You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs PAK : રવિવારની ભારત સામેની ટી20 મૅચ માટે પાકિસ્તાનની ટીમ જાહેર - TOP NEWS
ભારત-પાકિસ્તાનની વચ્ચે રવિવારે યોજાનારી વર્લ્ડ ટી-20 મૅચ માટે પાકિસ્તાને ટીમની જાહેરાત કરી દીધી છે.
બાબર આઝમની કપ્તાનીમાં 12 ખેલાડીઓનાં નામ જાહેર કરાયાં છે.
- બાબર આઝમ (કૅપ્ટન)
- મહંમદ રિઝવાન
- ફખર ઝમાન
- મહંમદ હાફીઝ
- શોએબ મલિક
- આસિફ અલી
- ઇમાદ વસીમ
- શાદાબ ખાન
- શાહીન આફરીદી
- હસન અલી
- હરીસ રઉફ
- હૈદર અલી
વર્લ્ડ ટી20 2021ના સુપર-12 રાઉન્ડમાં બંને ટીમોનો આ પહેલો મુકાબલો છે.
અત્યાર સુધી આ બંને ટીમ વચ્ચે પાંચ ટી-20 મૅચ રમાઈ છે અને તમામમાં ભારતની જીત થઈ છે.
ગુજરાતના ખેડૂતોની વીજકાપની ફરિયાદ, ઊર્જામંત્રીએ શું આપ્યું કારણ?
ગુજરાતના વિવિધ વિસ્તારમાં ખેડૂતો દાવો કરી રહ્યા છે કે છેલ્લાં કેટલાંક સપ્તાહથી વીજકાપ નિયમિત બની ગયો છે.
'ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે ખેડૂતો વીજકાપની ફરિયાદ કરી રહ્યા છે ત્યારે, ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ શુક્રવારે જણાવ્યું હતું કે કટોકટી મુખ્યત્વે કોલસાના પુરવઠાના કારણે છે અને આગામી 15 દિવસમાં પિરિસ્થિતિ સામાન્ય થઈ જશે.
વિવિધ કારણોથી કોલસાની અછત હોવાનું સ્વીકારતાં કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાત અન્ય રાજ્યો કરતાં સારી સ્થિતિમાં છે.
તેમણે વાપીમાં પત્રકારોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, "વિશ્વભરમાં કોલસાની અછત છે કેમ કે વરસાદ અને પૂરના કારણે કોલસાની ખાણોની કામગીરીને અસર થઈ છે. આ જળવાયુ પરિવર્તનના કારણે થઈ રહ્યું છે. કોલસાનો પુરવઠો ખોરવાઈ ગયો છે, પરંતુ, આ અસ્થાયી સમસ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેસાઈએ જણાવ્યું હતું કે, "આ સમસ્યાને દૂર કરવા માટે અમે રાત્રી દરમિયાન ખેડૂતોને વીજળી આપવાની યોજના બનાવી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે અમે આગામી 15 દિવસમાં આ કટોકટીમાંથી બહાર આવી જઈશું."
ભારત હાઇપરસોનિક મિસાઇલ બનાવી રહ્યું હોવાનો યુએસ રિપોર્ટમાં દાવો
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર એક સ્વતંત્ર કૉંગ્રેશનલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાઇપરસોનિક શસ્ત્રો વિકસાવી રહેલા કેટલાક દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
હાલમાં જ દાવો કરવામાં આવ્યો હતો કે ચીને તાજેતરમાં એક ન્યૂક્લિયર-સક્ષમ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.
'ધ ઇન્ડિપેન્ડન્ટ કૉંગ્રેશનલ રિસર્ચ સર્વિસ' (સીઆરએસ)એ આ સપ્તાહમાં એક રિપોર્ટમાં કહ્યું કે, "અમેરિકા, રશિયા અને ચીન પાસે સૌથી અદ્યતન હાઇપરસોનિક વૅપન પ્રોગ્રામ છે; તેમજ ઑસ્ટ્રેલિયા, ભારત, ફ્રાન્સ, જર્મની અને જાપાન સહિત અન્ય સંખ્યાબંધ દેશો પણ હાઇપરસોનિક વૅપન ટેકનૉલૉજી વિકસાવી રહ્યાં છે."
CRSએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતે આના માટે રશિયાની મદદ લીધી છે.
ભારતે મૅક 7 હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ 'બ્રહ્મોસ-।।' વિકસાવવા માટે રશિયા સાથે સહયોગ કર્યો છે.
CRSએ કહ્યું, "કથિત રીતે ભારત પોતાના હાઇપરસોનિક ટેકનૉલૉજી ડેમૉન્સ્ટ્રેટર વ્હીકલ પ્રોગ્રામના ભાગરૂપે એક સ્વદેશી હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ પણ વિકસાવી રહ્યું છે. તેણે જૂન 2019 તેમજ સપ્ટેમ્બર 2020માં મૅક 6 સ્ક્રેમજેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે."
ટી-20 વર્લ્ડ કપમાં નામિબિયાએ રચ્યો ઇતિહાસ, સુપર-12માં બનાવી જગ્યા
ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે શારજાહમાં રમાયેલી મૅચમાં નામીબિયાએ આયર્લૅન્ડને હરાવીને સુપર-12માં જગ્યા બનાવી લીધી હતી.
આયર્લૅન્ડ હવે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. આઈસીસી રૅન્કિંગમાં નામીબિયા 19મા અને આયર્લૅન્ડ 12મા સ્થાને છે.
62-0 સ્કોર પર રમી રહેલી આયર્લૅન્ડની ટીમના પોલ સ્ટર્લિંગના 38 રન બનાવી આઉટ થયા બાદ ઇનિંગના અંતે આઠ વિકેટે 125 રન બનાવી શકી હતી.
નામીબિયાના કૅપ્ટન જેરહાર્ડ ઇરેસમસના 53 રન અને ડેવી વાઇસીના 28 રનની પાર્ટનરશિપ મદદથી નામીબિયાએ 14 બૉલ બાકી રહેતા જીત મેળવી લીધી હતી.
આ પ્રથમ વખત છે, જ્યારે વિશ્વ રૅન્કિંગમાં સૌથી નીચેના સ્થાને રહેલું નામિબિયા મુખ્ય ડ્રોમાં પહોંચ્યું છે.
મૅચ બાદ આઈસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું કે, એ ક્ષણ જ્યારે ઇતિહાસ રચાયો.
ઉત્તરાખંડમાં મૃત્યાંક વધીને 67 થયો, 12 ટ્રેકર્સનાં મૃત્યુ
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ ખરાબ હવામાનથી પ્રભાવિત ઉત્તરાખંડમાં શુક્રવારે મૃત્યુ પામનારની સંખ્યા 67 પર પહોંચી હતી.
અધિકારીઓએ કહ્યું કે 12 ટ્રેકર્સનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ થઈ છે.
કપકોટ(બાગેશ્વર) અને સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટ પરિતોષ વર્માએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનના કારણે મૃતદેહને બહાર કાઢવા માટેની કામગીરી અટકાવવી પડી હતી.
મૃતકોમાં નવી દિલ્હીના એક મહિલા અને પશ્ચિમ બંગાળના નવ લોકો સામેલ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો