CSK VS RCB IPL 2022: એ સાત ઓવર જેણે ચેન્નઈને મૅચ જિતાડી દીધી, પ્રથમ જીત બાદ જાડેજાએ ધોની વિશે શું કહ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ-2022માં સતત ચાર મૅચ હાર્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ને પ્રથમ જીત મળી છે. મંગળવારે રમાયેલી મૅચમાં સીએસકેએ રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ(RCB)ને એક રોમાંચક મુકાબલામાં હાર આપી હતી.

કૅપ્ટન તરીકે રવીન્દ્ર જાડેજાની આ પ્રથમ જીત હતી અને સતત ચાર મૅચ હારી ગયા બાદ પૉઇન્ટ ટેબલમાં તળિયે ગયેલી ચેન્નઈ માટે આ જીત ખૂબ જરૂરી હતી.

સતત ચાર મૅચ ગુમાવ્યા બાદ ચેન્નઈ સુપરકિંગ્સની પ્રથમ જીત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સતત ચાર મૅચ ગુમાવ્યા બાદ ચેન્નઈ સુપરકિંગ્સની પ્રથમ જીત

જોકે, ચેન્નઈની શરૂઆત આ મૅચમાં પણ સારી રહી ન હતી. સતત ખરાબ ફૉર્મમાં ચાલી રહેલા ઋતુરાજ ગાયકવાડ માત્ર 17 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જે બાદ મોઇન અલી માત્ર ત્રણ રન બનાવી શક્યા હતા.

માત્ર 36 રનના સ્કોર પર ચેન્નઈએ બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, તે બાદ ચેન્નઈ સુપર કિંગ્સની જીતની કહાણી રોબિન ઉથ્થપા અને શિવમ દુબેએ લખી.

આ બંનેએ મળીને આઈપીએલ-2022નો સૌથી મોટો સ્કોર કરી દીધો. ચૈન્નઈએ 20 ઓવરમાં કુલ 216 રન બનાવ્યા.

જોકે, જીત બાદ રવીન્દ્ર જાડેજાએ પોતાની સ્પીચમાં ફરી મહેન્દ્રસિંહ ધોનીનો ઉલ્લેખ કર્યો.

line

એ સાત ઓવર જેમાં સિક્સરોની આતશબાજી થઈ

ઓપનિંગમાં ઊતરેલા રૉબિન ઉથ્થપાએ 50 બૉલમાં 88 રન અને શિવમ દુબેએ 46 બૉલમાં 95 કર્યા

ઇમેજ સ્રોત, BCCI/IPL

ઇમેજ કૅપ્શન, ઓપનિંગમાં ઊતરેલા રૉબિન ઉથ્થપાએ 50 બૉલમાં 88 રન અને શિવમ દુબેએ 46 બૉલમાં 95 કર્યા

ચેન્નઈની શરૂઆત સામાન્ય રહી હતી અને તેને જોતાં લાગતું ન હતું કે તે 200 રનની પાર જશે. પરંતુ મૅચનું પાસું 13મી ઓવર બાદ પલટાયું. જે બાદ શિવમ દુબે અને રોબિન ઉથ્થપાએ સિક્સરોની આતશબાજી કરી દીધી.

13મી ઓવર પૂરી થઈ ત્યારે ચેન્નઈનો સ્કોર માત્ર 105 રન હતો. જે બાદ બંને બૅટરોએ મળીને આરસીબીના તમામ બૉલરોની ધોલાઈ કરી. ઉથ્થપા અને દુબેએ બંનેએ મળીને કુલ 17 સિક્સર ફટકારી. છેલ્લી સાત ઓવરમાં બંનેએ મળીને કુલ 101 રન કર્યા.

ઓપનિંગમાં ઊતરેલા રૉબિન ઉથ્થપાએ 50 બૉલમાં 88 રન અને શિવમ દુબેએ 46 બૉલમાં 95 કર્યા. ચેન્નઈએ આરસીબીને જીતવા માટે 217 રનનો ટાર્ગેટ આપ્યો.

line

બૉલરો બાદ આરસીબીના બૅટરો પણ ના ચાલ્યા

માત્ર 50 રનના સ્કોર પર આરસીબીએ પોતાના ચાર ધુરંધર બૅટરો ગુમાવી દીધા હતા

ઇમેજ સ્રોત, BCCI/IPL

ઇમેજ કૅપ્શન, માત્ર 50 રનના સ્કોર પર આરસીબીએ પોતાના ચાર ધુરંધર બૅટરો ગુમાવી દીધા હતા

217ના લક્ષ્યાંકને પાર કરવા ઊતરેલી આરસીબીને એક સારી શરૂઆત અપાવવાની જવાબદારી ઓપનર અનુજ રાવત અન ફાક ડુ પ્લેસી પર હતી. જોકે, ચેન્નઈની બૉલિંગ સામે તે ટકી શક્યા નહીં અને આરસીબીની નબળી શરૂઆત થઈ.

માત્ર 50 રનના સ્કોર પર આરસીબીએ પોતાના ચાર ધુરંધર બૅટરો ગુમાવી દીધા હતા. વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત અને ફાક ડુ પ્લેસીને સીએસકેના બૉલરોએ પેવેલિયન ભેગા કરી દીધા હતા.

જોકે, ત્યાર બાદ ફરી મૅચ રોમાંચક બની જ્યારે શાહબાઝ અહમદ, સુયશ પ્રભુદેસાઈ અને દિનેશ કાર્તિકે મળીને કુલ 109 રન બનાવ્યા.

જોકે, દિનેશ કાર્તિકના આઉટ થયા બાદ બાકીના બૅટરો લક્ષ્યાંક સુધી પહોંચી શક્યા નહીં અને આખરે સીએસકે સામે આરસીબી 23 રનથી હારી ગઈ.

રવીન્દ્ર જાડેજાએ પ્રથમ જીત બાદ ધોની વિશે શું કહ્યું?

જીત બાદ સીએસકેના કૅપ્ટન રવીન્દ્ર જાડેજાએ ટીમ મૅનેજમૅન્ટ અને મહેન્દ્ર સિંહ ધોનીનો પોતાની સ્પીચમાં ખાસ ઉલ્લેખ કર્યો

ઇમેજ સ્રોત, BCCI/IPL

ઇમેજ કૅપ્શન, જીત બાદ સીએસકેના કૅપ્ટન રવીન્દ્ર જાડેજાએ ટીમ મૅનેજમૅન્ટ અને મહેન્દ્ર સિંહ ધોનીનો પોતાની સ્પીચમાં ખાસ ઉલ્લેખ કર્યો

જીત બાદ સીએસકેના કૅપ્ટન રવીન્દ્ર જાડેજાએ ટીમ મૅનેજમૅન્ટ અને મહેન્દ્રસિંહ ધોનીનો પોતાની સ્પીચમાં ખાસ ઉલ્લેખ કર્યો.

જાડેજાએ કહ્યું કે, "સૌથી પહેલાં કૅપ્ટનના રૂપમાં આ પ્રથમ જીત છે. એક ટીમ તરીકે આજે અમે સારી ક્રિકેટ રમી. રૉબિન અને શિવમે શાનદાર બૅટિંગ કરી. બૉલરોએ પણ યોગદાન આપ્યું. અમારા મૅનેજમૅન્ટે મારા પર દબાણ નહોતું મૂક્યું. તે શાંત છે. તે હંમેશાં મારી પાસે આવે છે અને પ્રેરણા આપે છે. એક કૅપ્ટન તરીકે હું હજી પણ સિનિયર ખેલાડીઓ પાસેથી સલાહ લઉં છું."

"હું હંમેશાં માહીભાઈ સાથે ચર્ચા કરું છું. એક નવી ભૂમિકામાં ઢળતાં અને બાબતોને આગળ વધારતાં સમય લાગશે. હું હજી પણ શીખી રહ્યો છું અને દરેક ગેઇમ બાદ સારું કરવાની કોશિશ કરું છું. અમારા ડ્રેસિંગ રૂમમાં ખૂબ અનુભવ છે. અનુભવ કામ આવે છે. અમે જલદી ગભરાતા નથી. અમે ખુદને શાંત રાખવાની કોશિશ કરીએ છીએ અને હકારાત્મક ક્રિકેટ રમવા માગીએ છીએ. અમે ભારે મહેનત કરવાની કોશિશ કરીશું. અમને જે મોમેન્ટમ મળ્યું છે. અમે કોશિશ કરીશું કે આ ગતિને આગળ વધારીશું."

ચેન્નઈનો મુકાબલો હવે 17 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ સાથે થશે અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો દિલ્હી કૅપિટલ્સ સામે 16 એપ્રિલના રોજ થશે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો