ગુજરાતમાં હજુ વરસાદની આગાહી, રાજ્યમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો? TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં વરસાદ માટેના મહિના ગણાતા જૂન, જુલાઈ અને ઑગસ્ટમાં જેટલો વરસાદ નથી પડ્યો, લગભગ તેટલો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડી ગયો છે.

સપ્ટેમ્બર મહિનામાં 339 મીમી વરસાદ પડ્યો છે, આ પહેલાં જૂન મહિનામાં 120 મીમી, જુલાઈ મહિનામાં 177 મીમી તથા ઑગસ્ટ મહિનામાં 65 મીમી વરસાદ પડ્યો હતો.

હવામાનખાતા દ્વારા પહેલી ઑક્ટોબર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર, દીવ, દમણ તથા દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં સિઝનની કુલ સરેરાશના 84 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.

ગુજરાતમાં વ્યાપક વરસાદ

સોમવારે સવારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ઉત્તર ગુજરાતના મહેસાણા અને ડીસા ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરતમાં વરસાદ પડવાના અહેવાલ મળી રહ્યા છે.

વરસાદને કારણે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઉપરાંત શહેરમાં ઠેર-ઠેર જળભરાવના દૃશ્ય સર્જાયાં હતાં, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કૉંગ્રેસના સોશિયલ મીડિયા સેલના રાષ્ટ્રીય સંયોજક સરલ પટેલે આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું.

કચ્છમાં 88 ટકા, દક્ષિણ ગુજરાતમાં 83 ટકા, સૌરાષ્ટ્રમાં 93 ટકા વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં સિઝનની કુલ સરેરાશનો 68 ટકા, જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં સિઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતના ત્રણ તાલુકામાં 250 મીમી કરતાં ઓછો વરસાદ પડ્યો છે, જે ચિંતાજનક સ્થિતિ તરફ નિર્દેશ કરે છે.

ગત 24 કલાક દરમિયાન રાજ્યના 29 જિલ્લા તથા 147 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આ દરમિયાન હવામાનખાતા દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના બુલેટિન પ્રમાણે, અરબ સાગરના પૂર્વોત્તર ભાગમાં દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જે દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

આ સિવાય મધ્ય પ્રદેશમાં 4.5 કિમીની ઊંચાઈએ સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

બુધવારે સિસ્ટમ નબળી પડીને ગુજરાતના માર્ગે દેશમાંથી રવાના થશે, તેના અનુસંધાને રાજ્યને ઑરેન્જ ઍલર્ટ હેઠળ રાખવામાં આવ્યું છે. બુધવારે અન્ય સિસ્ટમ સાથે મળીને તે રાજ્યમાં ભારે વરસાદ લાવી શકે છે.

આ સિસ્ટમ બુધવારે સવારે ગુજરાત પહોંચશે અને ગુરૂવારે દરિયામાં સમાઈ જશે, તેવી આગાહી કરવામાં આવી છે.

જર્મન ચૂંટણીમાં મર્કેલના પક્ષને SPDએ મામૂલી અંતરથી હરાવ્યો, નવી સરકાર માટે ગઠબંધનની જરૂર

પ્રારંભિક પરિણામો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે જર્મનીના સેન્ટર-લેફ્ટ ડેમૉક્રેટિક (SPD) પક્ષે મામૂલી અંતરથી જર્મનીનાં ચાન્સેલર ઍંજેલા મર્કેલના પક્ષને દેશની સંઘીય ચૂંટણીમાં હરાવી દીધો છે.

SPDને 25.7 ટકા મત મળ્યા છે. બીજી તરફ શાસક પક્ષ કન્ઝર્વેટિવ ગંઠબંધન CDU/CSUને 24.1 ટકા મત મળ્યા છે.

ગ્રીન્સ પાર્ટીએ પોતાના ઇતિહાસમાં સૌથી મોટું પરિણામ હાંસલ કરતાં ત્રીજા સ્થાન પર કબજો કર્યો છે અને 14.8 ટકા મતો મેળવ્યા છે.

નવી સરકારની રચવા માટે ગઠબંધનની જરૂર પડશે.

જોકે, અહીં મહત્ત્વપૂર્ણ છે કે જ્યાં સુધી ગઠબંધનની રચના નથી થતી ત્યાં સુધી ચાન્સેલર મર્કેલ ક્યાંય નહીં જાય અને તેમણે નાતાલ સુધી રાહ જોવી પડશે. જોકે, તેઓ પહેલાંથી જ ચાન્સેલર ન બનવાની જાહેરાત કરી ચૂક્યાં છે.

જર્મનીના નવા ચાન્સેલર સામે યુરોપના સૌથી મોટા અર્થતંત્રને આગામી ચાર વર્ષમાં આગળ લઈ જવાનો પડકાર હશે.

આ ઉપરાંત જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા પણ સામે છે, જે મતદારોના ઍજન્ડામાં ટોચ પર હતા.

પાંચજન્યનું હવે એમેઝોન પર નિશાન, ગણાવી 'ઇસ્ટ ઇન્ડિયા કંપની 2.0'

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી પત્રિકા 'પાંચજન્ય'એ અમેરિકાની કંપની એમેઝોન ઉપર નિશાન સાધ્યું છે અને તેના પર કવરસ્ટોરી પણ કરી છે. અખબારે કંપનીને 'ઇસ્ટ ઇન્ડિયા કંપની 2.0' કહી છે.

પાંચજન્યના ઍડિટર હિતેશ શંકરે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની તસવીર કવરપેજ પર છાપી છે અને પૂછ્યું છે :

1. કંપની એવું તે શું કરે છે કે તેણે લાંચ દેવાની જરૂર પડે છે.

2. શા માટે લોકો આ કંપનીને દેશી ઉદ્યમતા, આર્થિક સ્વતંત્રતા તથા સંસ્કૃતિ માટે જોખમરૂપ માને છે.

આ સાથે હિતેશ શંકરે #LocalForVocalનો ઉપયોગ કર્યો હતો.

થોડા સમય પહેલાં એવા અહેવાલ આવ્યા હતા કે એમેઝોન દ્વારા દેશના કાનૂની પ્રતિનિધિઓને મોટા પાયે લાંચ આપવામાં આવી હતી અને કંપની દ્વારા તેની આંતરિક તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પાંચજન્ય દ્વારા ભારતની આઈટી કંપની ઇન્ફોસિસ પર નિશાન સાધવામાં આવ્યું હતું અને કોઈ પણ પુરાવા વગર તેને 'ટુકડે-ટુકડે ગૅંગ'ના ભાગરૂપ ગણાવવામાં આવી હતી.

આઈટી પૉર્ટલમાં આવતી ક્ષતિને લાંબા સમય સુધી દુરસ્ત નહીં કરી શકાતા કંપનીની ઝાટકણી કાઢવામાં આવી હતી.

બાદમાં સ્પષ્ટતા આપતા સંઘે કહ્યું હતું કે પાંચજન્ય સંગઠનનું મુખપત્ર નથી તથા દેશની ઉન્નતિમાં નારાયણ મૂર્તિનો હિસ્સો છે.

'એક વર્ષમાં માઓવાદ નાબૂદ થાય'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે નક્સલ પ્રભાવિત 10 રાજ્યોમાં સુરક્ષાસ્થિતિની સમીક્ષા કરી હતી અને ત્યાં ચાલી રહેલા વિકાસનાં કામોમાં થયેલી પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.

શાહે જણાવ્યું હતું કે નક્સલવાદ સામેની લડાઈ અંતિમ તથા નિર્ણાયક તબક્કામાં છે. તેમણે ઓડિશા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા અને બિહાર જેવાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

શાહે એક વર્ષમાં માઓવાદને નાથવાનું લક્ષ્યાંક મૂક્યું હતું. આ માટે કેન્દ્રીય તથા રાજ્યની એજન્સીઓ સાથે મળીને તે મુદ્દો પણ શાહે રજૂ કર્યો હતો.

આ બેઠકમાં નવીન પટનાયક, નીતીશકુમાર, ઉદ્ધવ ઠાકરે, શિવરાજસિંહ ચૌહાણ અને હેમંત સોરેન હાજર રહ્યા હતા.

જોકે, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી, આંધ્ર પ્રદેશના જગનમોહન રેડ્ડી, છત્તીસગઢના ભૂપેશ બઘેલ તથા કેરળના મુખ્ય મંત્રી પી. વિજયન હાજર નહોતા રહ્યા અને તેમના સ્થાને વરિષ્ઠ મંત્રી કે અધિકારી હાજર રહ્યા હતા.

આ સિવાય નિત્યાનંદ રાય, અર્જુન મુંડા, ગિરિરાજસિંહ તથા અશ્વિની વૈષ્ણવ જેવા કેન્દ્રીયમંત્રી પણ હાજર રહ્યા હતા.

'મહિલાઓને 50 ટકા અનામત મળે'

દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાનું કહેવું છે કે મહિલાઓને માત્ર તમામ ક્ષેત્રે 50 ટકા અનામત મળવું જોઈએ. જે તેમનો અધિકાર છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપૉર્ટ મુજબ, ચીફ જસ્ટિસ રમન્નાએ કહ્યું હતું કે ન્યાયતંત્રમાં મહિલાઓને 50 ટકા અનામત મળવું જોઈએ અને જ્યારે આ લક્ષ્યાંક સિદ્ધ થશે ત્યારે તેમને ખૂબ ખુશી થશે.

રમન્નાએ 50 ટકા અનામત માટે અવાજ ઉઠાવવા મહિલાઓને આહ્વાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે રમન્નાના કાર્યકાળ દરમિયાન ત્રણ મહિલાઓની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક થઈ છે. હાલ 33માંથી ચાર મહિલા જજ છે.

સર્વોચ્ચ અદાલતમાં અત્યારસુધી માત્ર 11 મહિલા જજને સ્થાન મળ્યું છે. 1989માં જસ્ટિસ ફાતિમા બીબી સર્વોચ્ચ અદાલત સુધી પહોંચનારાં પ્રથમ મહિલા જજ હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો