You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જી-7માં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો વાયદો અને દેશમાં ભાવનાને ઠેસ પહોંચાડવાના કેસ
- લેેખક, ચંદન શર્મા
- પદ, બીબીસી હિંદી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ફૅક્ટ ચેકિંગ સાઇટ ઑલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈરની સોમવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપસર ધરપકડ કરાઈ. તે બાદ મંગળવારે તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા.
દિલ્હી પોલીસ અનુસાર, આઈપીસીની કલમ 153-એ (સમાજમાં શત્રુભાવ વધારવા) અને 295-એ (ધાર્મિક ભાવનાઓને જાણીજોઈને ઠેસ પહોંચાડવી)ના આરોપમાં ચાર વર્ષ પહેલાં એક એફઆઈઆર દાખલ કરાઈ હતી, જે અંતર્ગત તેમની ધરપકડ કરાઈ છે.
બીજી તરફ, ભારતે સોમવારના રોજ જ વિશ્વના વિકસિત દેશોના સંગઠન જી-7 સાથે 'અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઑનલાઇન અને ઑફલાઇન સુરક્ષા અને સિવિલ સોસાયટીની સ્વતંત્રતાની રક્ષા' કરવા માટે સમજૂતી પર સહી કરી.
આ અંગે જી-7ના તમામ સાત સ્થાયી સભ્યો, યુરોપિયન સંઘ અને ભારત સહિત પાંચ આમંત્રિત દેશો તરફથી ચાર પાનાંનું એક સંયુક્ત નિવેદન જાહેર કરાયું. જેમાં કહેવાયું, "અભિવ્યક્તિ અને વિચારની સ્વતંત્રતની ઑનલાઇન અને ઑફલાઇન રક્ષા કરવા માટે તમામ સહયોગી સાથે મળીને કામ કરીશું." સાથે જ, આ સમજૂતીમાં લખાયું છે કે, "ઇન્ટરનેટની દુનિયાને વધુ ખુલ્લી, સ્વતંત્ર, ભરોસાપાત્ર અને સુરક્ષિત બનાવાશે."
એક પ્રકારે, એક જ દિવસે (27 જૂનના રોજ) આ બંને ઘટનાઓ સામે આવ્યા બાદ મંગળવારે સોશિયલ મીડિયા પર ઘણા સવાલો ઊઠવા લાગ્યા.
'માત્ર સમજૂતી કરવાથી શું થશે?'
કમિટી ફૉર પ્રૉટેક્શન ઑફ જર્નાલિસ્ટના એક નિવેદન જાહેર કરીને કહ્યું, "પત્રકાર મોહમ્મદ ઝુબૈરની ધરપકડ ભારતમાં પ્રેસની સ્વતંત્રતા સાથે બાંધછોડ થઈ રહી હોવાનું ઉદાહરણ છે. જ્યાં સરકારે પત્રકારો વિરુદ્ધ શત્રુતાપૂર્ણ અને અસુરક્ષિત માહોલ બનાવ્યો છે."
મોહમ્મદ ઝુબૈરની ધરપકડ બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન યૂઝેરિકે કહ્યું, "વિશ્વના કોઈ પણ ખૂણામાં, એ વાત અત્યંત મહત્ત્વપૂર્ણ છે કે લોકોને પોતાની વાત કરવાની સ્વતંત્રતા હોય, પત્રકારોને એવી સ્વતંત્રતા હોય કે તેઓ પ્રતાડના વગર કામ કરી શકે."
તેમણે આ વાત મોહમ્મદ ઝુબૈરની ધરપકડ અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં કહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ વરદરાજને બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "મને લાગે છે કે આ એક પ્રકારની વિટંબણા છે, દેશમાં અભિવ્યક્તિની આઝાદી નામની વસ્તુ ખતમ થઈ રહી છે. સરકાર ઇચ્છે છે તેથી ગમે તે વ્યક્તિની ક્ષુલ્લક બાબતે ધરપકડ કરી લેવામાં આવે છે. મોહમ્મદ ઝુબૈર જેવાં ઘણાં ઉદાહરણો છે. સરકારે જી-7 સાથે સમજૂતી તો કરી લીધી, પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે જે સન્માન હોવું જોઈએ, તે નથી."
તેમજ અન્ય એક વરિષ્ઠ પત્રકાર પરંજય ગુહા ઠાકુરતા જણાવે છે, "આપણા વડા પ્રધાન વિદેશ જઈને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે ભલે ગમે તે કહે, પરંતુ આપણા દેશની કહાણી અલગ જ છે."
રાજનીતિ સાથે જોડાયેલા લોકોએ સરકાર પર પક્ષપાતના આરોપ લગાવ્યા છે, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તિહાદ-ઉલ-મુસલમીનના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને પ્રશ્ન ઉઠાવ્યો કે ભાજપનાં પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ પણ ધાર્મિક ભાવના ભડકાવવાનો મામલો છે, પરંતુ તેમની ધરપકડ નથી કરાઈ જ્યારે મોહમ્દ ઝુબૈરની ધરપકડ કરી લેવાઈ છે.
વિભાજિત છે લોકોના મત
બીજા મામલાની જેમ આ મામલે પણ લોકોના વિચાર બે ભાગમાં વહેંચાયેલા છે, સરકારની કાર્યવાહીઓનું સમર્થન કરનાર લોકો પણ છે જેઓ મોહમ્મદ ઝુબૈરની ધરપકડને યોગ્ય ઠેરવી રહ્યા છે.
ભાજપના એક વરિષ્ઠ નેતા મોહમ્મદ ઝુબૈરને એક 'જેહાદી' ગણાવ્યા છે અને તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો છે. ભાજપના મહાસચિવ સીટી રવિએ ટ્વીટ કર્યું, "તેમણે (રાહુલ ગાંધી) મહારાષ્ટ્રમાં એક સાધારણ પોસ્ટ ફેસબુક પોસ્ટ બાબતે એક મરાઠી અભિનેત્રીની ધરપકડનો વિરોધ ન કર્યો, જ્યારે રાજસ્થાનમાં મહિલાઓ અને બાળકો સાથે બળાત્કાર થયા ત્યારે તેમણે પોતાનું મોઢું બંધ રાખ્યું પરંતુ એક જેહાદી માટે આંસુ સારી રહ્યા છે."
આવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ મોહમ્મદ ઝુબૈરની ધરપકડને યોગ્ય ઠેરવી.
તેમણે પાર્ટી કાર્યાલયમાં સંવાદદાતાઓને સંબોધિત કરતાં કહ્યું કે, "કોઈ પોતાની જાતને જો સ્વઘોષિત ફૅક્ટ ચેકર ગણાવે, તેનાથી તેઓ ફૅક્ટ ચેકર નથી થઈ જતા, કોઈ ન્યૂઝ એજન્સી, પત્રકાર હોય, ફૅક્ટ ચેકર હોય તો તેમનું સન્માન થાય છે. પરંતુ તેઓ જે ફૅક્ટ ચેક કરે કે ન્યૂઝ પ્રસારિત કરે તે સિલેક્ટિવ ન હોઈ શકે. તે અમુક પૉલિટિકલ દળ અને અમુક સમુદાય માટે યોગ્ય હોય અને અન્ય કોઈને ટાર્ગેટ કરે. આ નિષ્પક્ષતા નથી."
ભારતની પરિસ્થિતિ અંગે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચિંતિત
પાછલા વર્ષના રિપોર્ટ અનુસાર, પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ એટલે કે સ્વતંત્રતા સૂચકાંકમાં 180 દેશોની યાદીમાં ભારત 142મા સ્થાન પર છે, 2016માં ભારત 133મા સ્થાન પર હતું અને 2021 આવતાં સુધી તે 142મા સ્થાન પર આવી ગયું.
એશિયાના ઘણા દેશ ભારત કરતાં ઘણા ઉપર છે જ્યારે પાકિસ્તાનનો ક્રમ 145મો છે, પાછલાં ઘણાં વર્ષોથી સૂચકાંકમાં ભારતની સ્થિતિ બગડી છે.
આ રિપોર્ટ જાણીતી સંસ્થા રિપોર્ટ્સ વિદાઉટ બૉર્ડર્સ દર વર્ષે જાહેર કરે છે. તમે આ રિપોર્ટ અહીં જોઈ શકો છો.
આવી જ રીતે માનવાધિકારો માટે સમગ્ર વિશ્વમાં કામ કરનાર સંસ્થા હ્યૂમન રાઇટ્સ વૉચે પણ ભારતમાં પ્રેસની સ્વતંત્રતાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
આ વર્ષે જ ત્રણ મેના રોજ ન્યૂયૉર્કથી જાહેર કરાયેલ રિપોર્ટમાં કહેવાયું છે, "ભારતમાં પત્રકારો અને વિરોધીઓને નિશાન બનાવાઈ રહ્યા છે. સરકારની ટીકા કરનારા પત્રકારોને ઑનલાઇન અને ઑફલાઇન બંને પ્રકારે પરેશાન કરાઈ રહ્યા છે. જેની પાછળ હિંદુત્વવાદી લોકો અને સંગઠન છે જેમને સરકારનો ટેકો છે."
મોહમ્મદ ઝુબૈરની ધરપકડ બાદ માનવાધિકાર સંગઠન ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, "ભારત સરકારે મોહમ્મદ ઝુબૈરને નિશાન બનાવ્યા છે કારણ કે તેઓ લઘુમતીઓ વિરુદ્ધ ચલાવાઈ રહેલા દુષ્પ્રચાર અભિયાન અને તેમની સાથે થઈ રહેલા ભેદભાવની પોલ ખોલી રહ્યા હતા. ઝુબૈરની ધરપકડ બતાવે છે કે માનવાધિકાર માટે કામ કરનારા માટે ખતરો એક સંકટ સ્તરે પહોંચી ગયો છે."
'સરકાર કરતાં વધુ ન્યાયતંત્રથી નિરાશા'
તેમજ સુપ્રીમ કોર્ટનાં વરિષ્ટ વકીલ રેબેકા જૉન ભારતના હાલના માહોલને ગભરાવનારો ગણાવતાં કહે છે કે આવું થવા માટે દેશનું ન્યાયતંત્ર વધુ જવાબદાર છે.
તેઓ કહે છે કે, "આજની તારીખમાં મને સરકાર કરતાં વધુ નિરાશા આપણા ન્યાયતંત્રના વલણથી છે, કારણ કે આ જ સંસ્થા ભારતીયોની અંગત સ્વતંત્રતા અને અધિકારોનું રક્ષણ કરી શકે છે. અને જ્યારે તે આવું ન કરે તો બધું યોગ્ય થવાની આશા રાખવું નિરર્થક છે."
રેબેકા જૉન અનુસાર, "ગમે તે દેશમાં કાયદાનું શાસન તેનું ન્યાયતંત્ર જાળવી રાખે છે. કાયદો અને બંધારણ, જે દરેક ડેમોક્રૅટિક રિપબ્લિક માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, તેનું રક્ષણ માત્ર અદાલતો જ કરે છે. પરંતુ મને અત્યંત દુ:ખ છે કે સમય સાથે આપણી અદાલતો કાયદો, કાયદાનું શાસન, સિવિલ અને પર્સનલ લિબર્ટિઝની સુરક્ષા સારી રીતે કરવામાં નિષ્ફળ નીવડી છે."
તેમના અનુસાર, "સરકારો આવશે અને જશે, પરંતુ જે સંસ્થાગત રીતો છે તેના પર નિયંત્રણ કરવા, બંધારણને લાગુ કરવા, જ્યારે તે નિષ્ફળ થાય છે ત્યારે ડર લાગવાનું શરૂ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં જી-7માં અભિવ્યક્તિની સ્વતંત્રતાની સ્વતંત્રતાને લઈને સમજૂતી એક મજાક છે. એક તરફ આપ સમજૂતી પર સહી કરો છો, બીજી તરફ અમુક વ્યક્તિના ટ્વીટને લઈને તેની ધરપકડ કરાઈ રહી છે."
તેમજ પરંજય ગુહા ઠાકુરતા જણાવે છે કે, "વડા પ્રધાન મોદી વિદેશમાં શું કહે છે અને કરે છે, તેના કરતાં વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે સરકાર દેશમાં શું કામ કરી રહી છે. સરકારે અત્યાર સુધી યતિ નરસિંહાનંદ, આપણાં બે માનનીય સાંસદો સાધ્વી પ્રજ્ઞા અને સાક્ષી મહારાજનાં વિવાદિત નિવેદનોને લઈને તેમના પર કોઈ કાર્યવાહી નથી કરી."
તેમજ રેબેકા જૉનનું કહેવું છે કે જો દેશમાં તમામ સંસ્થાઓ પોતપોતાનું કામ સારી રીતે કરે તો સમસ્યાનું આપમેળે જ નિવારણ આવી જશે.
તેઓ કહે છે કે, "દરેક સંસ્થા પોતાનું કામ કરે, પછી ભલે તે ન્યાયતંત્ર હોય કે ચૂંટણીપંચ, જ્યારે આ તમામ સંસ્થાઓ યોગ્યપણે કામ કરશે, તો સરકારો ભલે ગમે તે કરે પરંતુ તેઓ ગેરકાયદેસર કામ નહીં કરી શકે. અને જો કરે તો પણ તેને નિયંત્રિત કરી શકાય છે. આમ, અસલી તાકત તો જનતાના હાથમાં જ છે."
'આમાં જી-7ની શી ભૂમિકા હશે'
જી-7નાં તમામ સ્થાયી સાત સભ્યો અમેરિકા, કૅનેડા, જાપાન, બ્રિટન, જર્મની, ફ્રાન્સ અને ઇટાલી સાથે યુરોપિયન સંઘ અને પાંચ સહયોગી દેશો ભારત, સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા, આર્જેન્ટિના અને સેનેગલે આ સમજૂતી પર સહી કરી છે.
તેમાં કહેવાયું છે કે તમામ સભ્યો પોતાની લોકશાહીને મજબૂત કરવા માટે કામ કરશે અને લોકશાહી વ્યવસ્થાના એ તમામ સાહસી રક્ષકોનું સ્વાગત કરે છે, જેઓ ઉત્પીડન અને હિંસા વિરુદ્ધ ઊભા થાય છે.
આ સમજૂતી સાથે જોડાયેલા પક્ષોએ વૈશ્વિક સ્તરે લોકશાહી સમાજોની સ્થિતિસ્થાપકતાને વધુ સારું બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારવાનો વાયદો કર્યો છે. જેનાથી લોકશાહીમાં ખુલ્લી સાર્વજનિક ચર્ચા, આઝાદ અને બહુલતાવાદી મીડિયા અને ઑનલાઇન અને ઑફલાઇન સૂચનાઓના મુક્ત પ્રવાહને સક્ષમ બનાવાઈ શકે.
સાથે જ સાઇબર ખતરાને લઈને જાગૃતિ વધારવા, સાઇબર સહયોગનો વ્યાપ વધારવા સહિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારવાની પણ વાત કરાઈ હતી.
તેમજ ઇન્ટરનેટ પર દુષ્પ્રચાર સાથે સૂચનાની હેરફેર અને તેમાં હસ્તક્ષેપના ખતરાને રોકવાની પણ વાત કરાઈ. અને ડિજિટલ સ્કિલ અને ડિજિટલ સાક્ષરતાને વધારીને વિશ્વસનીય જાણકારી અને ડેટાના તમામ સ્રોતો સુધી ઑનલાઇન અને ઑફલાઇન પહોંચને વધારવાનો પણ દાવો કરાયો છે.
સમજૂતી માટે હિંસક, ઉગ્રવાદી અને ઑનલાઇન ઉશ્કેરણીવાળા કન્ટેન્ટનો સામનો કરવા માટે પારદર્શિતા વધારવાનો પણ સંકલ્પ કરાયો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો