You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીને મનીષ સિસોદિયાએ કહ્યું, 'વડા પ્રધાનજી તમને ગુજરાતમાં આ નહીં દેખાય'
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના પ્રવાસે ગુજરાત પર છે એ પહેલાં જ ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ટ્વીટ વૉર શરૂ થઈ ગઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક ટ્વીટના જવાબમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કર્યું હતું અને ભાજપશાસિત ગુજરાતની શિક્ષણવ્યવસ્થાની ટીકા કરી હતી.
આ ટ્વીટ બાદ બંને રાજકીય પક્ષોના ગુજરાતના નેતાઓ ટ્વિટર પર વાદ કરી રહ્યા છે.
સાથે જ ચર્ચા થઈ રહી છે કે ગુજરાતની શિક્ષણવ્યવસ્થા સારી છે કે પછી દિલ્હીની.
નરેન્દ્ર મોદીનું ટ્વીટ જેનાથી વાદ શરૂ થયો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાતની પૂર્વસંધ્યાએ ટ્વીટ કરીને ગુજરાતના પ્રવાસ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસના પ્રવાસે ગુજરાતમાં છે, ગાંધીનગર, જામનગર, બનાસકાંઠા તથા દાહોદમાં આયોજિત કાર્યક્રમોમાં તેમની હાજરી રહેશે.
નરેન્દ્ર મોદીએ લખ્યું કે, "ગુજરાત પહોંચીને હું વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈશ."
આ ટ્વીટમાં તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિશે ટૂંકમાં માહિતી આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ તેમણે લખ્યું છે કે તેઓ શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની મુલાકાત લેશે અને તેમની સાથે સંવાદ સાધશે.
મનીષ સિસોદિયાનું વળતું ટ્વીટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ટ્વીટનો મનીષ સિસોદિયાએ જવાબ આપ્યો છે.
મનીષ સિસોદિયાએ તાજેતરમાં ગુજરાતની શાળાઓની લીધેલી મુલાકાતની તસવીરો ટ્વીટ કરી છે, જેના આધારે ગુજરાતની શાળાઓની સ્થિતિ દયનીય હોવાનો દાવો કર્યો છે.
તેમણે લખ્યું કે, "વડા પ્રધાનજી! આધુનિક વિદ્યા સમીક્ષા કેન્દ્રથી તમને કદાચ આ શાળાઓની તસવીરો નહીં દેખાય, જ્યાં બેસવા માટે ડેસ્ક પણ નથી."
"કરોડિયાનાં જાળાં તો એવાં બાઝ્યાં છે, જેવાં કબાડખાનામાં બાઝે."
"ટૉઇલેટ તૂટેલાં છે... મેં પોતે ગુજરાતના શિક્ષણમંત્રીના મતવિસ્તારમાં આવી શાળાઓ જોઈ છે."
ટ્વિટર પર વાદવિવાદ
મનીષ સિસોદિયાના આ ટ્વીટ બાદ ભાજપ સમર્થિત ટ્વિટર ઍકાઉન્ટ્સ દ્વારા મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીની ટીકા પણ થઈ રહી છે.
સ્વીટી નામના ટ્વિટર ઍકાઉન્ટ પરથી કેટલીક તસવીરો ટ્વીટ કરાઈ છે અને લખ્યું છે કે 'દાહોદની શાળા જેની તેઓ મુલાકાત લેશે.'
દીપક શર્માના ટ્વિટર ઍકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે અને શૈક્ષણિક પદોની ભરતીનાં બાકી પરિણામો જાહેર કરવા માટે માગ કરવામાં આવી છે.
@4Pasmanda ટ્વિટર હૅન્ડલ પરથી વીડિયો ટ્વીટ કરાયો છે, જેમાં એક શાળાની ખરાબ સ્થિતિ દર્શાવાઈ છે. સાથે જ લખ્યું છે કે 'આ છે દિલ્હીની વર્લ્ડ ક્લાસ સ્કૂલ્સ'.
આ ટ્વીટના જ જવાબમાં આ શાળા કયા વિસ્તારની છે, એ અંગે અન્ય યૂઝર્સ પુરાવા માગી રહ્યા છે.
ગોપાલ ઇટાલિયાએ આપ્યો મોદીના ટ્વીટનો જવાબ
તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ વાદમાં સામેલ થયા છે.
ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, "શિક્ષણ સમીક્ષા કેન્દ્ર કદાચ તમને આ નહીં જણાવે."
તેમણે લખ્યું, "13 હજાર સ્કૂલમાં કમ્પ્યૂટર લૅબ નથી."
"19 હજાર ક્લાસરૂમની અછત છે."
"700 શાળાઓમાં એક જ શિક્ષક છે."
"5500 સ્કૂલમાં કમ્પાઉન્ડ વૉલ નથી."
"23 સરકારી શાળામાં વીજળીનું કનેક્શન નથી."
"28 હજાર શિક્ષકોની અછત છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો