પાકિસ્તાનમાં હિમવર્ષા : વર્ષો બાદ ભારે હિમવર્ષા, 21થી વધુ લોકોનાં મૃત્યુ - BBC TOP NEWS
પાકિસ્તાનનાં રાહત અને બચાવકાર્ય વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે દેશનાં મરી અને પંજાબ પ્રાંતની આસપાસ થયેલી ભારે હિમવર્ષાનાં કારણે 21થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

ઇમેજ સ્રોત, Punjab police, Pakistan
ઇસ્લામાબાદથી બીબીસીના સંવાદદાતા શુમાયલા જાફરીનાં જણાવ્યા પ્રમાણે, મરી હિલ સ્ટેશનને 'પહાડોની રાણી' કહેવામાં આવે છે અને શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓની અવરજવર રહે છે.
ત્યાં થયેલી હિમવર્ષાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો છે અને હજારો લોકોને કડકડતી ઠંડીમાં રસ્તા પર જ રાત વિતાવવાનો વારો આવ્યો છે.

ઇમેજ સ્રોત, Punjab police, Pakistan
હાલમાં આ વિસ્તારમાં સહેલાણીઓના જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. સરકારે ઇસ્લામાબાદ-મરી રાષ્ટ્રીય હાઈવે બંધ કર્યો છે અને મરી અને આસપાસનાં જિલ્લામાં ઇમરજન્સી લાદી દીધી છે.
રાહત અને બચાવ માટે તંત્ર દ્વારા સેના અને અર્ધસૈન્ય બળોની મદદ લેવામાં આવી રહી છે.

ઇમેજ સ્રોત, PAkistan-Punjab Police
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદે કહ્યું કે,"15થી 20 વર્ષ બાદ મોટી સંખ્યામાં સહેલાણીઓ મરી તરફ ગયા, જેના કારણે મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જાઈ છે. આ કારણથી એ તરફ જતા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. હાલમાં ત્યાં હજારો ગાડીઓ રસ્તા પર ફસાયેલી છે. અમે તે ગાડીઓ નીકળી શકે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે."
"હાલમાં માત્ર જીવનજરૂરિયાત માટેનો સામાન અને રાહત કાર્ય માટે જતી ગાડીઓને જ ત્યાં જવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે."
તેમણે વધુમાં કહ્યું કે,"રસ્તાઓ કાલે સાંજ સુધી બંધ રહેશે, અમે પગપાળા જનારા લોકો માટે પણ રસ્તો બંધ કરી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

દુનિયામાં કોરોનાના કેસ 300 મિલિયનને પાર, યુએસ રેકૉર્ડ તોડવા તરફ

ઇમેજ સ્રોત, Francine Orr
ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, વૈશ્વિક કોરોના વાઇરસના કેસ 300 મિલિયન પર પહોંચી ગયા છે.
દુનિયામાં પ્રથમ 100 મિલિયન કોરોના વાઇરસના કેસ નોંધવામાં એક વર્ષથી વધુ સમય લાગ્યો હતો, જ્યારે તે પછીના 100 મિલિયન કેસમાં પહેલાં કરતાં અડધો સમય લાગ્યો હતો.
ત્રીજા 100 મિલિયન કેસ એનાથી પણ ઓછા સમયમાં માત્ર પાંચ મહિનામાં નોંધાયા છે.
સમાચાર સંસ્થા રૉઇટર્સ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં ગુરુવારે 662,000 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે યુએસમાં અત્યાર સુધીનો ચોથો સૌથી વધુ દૈનિક રેકૉર્ડ છે.
નવા કેસોની સાત દિવસની સરેરાશ સતત 10મા દિવસે 5,97,000 છે જે એક રેકૉર્ડ છે. જ્યારે કોવિડ હૉસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા લગભગ 123,000 સુધી પહોંચી છે અને તે ગયા વર્ષના રેકૉર્ડ 132,000થી નજીક પહોંચી ગઈ છે.
યુએસ માટે આશ્વાસન લેવા જેવી બાબત એ છે કે દૈનિક મૃત્યુઆંક 14,00ની આસપાસ સ્થિર છે જે ગયા વર્ષના રેકૉર્ડ સંખ્યા કરતાં ઘણો નીચો છે.

ઈટાલીથી અમૃતસરની ફ્લાઇટમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પૉઝિટિવ

ભારતીય અધિકારીઓના જણાવ્યા મુંજબ, છેલ્લા બે દિવસમાં બીજી વખત ઈટાલીથી ભારત આવી રહેલી ફ્લાઇટમાં મોટા ભાગના પ્રવાસીઓ કોવિડ પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
શુક્રવારે રોમથી અમૃતસરની ફ્લાઈટના 285માંથી 173 પ્રવાસીઓના કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવ્યા છે.
અમૃતસર ઍરપૉર્ટના ડાયરેક્ટર વીકે સેઠે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે રોમથી ભારતની આ ચાર્ટર્ડ ફ્લાઈટમાં કુલ 290 મુસાફરો હતા. બાળકોને બાદ કરતા 285 પ્રવાસીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 173ના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સ્થાનિક આરોગ્ય અધિકારીઓના કહેવા મુંજબ, આ પ્રવાસીઓને હાલમાં તેમના સંબંધિત જિલ્લામાં ક્વૉરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
આ પહેલાં બુધવારે મિલાનથી અમૃતસર આવતી ફ્લાઈટમાં સોથી વધુ મુસાફરો કોવિડ પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
એ ફ્લાઇટના હૉસ્પિટલ લઈ જવામાં આવેલા પૉઝિટિવ પ્રવાસીઓ પૈકી 13 ક્વૉરેન્ટીનમાંથી છટકી ગયા હતા. જેમની સામે પોલીસે ફરિયાદ નોંધવાની વાત કરી હતી.

અમદાવાદ મહાનગરપાલિકા સાત અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલશે

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, અમદાવાદમાં એએમસી સ્કૂલ બોર્ડે શુક્રવારે પ્રાથમિક શિક્ષણ માટેનું વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કર્યું હતું.
887 કરોડ રૂપિયાની જોગવાઈ સાથેના આ બજેટમાં શહેરમાં સાત નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ અંગ્રેજી માધ્યમની શાળાઓ શહેરના જોધપુર, અસારવા, સરખેજ, દેવનગર, મણિનગર, મોટેરા અને નવા વણજારવાડમાં ખોલવામાં આવશે.
બોર્ડ છ વર્તમાન શાળાઓને મૉડલ શાળાઓમાં અપગ્રેડ કરશે, જેમાં નવા નરોડા, થલતેજ, શીલજ, સરસપુર, મેમનગર અને એલિસબ્રિજની શાળાઓનો સમાવેશ થાય છે.
એએમસી અધિકારીના કહેવા પ્રમાણે, આ વર્ષે બોર્ડ શાળાઓને અપગ્રેડ કરવા માટે પાછળ 35 કરોડ અને નવી શાળાઓ ઊભી કરવા પાછળ 31 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

કઝાકિસ્તાનમાં પ્રદર્શનકારીઓ પર 'દેખો ત્યાં ઠાર'ના આદેશ

ઇમેજ સ્રોત, Reuters
કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ સામે સુરક્ષાદળોને 'દેખો ત્યાં ઠાર' કરવાના આદેશ આપ્યા છે.
કઝાકિસ્તાનમાં ઘણા દિવસોથી દેખાવો થઈ રહ્યા હતા, પરંતુ ગુરુવારે દેશના સૌથી મોટા શહેર અલ્માટીની શેરીઓમાં હિંસા ફાટી નીકળી હતી.
હિંસક વિરોધને ડામવા રશિયન આર્મીને બોલાવવામાં આવી છે.
અધિકારીઓનું કહેવું છે કે હિંસામાં 26 લોકો માર્યા ગયા છે. અત્યાર સુધીમાં 3000 લોકોની અટકાયત કરવામાં આવી છે.
- 'મારી બહેનના માથા પર પગ મૂકીને છરીથી માથું વાઢી નાખ્યું', 10 વર્ષ પહેલાં આઝાદ થયેલા દેશની હિંસક કહાણી
- એ દેશ જ્યાં પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં રમખાણો થયાં, વિદેશથી બોલાવવી પડી સેના
- પીએમની સુરક્ષામાં 15 મિનિટની પણ ચૂક મોટી વાત કેમ છે?
- પેપર લીકનો મામલો ઈસુદાન ગઢવીએ દારૂ પીધો કે નહીં એ વિષયમાં કેમ ફેરવાઈ ગયો?


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















