અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવતા મહિને ગુજરાત આવશે - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પંજાબમાં ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી અંગે તૈયારી કરી રહી છે. ચૂંટણી આવતી હોવાથી એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની મુલાકાત લેશે.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન

ઇમેજ સ્રોત, NARINDER NANU/Getty Images

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંહે જણાવ્યું હતું કે 12થી 16 માર્ચ સુધી પાર્ટી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ત્રિરંગાયાત્રાનું આયોજન કરશે. યાત્રામાં દિલ્હીના ધારાસભ્યો પણ ભાગ લેશે.

એ પહેલાં ગોપાલ ઇટાલિયા સહિતના ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા પંજાબ જઈ શકે છે.

પંજાબના મુખ્ય મંત્રીના શપથગ્રહણ સમારોહમાં ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સહિત આપના અન્ય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

line

ગુજરાતમાં બળાત્કારના દરરોજ પાંચ કેસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, coldsnowstorm/Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ગુજરાત રાજ્યમાં 2020 અને 2021માં દરરોજ બળાત્કારના સરેરાશ પાંચ કેસ નોંધાયા હતા. બે વર્ષમાં બળાત્કારના કુલ 3,796 અને સામૂહિક બળાત્કારના 61 ગુના નોંધાયા હતા.

અમદાવાદ શહેરમાં 614 બળાત્કાર અને 15 સામૂહિક બળાત્કારના કેસો નોંધાયા હતા, જ્યારે જિલ્લામાં સમાન સમયગાળામાં બળાત્કારના 115 અને સામૂહિક બળાત્કારનો એક કેસ નોંધાયો હતો.

રાજ્ય સરકારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં બળાત્કારના 729 અને સામૂહિક બળાત્કારના 16 કેસ નોંધાયા છે.

ત્યારબાદ સુરતમાં 508 બળાત્કાર અને પાંચ સામૂહિક બળાત્કારના કેસો અને વડોદરા 183 બળાત્કાર અને 4 સામૂહિક બળાત્કારના કેસો નોંધાયા છે.

સરકારે એમ પણ જણાવ્યું હતુ કે બળાત્કારના આરોપ સબબ 203 લોકોની ધરપકડ કરવાની બાકી છે. તેમજ સંબંધિત પ્રશ્નના જવાબમાં, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 2020માં ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાના 8,028 કેસ નોંધાયા છે.

line

ગુજરાતમાં RSSએ પ્રદર્શનમાંથી ઝીણાની તસવીર હઠાવી

મહમદઅલી ઝીણા

ઇમેજ સ્રોત, Douglas Miller/Getty Images

ઇમેજ કૅપ્શન, મહમદઅલી ઝીણા

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અમદાવાદમાં શુક્રવારથી ત્રણ દિવસ માટે 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'નું આયોજન કરવામાં આવ્યું છે.

સભાસ્થળ પર રાખવામાં આવેલી એક પ્રદર્શનીમાં જુદાજુદા ક્ષેત્રોમાં નામના મેળવનારા 200 જેટલા ગુજરાતીઓની તસવીરો રાખવામાં આવી છે.

આ ખ્યાતનામ લોકોમાં વિક્રમ સારાભાઈ, અઝીમ પ્રેમજી, વિનુ માંકડ, પરવીન બાબી, સંજીવ કુમાર અને ડિમ્પલ કાપડિયાનો પણ સમાવેશ થાય છે.

જોકે, તેમાં મહમદઅલી ઝીણાનું નામ પણ હતું. જે બાદમાં હઠાવી લેવામાં આવ્યું છે.

મહમદઅલી ઝીણાનો પરિવાર મૂળે રાજકોટનો વતની હતો. પ્રદર્શનીમાં નામ સાથે તેમના પરિચયમાં 'પહેલાં ચુસ્ત રાષ્ટ્રભક્ત, પછીથી ભારતના ધર્મઆધારિત ભાગલા કરાવનાર બૅરિસ્ટર' લખવામાં આવ્યું હતું.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો