You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત શિક્ષણ : દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ભૂપેન્દ્ર પટેલ અને જિતુ વાઘાણીને દિલ્હીની સરકારી શાળાઓ જોવા આમંત્રણ આપ્યું - પ્રેસ રિવ્યૂ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારી શાળાઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરની કેટલીક શાળાઓની મુલાકાત લીધી હતી અને બાદમાં ગુજરાતની સરકારી શાળાઓ અંગે સવાલ ઉઠાવ્યા હતા.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, હવે સિસોદિયાએ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને દિલ્હીની સરકારી શાળાઓ જોવા માટે આમંત્રણ આપ્યું છે.
સિસોદિયાએ ગુજરાતની શાળાઓની મુલાકાત લઈને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે સરકારે શાળાઓ માટે કંઈ કામ કર્યું નથી.
સિસોદિયાએ એક પત્ર લખીને ભૂપેન્દ્ર પટેલ અને જિતુ વાઘાણીને દિલ્હીની શાળાઓ જોવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે આ પત્ર તેમની ભાવનગરની બે શાળાની મુલાકાત બાદ લખ્યો છે.
જોકે સિસોદિયાની મુલાકાત બાદ દિલ્હીમાં પણ ભાજપના સાંસદ પરવેશ વર્માએ દિલ્હીની કેટલીક શાળાઓની મુલાકાત લીધી હતી અને ત્યાંની હાલતનો ચિતાર આપ્યો હતો.
બનાસકાંઠામાં પાણીની સમસ્યાને લઈને બે માસમાં ખેડૂતોનું ત્રીજું આંદોલન
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ઉનાળુ શરૂ થતાં પાણીની સમસ્યાને લઈને રાવ ઊઠવા માંડી છે.
આ સમસ્યાને લઈને પાછલા બે માસથી સતત બનાસકાંઠામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
આ જ કડીમાં બુધવારે રેલી સ્વરૂપે વધુ એક આંદોલન જોડાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બનાસકાંઠાના પાલનપુરના બિહારીબાગથી કલેક્ટર ઑફિસના બે કિલોમિટર સુધીના વિસ્તારમાં પાંચ હજાર જેટલાં ખેડૂતો અને મહિલાઓએ પગપાળા રેલી યોજી હતી.
બનાસકાંઠાનું મલાણા તળાવ ભરવાની માગ સાથે ખેડૂતો રસ્તા ઉપર ઊતર્યા હતા.
પાણી નહીં તો વોટ નહીં, તેમજ ચૂંટણીબહિષ્કાર સહિતના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ પાણી માટે ખેડૂતો સાથે રેલીમાં જોડાયાં હતાં.
નોંધનીય છે કે પાછલા અમુક મહિનાઓથી મલાણા તળાવ ભરવાની માગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
થોડા દિવસ પહેલાં પણ પાંચ હજારથી વધુ ખેડૂતોએ તળાવ ભરવાની માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, ધાનેરા, દાંતીવાડા અને અમીરગઢ તાલુકામાં પાણીને લઈને સમસ્યા વધુ ને વધુ ગંભીર બનતી જતી હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરાઈ રહી છે.
હિંમતનગરમાં ફરી પથ્થરમારાની ઘટના, મુખ્ય મંત્રીએ બેઠક કરી
રામનવમીના દિવસે રેલી દરમિયાન બે જૂથો વચ્ચે સાબરકાંઠાના હિંમતનગર અને આણંદના ખંભાત ખાતે હિંસક ઘર્ષણ થયા બાદ ફરી એક વાર સોમવારે હિંમતનગર ખાતે બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, મંગળવારે આ મામલે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ પોલીસ અધિકારી અને વહીવટી અધિકારીઓ સાથે એક હાઇ લેવલ મિટિંગ યોજી હતી.
મુખ્ય મંત્રી કાર્યાલયના એક નિવેદન પ્રમાણે, "ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી આશિષ ભાટીયા અને સિનિયર અધિકારીઓ સાથે મુખ્ય મંત્રીએ હાઇ લેવલ મિટિંગ યોજી હતી. આ મામલે હર્ષ સંઘવીએ મુખ્ય મંત્રીને જાણકારી આપી હતી કે ખંભાતમાં નવ અને હિંમતનગરમાં 22 લોકોની ધરપકડ કરાઈ છે. મુખ્ય મંત્રીએ મિટિંગમાં ભાગ લેનારને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળનાર વિરુદ્ધ કડક પગલાં લેવાની સૂચના આપી હતી."
સોમવારે રાત્રે હિંમતનગરમાં ફરી એક વાર પથ્થરમારાની ઘટના બની હતી. નોંધનીય છે કે રામનવમીના દિવસે યોજાયેલ રેલીમાં બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણની ઘટનામાં પોલીસ સહિત ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ગુજરાત સરકારે પાટીદાર આંદોલન મામલે વધુ એક કેસ પરત ખેંચ્યો
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરની સેશન્સ કોર્ટે નિકોલ પોલીસ સ્ટેશનમાં પાટીદાર અનામત આંદોલન સંદર્ભે નોંધાયેલ એક કેસમાં રાજ્ય સરકારને કેસ પરત ખેંચવાની પરવાનગી આપી દીધી છે.
ઑગસ્ટ 25, 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા યોજાયેલ રેલી બાદ હાર્દિક પટેલની ધરપકડ કરાઈ હતી. જેના વિરોધમાં અમદાવાદ સહિત ઘણાં સ્થળોએ દેખાવો થયા હતા અને પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક ઘર્ષણ થયાં હતાં. આ મામલે પોલીસે નિકોલ ખાતે પાટીદાર સમાજના સાત લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ડેમેજ ટુ પબ્લિક પ્રૉપર્ટી ઍક્ટ અંતર્ગત ગુના દાખલ કર્યા હતા.
આ મામલાની સુનાવણી કરી રહેલા એડિશનલ સેશન્સ જજ વી જે કાલોતરાએ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટની વિનંતી પર રાજ્ય સરકારને આ મામલે કેસ પરત ખેંચવા મંજૂરી આપી હતી.
ગત મહિને રાજ્ય સરકારે આવા દસ કેસો પાછા ખેંચ્યા હતા. સરકારે હાર્દિક પટેલ વિરુદ્ધ થયેલ આવો કેસ પરત ખેંચવાની વાત કરી હતી.
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં છ દિવસમાં 64 વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટિવ મળી આવ્યા
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ પ્રમાણે પાછલા છ દિવસમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના 64 વિદ્યાર્થીઓ કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે.
સ્વાસ્થ્યવિભાગના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર મંગળવારે વધુ નવ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના કૅમ્પસમાંથી પૉઝિટિવ મળી આવ્યા હતા.
ગાંધીનગર મ્યુનિસપિલ કૉર્પોરેશનના મેડિકલ ઑફિસર ડૉ. કલ્પેશ ગોસ્વામીએ કહ્યું હતું કે, "જે લોકોને ચેપ લાગ્યો છે તેઓ ચાર એપ્રિલથી ઓફલાઇન ક્લાસ શરૂ થયા બાદ પ્રથમ વખત એકબીજાને મળી રહ્યા હતા."
તેમણે આગળ જણાવ્યું કે, "પૉઝિટિવ મળી આવેલ કોઈ પણ વિદ્યાર્થીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા નથી. તમામને યુનિવર્સિટીની હૉસ્ટેલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય પર આરોગ્યવિભાગની ત્રણ ટીમો નજર રાખી રહી છે."
ઍમ્નેસ્ટી ઇન્ડિયા સામે કેસ ચલાવવા માટે CBIને કેન્દ્રની મંજૂરી મળી
ધ હિંદુના એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા અને તેના ભૂતપૂર્વ વડા આકાર પટેલ સામે કેસ ચલાવવાની પરવાનગી આપી દીધી છે. નોંધનીય છે કે તેમના પર ફોરેન કન્ટ્રિબ્યૂશન (રેગ્યુલેશન) ઍક્ટ (FCRA)ની જોગવાઈ ભંગ કરવાનો આરોપ છે.
નોંધનીય છે કે FCRAએ 31 ડિસેમ્બર, 2021ના રોજ આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમજ સંસ્થા સામે કેસ ચલાવવા માટે FCRAના સેક્શન 40 અંતર્ગત કેન્દ્ર સરકારની પરવાનગી માગી હતી. કોર્ટ આ મામલો 18 એપ્રિલના રોજ સાંભળશે.
ચાર્જશીટ દાખલ કર્યા બાદ CBIએ આકાર પટેલ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યું હતું. જેના કારણે તેમને બૅંગલુરુ ઍરપૉર્ટ ખાતે ઇમિગ્રેશનમાં રોકવામાં આવ્યા હતા. સિટી કોર્ટે આ સર્ક્યુલર પાછો ખેંચી લેવાનો હુકમ કર્યો હતો. આ નિર્ણય સ્પેશિયલ જજને ફેરવી નાખ્યો હતો. અને કોર્ટની પરવાનગી વગર આકાર પટેલને દેશ ન છોડવા હુકમ કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો