નાઇજીરિયામાં હથિયારબંધ જૂથનો બદલો લેવાની ઘટનામાં 200 લોકોનાં મોત- રિપોર્ટ BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયાનાં ઘણાં ગામોના સ્થાનિકોએ જણાવ્યું છે કે હથિચારબંધ જૂથ દ્વારા અંગત અદાવતમાં હુમલો કરતા 200 જેટલાં લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

આ હથિયારબંધ જૂથ જંગલમાં છુપાયેલું હતું ત્યારે તેમના પર સૈન્યદળો દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ ઘટનાની અદાવત રાખીને આ તેમણે ગામ પર હુમલો કર્યો હતો.

હથિયારબંધ હુમલાખોરોએ ગામને સળગાવી નાખ્યું હતું અને મૃતદેહોને વેરવિખેર કરી દીધા હતા. આ ઘટનામાં બચેલા લોકો ત્યારે જ ઘરે પાછા ફર્યા જ્યારે સેનાએ ગામ પર પરત કબજો મેળવી લીધો હતો.

ઝમફરા રાજ્યમાં સોમવારે સવારે કેટલાક હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં હથિયારબંધ જૂથનાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા.

છેલ્લાં બે વર્ષમાં આ વિસ્તારમાં અપહરણ અને હિંસાની ઘટનામાં ખૂબ વધારો જોવા મળ્યો છે.

સમાચાર એજન્સી રૉયટર્સે જણાવ્યું કે સેનાના આવ્યા પછી શનિવારે ગામના લોકોએ સાર્વજનિક રીતે મૃતકોને દફનાવ્યા હતા.

રૉયટર્સ અનુસાર, આ ઘટનામાં પોતાનાં પત્ની અને ત્રણ બાળકોને ગુમાવનાર ઉમ્મારુ મકેરીએ કહ્યું કે, અંદાજે 154 લોકોને દફનાવવામાં આવ્યા છે.

અન્ય એક ગ્રામવાસી ઈદી મૂસાએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે હુમલાખોરો પોતાની સાથે બે હજારથી વધુ ઢોર પણ લાવ્યા હતા.

કોરોનાની ત્રીજી લહેરની પીક 1થી 15 ફેબ્રુઆરી વચ્ચે આવી શકે

ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણના કેસ સતત એક લાખને પાર કરી રહ્યા છે. 8 જાન્યુઆરીએ દેશમાં કોરોના સંક્રમણના દોઢ લાખથી વધુ કેસ નોંધાયા હતા.

હિન્દી દૈનિક હિંદુસ્તાન સમાચાર અનુસાર, કોવિડ-19ના ફેલાવાને દર્શાવતા આર-ફેક્ટર અથવા આર-વેલ્યુ આ અઠવાડિયે ચાર નોંધવામાં આવ્યા છે. જે સંકેત આપે છે કે ચેપના ફેલાવાનો દર ઘણો ઊંચો છે.

આર-ફેક્ટર જણાવે છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ કેટલા લોકોને ચેપ લગાવી શકે છે. જો આ ફેક્ટર ઘટીને એક થઈ જાય તો આ મહામારીનો અંત માનવામાં આવશે.

આઈઆઈટી મદ્રાસના પ્રારંભિક વિશ્લેષણમાં ત્રીજી લહેરની ટોચ 1થી 15 ફેબ્રુઆરીની વચ્ચે આવવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

આઈઆઈટી મદ્રાસ દ્વારા કમ્પ્યુટેશનલ મૉડલિંગના પ્રારંભિક વિશ્લેષણના આધારે રાષ્ટ્રીય સ્તરે ગયા અઠવાડિયાનું આર-ફેક્ટર 2.9ની આસપાસ હતું. આ અઠવાડિયે આ સંખ્યા 4 નોંધાઈ છે.

અખબાર અનુસાર, દિલ્હીમાં આર-વેલ્યૂ 4.35, બિહારમાં 4.55, ઝારખંડમાં 5.0 અને ઉત્તરપ્રદેશમાં 3.32 છે.

સાઉદી અરેબિયાનાં રાજકુમારી ત્રણ વર્ષ બાદ જેલમુક્ત

સાઉદી અરેબિયાનાં રાજકુમારી બસમા બિન્ત અને તેમનાં પુત્રીને લગભગ ત્રણ વર્ષના જેલવાસ બાદ આખરે મુક્ત કરવામાં આવ્યાં છે. તેમની મુક્તિ માટે અભિયાન ચલાવી રહેલા લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે.

રાજકુમારી બસમા બિન્ત સઉદ સારવાર માટે સ્વિટ્ઝર્લૅન્ડ જવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે માર્ચ 2019માં તેમની અટકાયત કરાઈ હતી.

તેમની ધરપકડ પાછળનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. તેમની અને તેમની પુત્રી સુહુદ સામે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો ન હતો.

ઘણા લોકોનું અનુમાન હતું કે આ કદાચ માનવતાવાદી મુદ્દાઓ અને બંધારણીય સુધારા માટેના તેમના લોબીંગને કારણે આમ થયું હોઈ શકે.

તેમના ઘણા સમર્થકોનું કહેવું છે કે તે ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફ સાથેના તેમના નજીકના સંબંધોને કારણે તેમને જેલવાસ મળ્યો હતો. એવા અહેવાલો છે કે નાયેફ પણ નજરકેદ છે.

ગુજરાત સરકારે 3 શહેરમાં 6 ટીપીને મંજૂરી આપી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એક પ્રાથમિક ટીપી અને બે ફાઇનલ ટીપી સ્કીમ, સુરતમાં એક પ્રાથમિક ટીપી સ્કીમ અને એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરામાં એક ડ્રાફ્ટ ટીપીને મંજૂરી આપી છે અને તેમાં 22.18 હેક્ટર જમીન છે.

મુખ્ય મંત્રીએ મંજૂરી આપેલી ત્રણ ફાઇનલ ટીપી સ્કીમમાં સુરતના સિંગણપોરની ટીપી સ્કીમ નંબર 26 અને અમદાવાદની સાણંદ વિસ્તારની ટીપી સ્કીમ નંબર 4-એ તેમજ હાથીજણ-રોપાડાની ટીપી સ્કીમ નંબર 94નો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ઔડા હેઠળના ગોધાવી- મણિપુરને સમાવતી 55.47 હેક્ટર વિસ્તારની ટીપી સ્કીમ નંબર 429 અને સુરત મહાનગરપાલિકાની વાડોદની 15.83 હેક્ટર વિસ્તારની ટીપી સ્કીમ નંબર 71ને પ્રાથમિક ટીપી તરીકે માન્યતા આપવામાં આવી છે.

વડોદરાના ઉંડેરા-આંકોડિયાને સમાવતી 22.18 હેક્ટર વિસ્તારને સમાવતી ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 43ને મંજૂરી આપવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો