કોરોનાકાળમાં એકસાથે નહીં 'તબક્કા વાર શાળાઓ ખોલવી જોઈએ' - ICMR

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)નું કહેવું છે કે શાળાઓને એકસાથે ખોલવાના બદલે તબક્કાવાર ખોલવી જોઈએ.

પોતાના તાજેતરના અભ્યાસના આધારે સંસ્થાએ આ વાત કહી છે.

હિંદી અખબાર 'દૈનિક જાગરણ'માં છપાયેલા રિપૉર્ટ મુજબ, ભારત તથા વિદેશમાં વૈજ્ઞાનિક તથ્યોના આધારે નિષ્ણાતોનું કહેવું છે કે શાળાઓમાં તપાસથી ચેપના પ્રસારને અટકાવી શકાય છે.

આ સિવાય શાળાના શિક્ષકો, અન્ય કર્મચારીઓ તથા બાળકોને લાવવા-મૂકવા સાથે સંકળાયેલા લોકોનું રસીકરણ થયું હોય તે જરૂરી છે.

આ સિવાય માસ્કનો પણ ઉપયોગ કરવો જોઈએ. રસીકરણથી ફેલાવાને અટકાવી નથી શકાતો, તે બાળકો તથા મોટાઓ માટે સમાનરૂપે સાચી છે.

અલગ-અલગ ઉપાયો સાથે શાળાઓને ખોલવામાં આવશે તો અભ્યાસની નિરંતરતા જળવાય રહેશે તથા વાલીઓમાં વિશ્વાસ ઊભો થશે કે બાળકો માટે શાળાઓ સલામત છે.

UNESCOના રિપૉર્ટ મુજબ, 500 દિવસ સુધી શાળાઓ બંધ રહેવાને કારણે ભારતના 32 કરોડ કરતાં વધુ બાળકોને અસર પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના વાઇરસના 18,795 કેસ નોંધાયા છે અને 179 લોકોનાં મોત થયાં છે.

11 માર્ચ બાદ દેશમાં પહેલી વાર એક દિવસમાં 20 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

આ દરમિયાન 26,030 દર્દીઓ સારવાર બાદ સાજા થયા અને આઈસીએમઆરના આંકડા અનુસાર, 13,21,780 સૅમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ સાથે જ ભારતમાં હવે કોવિડ-19 સંક્રમણના કુલ 3,36,97,581 કેસ થઈ ગયા છે, જેમાં 2,92,206 સક્રિય કેસ છે.

સંક્રમણને કારણે ભારતમાં અત્યાર સુધીમાં 4,47,272 લોકોનાં મોત થયાં છે અને 32,9,58,002 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં એક કરોડથી વધુ (1,02,22,525) લોકોને કોરોનાની રસી અપાઈ છે.

ગુજરાતમાં સંપૂર્ણ પરિવર્તન નવી ફિલોસૉફી

ભાજપશાસિત રાજ્યોમાં નેતૃત્વ પરિવર્તન નવી પેઢીના નેતાઓને તૈયાર કરવા માટે કરવામાં આવ્યું છે, જ્યારે ગુજરાત સરકારમાં સંપૂર્ણ પરિવર્તનનો નિર્ણય કેન્દ્રીય તથા રાજ્ય ભાજપ દ્વારા લેવામાં આવ્યો હતો.

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના કાર્યક્રમ આઇડિયા ઍક્સચેન્જમાં વાત કરતી વખતે કેન્દ્રીયમંત્રી તથા ભાજપના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતમાં જે કંઈ થયું તે 'નવી રાજકીય ફિલૉસૉફી' છે, જે અન્ય રાજકીય પક્ષો માટે નમૂનારૂપ છે અને તેનાથી લોકશાહી મજબૂત થાય છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતની તત્કાલીન સરકાર સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હોવાથી આમ કરવામાં આવ્યું હોવાનો તેમણે ઇન્કાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિજય રૂપાણીની જગ્યાએ હવે ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવાયા છે, તેમજ મંત્રીમંડળ પણ નવું રચવામાં આવ્યું છે.

મુંદ્રા ડ્રગ્સમાં CIAએ ટીપ આપી?

ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મુંદ્રા ખાતે ઝડપાયેલી ડ્રગ્સની ખેપના સંદર્ભમાં એક મોટો દાવો કર્યો છે.

સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું : "સતર્ક સરકારી એજન્સીઓ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સહમતી બાદ અદાણી પૉર્ટ પર રૂ. એક લાખ 80 હજાર કરોડની બજાર કિંમતના ડ્રગ્સની શોધ તથા જપ્તી શક્ય બની હતી. એક મિત્રરાષ્ટ્રની ભારતયાત્રા દરમિયાન આ અંગે ટીપ મળી હતી, જેઓ તાજેતરમાં ભારતની યાત્રાએ આવ્યા હતા."

સોશિયલ મીડિયા પર એવી અટકળો કરવામાં આવી રહી છે કે સ્વામીનો ઈશારો અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) તરફ હતો.

ઑગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના પતન તથા તાલિબાનોના આગમન બાદ સીઆઈએના વડાએ ભારતની મુલાકાત લીધી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો