વિનયકુમાર સક્સેના : દિલ્હીના નવા ઉપરાજ્યપાલનું ગુજરાત કનેક્શન શું છે?
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિનયકુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. વિનયકુમાર સક્સેના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચૅરમૅન છે.

ઇમેજ સ્રોત, @CHAIRMANKVIC/Twitter
દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે વ્યક્તિગત કારણોથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું જેને સોમવારે રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું હતું.
રાષ્ટ્રપતિભવને નિવેદન આપીને એક નવું રાજીનામું આપવાની વાતને સ્વીકારી અને બીજી તરફ વિનયકુમાર સક્સેનાને ઉપરાજ્યપાલ બનાવવાની જાહેરાત કરી.

કેજરીવાલે કર્યું ટ્વીટ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ દિલ્હીની જનતા તરફથી વિનયકુમાર સક્સેનાનું સ્વાગત કરે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે ટ્વીટમાં એમ પણ લખ્યું છે કે દિલ્હી સરકારના મંત્રીમંડળ તરફથી તેમને સંપૂર્ણ સહયોગ મળતો રહેશે.
કેજરીવાલે વિનયકુમાર સક્સેનાના સ્વાગત પહેલાં પૂર્વ ઉપરાજ્યપાલ અનિલ બૈજલની વિદાયને લઈને પણ ટ્વીટ કર્યું. તેમણે લખ્યું હતું કે તેમણે તેમની સાથે મળીને દિલ્હીની અનેક સમસ્યાઓને ઠીક કરવાની કોશિશ કરી.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલની વચ્ચે અનેક નિર્ણયને લઈને તણાવ સર્જાતો રહે છે.
દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેમાં વિધાનસભા પણ છે પરંતુ કાયદો અને વ્યવસ્થા, જમીન, પૉલિસ અને સેવાઓ ઉપરાજ્યપાલ થકી કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વર્ષે સંસદમાં 'ગવર્નમેન્ટ ઑફ નેશનલ કૅપિટલ ટેરિટરી(GNCT) ઑફ દિલ્હી ઍક્ટ' પાસ કરવામાં આવ્યો જે મુજબ ઉપરાજ્યપાલ દિલ્હી સરકારના પ્રમુખ હશે અને તમામ નિર્ણય તેમની સહમતીથી લેવા અનિવાર્ય હશે.

કોણ છે વિનયકુમાર સક્સેના?

ઇમેજ સ્રોત, @CHAIRMANKVIC/Twitter
64 વર્ષના વિનયકુમાર સક્સેના કાનપુર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા છે. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની વેબસાઇટ અનુસાર તેમની પાસે પાઇલયનું લાઇસન્સ છે અને તે 'વિચારોથી સમાજસેવક અને કર્મોથી કૉર્પોરેટ સાયન્ટિસ્ટ' છે.
તેમણે જેકે ગ્રૂપની સાથે સતત 11 વર્ષ સુધી સહાયક મૅનેજર તરીકે કામ કર્યું છે અને પછી જનરલ મૅનેજરનું પ્રમોશન મેળવીને ગુજરાત ચાલ્યા ગયા જ્યાં તેમણે કંપનીનાં બંદરોની યોજનાને સંભાળી હતી.
ઑક્ટોબર 2015માં સક્સેનાની ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચૅરમેન તરીકે નિમણૂક કરવામાં આવી. ગત સાત વર્ષ દરમિયાન તેમણે હની મિશન, કુંભાર સશક્તીકરણ યોજના, ચામડાના કારીગરોનું સશક્તીકરણ, ખાદી પ્રાકૃતિક પૅન્ટ, પ્રોજેક્ટ આરઈ-એચએબી, ખાદી ફેબ્રિક ફૂટવૅર અને પ્લાસ્ટિક મિક્સ્ડ હૅન્ડમેડ પેપર જેવા પ્રૉજેક્ટ પર કામ કર્યું.
સક્સેના અનેક કમિટીઓના સભ્ય પણ રહી ચૂક્યા છે, જેમાં સ્વતંત્રતાદિવસની 75મી વર્ષગાંઠ માટે બનેલી રાષ્ટ્રીય પૅનલ અને પદ્મ પુરસ્કારોની પસંદગી સમિતિ પણ સામેલ છે. તે સીએસઆઈઆર અને યુનિવર્સિટી કોર્ટ ઑફ જેએનયુના સભ્ય પણ છે.

'નર્મદા બચાવો આંદોલન'ની સામે અભિયાન

ઇમેજ સ્રોત, @CHAIRMANKVIC/Twitter
વિનયકુમાર સક્સેનાએ વર્ષ 1991માં નેશનલ કાઉન્સિલ ફૉર સિવિલ લિબર્ટિઝ (NCCL)નામે એક બિનસરકારી સંગઠન બનાવ્યું જેનું વડું મથક અમદાવાદમાં છે.
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની વેબસાઇટ પર વિનયકુમાર સક્સેનાના પ્રોફાઇલ પ્રમાણે, તેમના NCCL સંગઠને સરકારી કંપનીઓ, રાજ્ય સરકારોની સામે રાષ્ટ્રીય મુદ્દાઓ પર કામ કર્યું.
આની સાથે જ સંગઠને અન્યાયની વિરુદ્ધમાં સામાજિક જાગૃતિ, ખોટી વેપારી પ્રથાઓને રોકવાનું કામ પણ કર્યું છે.
તેમના સંગઠને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પાક્કાં મકાન બનાવવાનું કામ કર્યું છે.
નર્મદા નદી પર બંધના નિર્માણના કારણે સ્થાનિક લોકોના વિસ્થાપનને લઈને સમાજસેવી મેધા પાટકરે વર્ષ 1985માં 'નર્મદા બચાવો આંદોલન' સંગઠનની શરૂઆત કરી હતી.
ખાદી આયોગની વેબસાઇટનો દાવો છે કે વિનયકુમાર સક્સેનાના બિનસરકારી સંગઠને વર્ષ 2000માં મેધા પાટકરના નર્મદા બચાવો આંદોલનની ગતિવિધિઓને ઉજાગર કરી હતી.
વેબસાઇટ અનુસાર આના કારણે ગુજરાત અને મધ્યપ્રદેશના લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હતું.
આમાં આગળ કહેવામાં આવ્યું છે NCCLએ નર્મદા બચાવો આંદોલનની સામે એક વિપક્ષ ઊભો કર્યો જેણે ટેકનૉલૉજી, કાયદાકીય, સામાજિક અને સાંસ્કૃતિક માપદંડોને સામેલ કરીને બહુપક્ષીય પગલાં ભર્યાં હતાં.
વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે NCCLના કામનો ગુજરાત અને મધ્ય પ્રદેશના લોકોએ સ્વીકાર કર્યો છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















