You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહે જાટોને કહ્યું- 'નારાજ હોવ તો બાલિયાન સાથે મારા ઘરે આવી જાવ'- પ્રેસ રિવ્યૂ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે, તેમ ભાજપ સત્તામાં રહેવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.
બુધવારે ભાજપે જાટોને વિશ્વાસમાં લેવાની કોશિશ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શેરડીની ચુકવણી સમયસર કરવા, નોકરીઓમાં અનામત અને ચૂંટણી બાદ રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધન માટે દરવાજા ખુલ્લા રાખવાની વાત કરી હતી.
અંગ્રેજી અખબાર ધ હિન્દુ અનુસાર, ભાજપ સાંસદ પરવેશ સાહિબસિંહ વર્માના નવી દિલ્હીસ્થિત આવાસ પર પંચાયત અને જિલ્લાસ્તરના અંદાજે 200 પ્રભાવી જાટ નેતાઓની બેઠક થઈ હતી.
આ બેઠકમાં અમિત શાહે કહ્યું કે "જાટોનો ભાજપ પ્રત્યેનો પ્રેમ કોઈ નવી વાત નથી."
તેમણે કહ્યું કે જાટોએ 650 વર્ષ સુધી મુઘલો સાથે લડાઈ લડી અને ભાજપ પણ દેશવિરોધીઓ સામે લડી રહ્યો છે.
ધ હિન્દુના રિપોર્ટ અનુસાર, "અમિત શાહે કહ્યું કે જયંત ચૌધરી ખોટી સંગતમાં ચાલ્યા ગયા છે, પરંતુ ચૂંટણી બાદ બંનેના સાથે આવવાની શક્યતા ખતમ થઈ નથી. સમાજના લોકો તેમને સમજાવે."
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોકદળ પ્રમુખ જયંત ચૌધરીએ સમાજવાદી પાર્ટી સાથે ચૂંટણી ગઠબંધન કર્યું છે.
ગુલામ નબી આઝાદને પદ્મ સન્માન મળતાં કૉંગ્રેસમાં કંકાસ?
હિંદી અખબાર 'દૈનિક જાગરણ'ના પ્રથમ પાને સમાચાર છપાયા છે કે પદ્મ સન્માનના મામલે કૉંગ્રેસની અંદર કંકાસ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાગરણે પોતાના સમાચારમાં લખ્યું છે, "કૉંગ્રેસની આંતરિક લડાઈ દિવસેને દિવસે મોટી થઈ રહી છે. કૉંગ્રેસની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવી રહેલા સૌથી વરિષ્ઠ નેતાઓમાં સામેલ ગુલામ નબી આઝાદને અપાયેલું પદ્મભૂષણ સન્માન પક્ષને પસંદ નથી આવ્યું."
અખબાર લખે છે, "'ટીમ રાહુલ'ના રણનીતિકાર ગણાતા જયરામ રમેશે તેમના પર પરોક્ષ રીતે 'ગુલામ' હોવાનો કટાક્ષ કર્યો છે. નારાજ નેતાઓમાં સામેલ કપિલ સિબ્બલે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે 'જેની સિદ્ધિઓ અને યોગદાનને દેશ માન્યતા આપી રહ્યો છે, પાર્ટીમાં એની કોઈ જરૂર નથી.'
આનંદ શર્મા પણ આઝાદ સાથે ઊભેલા જોવા મળે છે. અત્યાર સુધી માત્ર ત્રણ કૉંગ્રેસી નેતાઓએ જ ગુલામ નબી આઝાદને શુભેચ્છા પાઠવી છે.
આ દરમિયાન શશી થરૂરે લખ્યું છે, 'બીજા પક્ષની સરકારે પણ તમારી સિદ્ધિઓને ઓળખી અને સન્માનિત કર્યા એ બદલ શુભેચ્છા.'
'વાંચે ગુજરાત' અભિયાનનાં પ્રણેતા મહાદેવ દેસાઈનું હાર્ટઍટેકથી નિધન
ગુજરાતના લોકોની વાંચનમાં રુચિ વધે તે માટે 'વાંચે ગુજરાત' અભિયાનનો આરંભ કરનારા મહાદેવ દેસાઈનું 67 વર્ષની ઉંમરે તેમના વતન નવસારીમાં હાર્ટઍટેકથી નિધન થયું છે.
પરિવારનાં સૂત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેમના નાના પુત્ર કર્ણ દેસાઈ અમેરિકાથી પાછા આવે તે બાદ શુક્રવારે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મહાદેવ દેસાઈના 'વાંચે ગુજરાત' અભિયાનની પ્રશંષા કરવામાં આવી હતી.
તેઓ નવસારી ખાતે સયાજી વૈભવ પબ્લિક લાયબ્રેરીના પ્રમુખ હતા.
'સાચા ગાંધિયન' તરીકેની ઓળખ ધરાવતા મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમની નૅશનલ અને ઍક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય પણ હતા.
મહાદેવ દેસાઈ આર્કિટેક્ચર એન્જિનિયર હતા. તેમનાં પત્ની ડૉ. અંજના દેસાઈ ગાયનેકૉલૉજિસ્ટ છે અને નવસારીમાં હૉસ્પિટલ ધરાવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો