

હજી પણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં આવનારા દિવસોમાં વધારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

line

ક્યા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

7 જુલાઈના રોજ ભરૂચ, સુરત, ભાવનગર સહિતના વિસ્તારોમાં ઑરેન્જ એલર્ટ આપવામાં આવી છે.

8 જુલાઈના રોજ નવસારી, વલસાડ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. એટલે કે અહીં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત ગીર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, અમરેલી, રાજકોટ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

9 જુલાઈના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને જોતાં રેડ એલર્ટ આપવામાં આવી છે. ગીર-સોમનાથ, મોરબી, પોરબંદર, રાજકોટ, વલસાડ, નવસારી, ડાંગ, જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન