રાજસ્થાનમાં કૉંગ્રેસના તમામ મંત્રીઓનાં રાજીનામાં, ગુજરાત જેવું થશે? TOP NEWS
રાજસ્થાન કૉંગ્રેસમાં છેલ્લા એક વર્ષથી મંત્રીમંડળમાં ફેરફારને લઈને ચાલી રહેલી અટકળો પર અંતે વિરામ લાગ્યો છે.
સમાચાર સંસ્થાઓ પ્રમાણે રાજસ્થાનમાં સરકારના તમામ મંત્રીઓએ રાજીનામાં ધરી દીધાં છે.
બીબીસી હિન્દી માટે લખતા મોહરસિંહ મીણા અનુસાર, કૉંગ્રેસમાં 'એક વ્યક્તિ એક પદ' અંતર્ગત શનિવારે પહેલાં રાજ્યના ચિકિત્સામંત્રી ડૉ. રઘુ શર્મા, શિક્ષણમંત્રી ગોવિંદસિંહ ડોટાસરા અને મહેસૂલમંત્રી હરીશ ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં જ રઘુ શર્માને ગુજરાત પ્રભારી અને હરીશ ચૌધરીને પંજાબ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ગોવિંદસિંહ ડોટાસર પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ છે. આથી આ ત્રણેય મંત્રીઓએ રાજીનામાં આપ્યાં છે.
રાજસ્થાન પ્રભારી અજય માકન શુક્રવારના રોજ જયપુર પહોંચ્યા હતા, જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મંત્રીઓનાં રાજીનામાંની જાણકારી આપી હતી.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં ફરી એક વાર થયેલો વધારો રાજ્ય માટે ચિંતાનું કારણ બની શકે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગત 17 નવેમ્બર બુધવારના રોજ ગુજરાતમાં કોરોનાના 54 નવા કેસ નોંધાયા હતા. જે વીતેલા 131 દિવસમાં સૌથી વધુ હતા.
આ અગાઉ રાજ્યમાં 10 જુલાઈ 2021ના રોજ 50થી વધારે કોરોના કેસ નોંધાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે ઍક્ટિવ કેસની વાત કરવામાં આવે તો બુધવારના દિવસે 291 દર્દીઓ નોંધાયા હતા. 114 દિવસ બાદ પ્રથમ વખત ઍક્ટિવ કેસનો 290થી ઉપર પહોંચ્યો છે.
દિવાળી બાદ પ્રથમ 2 અઠવાડિયાંમાં છેલ્લા મહિનાઓથી ધીમી પડેલી કોરોનાના કેસની ગતિ ફરી ઝડપી થતી હોય તેવું આંકડાઓ પરથી પ્રતીત થાય છે.
હાલમાં ગયેલા દિવાળી, નવરાત્રી અને જન્માષ્ટમી અને અન્ય નાનામોટા તહેવારોમાં મોટા પાયે લોકોની ભીડ બજારોમાં જોવા મળી હતી.
અગાઉ પણ આરોગ્ય નિષ્ણાતોએ તહેવારોમાં ઊમટેલી ભીડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ફરી રાજ્યમાં કોરોનાના કેસ વધે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

નક્સલીઓનું ભારત બંધ, ઝારખંડમાં રેલવે ટ્રૅક પર વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Ravi Prakash
બીબીસી હિન્દી માટે લખતા રવિ પ્રકાશ અનુસાર, સીપીઆઈ (માઓવાદી)ના ટોચના નેતા પ્રશાંત બોઝની ધરપકડના વિરોધમાં પાળેલા ભારત બંધ દરમિયાન નક્સલીઓએ 19 અને 20 નવેમ્બરની રાત્રે લગભગ 1 વાગ્યે ઝારખંડમાં રેલવે ટ્રૅક પર વિસ્ફોટ કર્યો હતો.
ટોરી-લાતેહાર સબ ડિવિઝનના રિચુઘુટા અને ડેમુ સ્ટેશનો વચ્ચેના રેલવે ટ્રૅક પર કરવામાં આવેલા વિસ્ફોટના કારણે ત્યાંથી પસાર થઈ રહેલી એક ટ્રૉલી ટ્રેક પરથી ઊતરી ગઈ હતી. વિસ્ફોટના કારણે ઑવરહેડ તાર પણ ક્ષતિગ્રસ્ત થયો હતો.
ધનબાદ રેલવે ડિવિઝનના અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
નક્સલીઓએ અપ-ડાઉન બન્ને તરફના રેલવે ટ્રૅક ઉડાવી દીધા છે, જેના કારણે રાંચી-ટોરી લોહરદગા પેસેન્જર ટ્રેન આજે માત્ર લોહરદગા સુધી જશે. તેનું પરિચાલન લોહરદગા અને ટોરી વચ્ચે રદ કરવામાં આવ્યું છે.
આ સિવાય ચક્રધરપુર રેલવે ડિવિઝનના લોટા પહાડ અને સોનુઆ સ્ટેશન વચ્ચે પણ નક્સલીઓએ રેલવે ટ્રેક પર વિસ્ફોટ કર્યો હતો. જેમાં કૉંક્રિટ સ્લપીરને નુકસાન પહોંચ્યું છે. તેનું સમારકામ ચાલી રહ્યું છે અને ચક્રધરપુર-રાઉરકેલા મેમુ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે.
પુણે- હાવડા આઝાદ હિન્દ એક્સપ્રેસને ચક્રધરપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.
સમરસત્તા એક્સપ્રેસ રાજખરસંવામાં, પોરબંદર- હાવડા એક્સપ્રેસને સોનુઆમાં અને પુરી-હરિદ્વાર ઉત્કલ એક્સપ્રેસને ગમ્હરિયા સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે આ એક બૉમ્બવિસ્ફોટ હતો. જોકે, દુર્ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું અને ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ક્રિપ્ટોકરન્સી પર ટૅક્સ લગાવી શકે છે સરકાર

ઇમેજ સ્રોત, Reuters
કેન્દ્ર સરકારના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, સરકાર ક્રિપ્ટોકરન્સીને ટૅક્સ હેઠળ લાવવા માટે આયકર નિયમોમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે અને કેટલાક ફેરફાર સાથે તેને આગામી બજેટમાં રજૂ પણ કરવામાં આવી શકે છે.
કેન્દ્રીય મહેસૂલ વિભાગના સચિવ તરુણ બજાજે કહ્યું કે, આયકરના સંદર્ભમાં કેટલાક લોકો પહેલેથી જ ક્રિપ્ટોકરન્સી દ્વારા થતી આવક પર ટૅક્સ ભરી રહ્યા છે અને જીએસટીના સંબંધમાં પણ કાયદો "બહુ સ્પષ્ટ" છે કે તેના પર પણ અન્ય સેવાઓની જેમ દર નક્કી કરવામાં આવશે.
તરુણ બજાજે પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "અમે આ અંગે નિર્ણય લઈશું. હું સમજું છું કે ઘણા બધા લોકો ક્રિપ્ટોકરન્સી પર ટૅક્સ ભરી રહ્યા છે, પરંતુ જ્યારે તેમાં વૃદ્ધિ થઈ રહી છે ત્યારે તેના માટે કાયદાઓમાં કોઈ ફેરફાર લાવવા કે કેમ? તે અંગે અમે વિચાર કરીશું. જોકે, આ બજેટની એક ગતિવિધિ રહેશે. બજેટ આવી રહ્યું છે. આપણે તેને સમયના આધારે જોવું પડશે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















