You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીને તાઇવાન પર હુમલો કર્યો તો અમેરિકા કરશે રક્ષણ : જો બાઇડન - TOP NEWS
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે જો ચીને તાઇવાન પર હુમલો કર્યો તો અમેરિકા તેનું રક્ષણ કરશે.
તેમનું આ નિવેદન ચીન-તાઇવાન સંબંધો પર દાયકાઓથી ચાલી રહેલી અમેરિકન નીતિથી વિપરીત છે.
અમેરિકામાં એક ઇવેન્ટ દરમિયાન જ્યારે રાષ્ટ્રપતિ બાઇડનને પૂછવામાં આવ્યું કે શું તેઓ તાઇવાન પર ચીનના હુમલાના સ્થિતિમાં તાઇવાનનું રક્ષણ કરશે? ત્યારે બાઇડનનો જવાબ હતો, "બિલકુલ, અમે આ કરવા માટે પ્રતિબદ્ધ છીએ."
જોકે, વ્હાઇટ હાઉસના એક પ્રવક્તાએ બાદમાં કેટલાક અમેરિકન મીડિયા આઉટલૅટને જણાવ્યું કે તેમની ટિપ્પણી નીતિમાં પરિવર્તનના સંકેત નથી.
બીજી બાજુ, તાઇવાને બાઇડનના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આનાથી ચીન સાથેના તેમના સંબંધોમાં કોઈ ફેર નહીં પડે.
આ વર્ષે અલંગ શિપયાર્ડમાં સૌથી વધ ક્રૂઝ શિપ સ્ક્રૅપ માટે કેમ આવ્યાં?
છેલ્લા 12 મહિનામાં ગુજરાતના અલંગ શિપયાર્ડમાં કૂલ 14 ક્રૂઝ શિપ સ્ક્રૅપ માટે આવ્યાં છે. અત્યાર સુધી એક વર્ષમાં આવેલાં આ સર્વાધિક શિપ (જહાજ) છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર કોરોના મહામારી દરમિયાન સર્જાયેલી સ્થિતિને પગલે આટલી સંખ્યામાં જહાજો અહીં નિકાલ માટે આવ્યાં છે.
અહેવાલમાં અલંગ પૉર્ટના અધિકારી રાકેશ મિશ્રાને ટાંકીને કહેવાયું છે, "દર વર્ષે એક કે બે મુસાફર જહાજ અલંગ બંદરે આવે છે. જોકે છેલ્લા 12 મહિનામાં ક્રૂઝ શિપ મોટી સંખ્યામાં આવ્યાં છે. નવેમ્બર 2020થી ઑક્ટોબર 2021 વચ્ચે આવેલાં 14 મુસાફર જહાજો સર્વાધિક છે. સંખ્યા એટલી વધુ છે કે છેલ્લા 12 મહિનામાં અલંગ બંદરે લંગારેલાં 150 જહાજોમાંથી 10 ટકા ક્રૂઝ શિપ રહ્યાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્રે નોંધવું કે 2011થી 2020 સુધીમાં જેટલાં ક્રૂઝ શિપ સ્ક્રૅપ માટે આવ્યાં તેટલાં ક્રૂઝ શિપ માત્ર છેલ્લા 12 મહિનામાં આવ્યાં છે.
પશ્ચિમ બંગાળમાંથી જિલેટિન સ્ટિક અને ડિટોનેટરના મોટા જથ્થા સાથે ટ્રક ઝડપાઈ
પશ્ચિમ બંગાળમાં પોલીસને ચૅકિંગ દરમિયાન એક ટ્રકમાંથી 5500 જિલેટિન સ્ટિક અને 2300 ડિટોનેટર મળી આવ્યાં હતાં.
સમાચાર સંસ્થા 'એએનઆઈ' અનુસાર પોલીસે આટલા મોટા પાયે વિસ્ફોટકો ક્યાં લઈ જવાઈ રહ્યા હતા તેની તપાસ શરૂ કરી છે.
આ મામલામાં કોઈ કાવતરું રચાયુ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે બુધવારની રાતે પોલીસને આ અંગે મળેલી બાતમી બાદ હાઈવે પર વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતું અને એક ટ્રકમાં પોલીસને વિસ્ફોટો મળી આવ્યા હતા.
બીજી તરફ ટ્રકચાલક અને ક્લીનર પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા.
ટેસ્લાએ ભારત સરકારને ટૅક્સ ઘટાડવા માટે વિનંતી કરી?
ટેસ્લાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ ભારતીય બજારમાં પ્રવેશે તે પહેલાં ઇલેક્ટ્રિક વાહનો પરના ટૅક્સમાં ઘટાડો કરવામાં આવે. જોકે તેની આ માગ સામે કેટલીક ભારતીય ઑટોમોબાઇલ કંપનીઓ વાંધો ઉઠાવી શકે છે.
'મિન્ટ' વેબસાઇટના અહેવાલ અનુસાર ટેસ્લા આ વર્ષે ભારતમાં તેની કારનું વેચાણ કરવા ઇચ્છુક છે, પરંતુ તે વેરામાં ઘટાડો ઇચ્છે છે. આ માટે લૉબિંગ પણ કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
ભારત 40 હજાર ડૉલર કે તેનાથી ઓછા મૂલ્યનાં ઇલેક્ટ્રિક વાહનો પર 60 ટકા આયાતજકાત વસૂલે છે. જ્યારે 40 હજાર ડૉલરથી વધારે કિંમતનાં ઇલેક્ટ્રિક વાહનો પર 100 ટકા ટૅક્સ વસૂલે છે.
પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે, ફરી આર્થિક ફટકો કેમ પડ્યો?
ફાયનાન્સિયલ ઍક્શન ટૉસ્ક ફૉર્સ(FATF)ની પેરિસમાં થયેલી ઑનલાઈન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવ્યું છે.
'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ મુજબ એક નિવેદનમાં FATFએ જણાવ્યું કે, "પાકિસ્તાની સરકાર આતંકવાદ સામે 34 સૂત્રના ઍજન્ડામાંથી 4 ઍજન્ડાને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે."
FATFએ એમ પણ ઉમેર્યું કે પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકવાદીઓ વિરૂદ્ધ કોઈ આકરી કાર્યવાહી નથી કરવામાં આવી.
બીજી તરફ FATFએ તુર્કીને લઈને પણ કડક ટિપ્પણી કરી છે. તેમણે તુર્કીને પણ આ યાદીમાં નાખી દીધું છે. જ્યારે બોત્સવાના અને મૉરેશિયસને તેમાંથી બહાર કાઢી લીધા છે.
પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહેવાથી તેની આર્થિક સ્થિતિ વધુ કથળી જશે. કેમ કે, પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, વિશ્વ બૅન્ક અને યુરોપીય સંઘથી આર્થિક મદદ મળવી પણ મુશ્કેલ થઈ જશે.
બીજા દેશો પાસેથી પણ પાકિસ્તાનને આર્થિક મદદ મળવાનું બંધ થઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો