You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ અત્યાર સુધીમાં શું-શું થયું?
15 ઑગસ્ટે તાલિબાનો કાબુલમાં દાખલ થયા હતા અને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના ઍરપૉર્ટ પર સોમવારે અફરાતફરી જોવા મળી હતી, લોકોએ વિમાનમાં બેસીને ભાગવાની કોશિશ કરી હતી.
ઍરપૉર્ટ પર લોકોનાં મોત થયાના પણ સમાચાર મળ્યા છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કાબુલની સુરક્ષાની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી બગડી છે અને આ ઝડપથી બદલાઈ રહી છે.
ઉઝબેકિસ્તાનના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે તેના હવાઈ સુરક્ષાબળોએ સીમા પાર કરીને આવેલા એક અફઘાન સેનાના જેટ વિમાનને તોડી પાડ્યું છે.
ભારત પોતાના લોકોને અફઘાનિસ્તાનથી લાવવા માટે તૈયાર- વિદેશ મંત્રાલય
અફઘાનિસ્તાનની સ્થિતિ પર મીડિયાના સવાલોના જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કાબુલની સુરક્ષાની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી બગડી છે અને આ ઝડપથી બદલાઈ રહી છે.
તેમણે કહ્યું, "ભારત સરકાર અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર ઝીણી નજર રાખી રહી છે. અમે ત્યાં હાજર ભારતીય નાગરિકોની સુરત્રા માટે સમયાંતરે એડવાઇઝરી જાહેર કરી રહ્યા છીએ."
"અમે તેમને ઝડપથી પરત ફરવાની અપીલ કરી છે. અમને એ વાતનો ખ્યાલ છે કે હજુ પણ કેટલાક ભારતીયો ત્યાં છે અને તેઓ પાછા આવવા માગે છે અને અમે તેમના સંપર્કમાં છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે અફઘાન હિન્દુઓ અને શીખોના સતત સંપર્કમાં છીએ. તેમાંથી જે ભારત આવવા માગે છે તેમની અમે અહીં લાવવામાં મદદ કરશું. ત્યાં એવા અફઘાન લોકો પણ છે, જેમણે વિકાસ, શિક્ષણ અને અન્ય કામોમાં અમારી સાથે ભાગીદારી કરી છે, અમે તેમની સાથે છીએ."
"કાબુલથી વ્યાવસાયિક ઉડાન સેવાઓ આજે સ્થગિત કરી દેવાઈ છે. તેનાથી લોકોને પરત લાવવાના અમારા પ્રયાસોમાં રુકાવટ આવી છે. અમે વિમાન સેવાઓ ચાલુ થાય એની રાહ જોઈ રહ્યા છીએ."
પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહે સોમવારે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને જલદીથી ત્યાંથી બહાર કાઢવાની વિનંતી કરી.
તેમણે કહ્યું, "વિદેશમંત્રી એસ. જયશંકરને વિનંતી કરી કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના આવ્યા બાદ ત્યારના એક ગુરુદ્વારામાં ફસાયેલા 200 શીખો સહિત બધા ભારતીયોને તરત ત્યાંથી ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવે. મારી સરકાર તેમને સુરક્ષિત લાવવા માટે શક્ય તમામ મદદ કરવા માટે તૈયાર છે."
ચીને કહ્યું- તાલિબાન સાથે 'મિત્રતાપૂર્ણ સંબંધ રાખવા' ઇચ્છુક છીએ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનના નિયંત્રણ બાદ ચીને સોમવારે કહ્યું કે તે તાલિબાન સાથે 'મિત્રતાપૂર્ણ સંબંધ' રાખવા માગે છે.
સમાચાર એજન્સી એએફપી મુજબ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, "અફઘાન લોકો પોતાના નસીબનો નિર્ણય જાતે કરે. ચીન તેમના આ અધિકારનું સન્માન કરે છે. ચીન અફઘાનિસ્તાનની સાથે મિત્રતાપૂર્ણ સંબંધ અને સહયોગ વિકસિત કરવાની દિશામાં આગળ વધવા ઇચ્છુક છે."
આની પહેલાં ચીને ઇશારો કર્યો હતો કે તે અફઘાનિસ્તાનમાં પોતાના દૂતાવાસ ખુલ્લા રાખશે.
ચીને અફઘાનિસ્તાનમાં હાજર પોતાના નાગરિકોને એ પણ જણાવ્યું છે કે તેઓ પોતાના ઘરની અંદર રહે અને પરિસ્થિતિને લઈને સાવધ રહે.
સાથે જ ચીને અફઘાનિસ્તાનમાં વિભિન્ન જૂથોને તેના નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખવા પણ કહ્યું છે. તાલિબાનના પ્રતિનિધિઓ ગત જુલાઈમાં ચીન ગયા હતા, જ્યાં તેઓ વિદેશમંત્રી વાંગ યીને મળ્યા હતા.
તે સમયે આ બેઠકને રાજનીતિક શક્તિના રૂપે તાલિબાનની આંતરરાષ્ટ્રીય માન્યતાના રૂપમાં જોવામાં આવી હતી.
ચીનના વિદેશમંત્રીએ કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનના આંતરિક મામલામાં 'હસ્તક્ષેપ નહીં કરવાની નીતિ'નું પાલન કરશે.
તાલિબાન કાબુલમાં સામાન્ય નાગરિકો પાસેથી હથિયાર કેમ લઈ રહ્યા છે?
તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે તેમના લડવૈયાઓ કાબુલમાં સામાન્ય નાગરિકો પાસેથી હથિયાર લઈ રહ્યા છે કારણ કે લોકોને હવે પોતાની સુરક્ષા માટે તેમની જરૂર નથી.
બીબીસીની અરેબિક સેવા મુજબ તાલિબાનના અધિકારીઓએ કહ્યું છે, " અમે માનીએ છીએ કે લોકો પોતાની સુરક્ષા માટે હથિયાર રાખતા હતા. હવે તેઓ પોતાને સુરક્ષિત સમજી શકે છે. અમે અહીંયા સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવા માટે નથી આવ્યા."
તાલિબાનના હથિયારબંધ લડવૈયા સોમવારે સ્થાનિક ટીવી ચેનલ ટોલો ન્યૂઝના કાર્યાલયમાં ગયા હતા અને ત્યાંથી સુરક્ષાકર્મીઓના હથિયાર લઈ ગયા.
ટોલો ન્યૂઝે એક ટ્વીટમાં કહ્યું હતું, " તાલિબાન કાબુલમાં ટોલો ન્યૂઝના કાર્યલયમાં આવ્યા, અમારા સુરક્ષાકર્મીઓના હથિયારો વિશે પૂછ્યું. જે હથિયાર સરકારે આપ્યા હતા એ લઈ ગયા અને કહ્યું કે એ લોકો અમારા કૅમ્પસની સુરક્ષા કરશે."
ચેનલની માલિક કંપની મોબીના ડિરેક્ટર સાદ મોહસેનીએ ટ્વિટર પર જણાવ્યું કે તેમની ચેનલના બધા કર્મચારીઓ ઠીક છે અને ચેનલનું પ્રસારણ ચાલુ રહેશે.
વિમાન પરથી પડતાં ત્રણનાં મૃત્યુના અહેવાલો
વિમાનમાં લટકીને અફઘાનિસ્તાનને છોડવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ લોકો નીચે પટકાતાં એમનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલો મળી રહ્યા છે..
બીબીસીની ઉર્દૂ સેવાએ સ્થાનિક મીડિયાને ટાંકીને આ સમાચાર પ્રકાશિત કર્યા છે.
કાબુલ ઍરપૉર્ટ પરથી ઉડેલા અમેરિકન વિમાનમાં લટકીને દેશ છોડવાનો પ્રયાસ કરી રહેલી ત્રણ વ્યક્તિ નીચે પટકાઈ હતી.
સ્થાનિક મીડિયાએ પોસ્ટ કરેલા વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો ઉડાણ ભરી રહેલા અમેરિકન C-17 વિમાન પર લટકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
અહેવાલો અનુસાર, આ વિમાને જ્યારે ઉડાણ ભરી ત્યારે વિમાનની પાંખ અને વ્હિલ સાથે લટકેલા ત્રણ લોકો નીચે પટકાયા હતા.
આ ઘટનાને નજરે જોનારા સાક્ષીએ જણાવ્યું કે ત્રણેય સ્થાનિક મકાનોની અગાશી પર પડ્યા હતા અને મૃત્યુ પામ્યાં હતાં.
તાલિબાનના કબજામાં કાબુલની સવાર કેવી પડી?
બે દાયકા બાદ સોમવારે કાબુલની સવાર ફરીથી તાલિબાનના કબજા હેઠળ પડી.
સોમવાર સવારે તાલિબાની લડવૈયાઓ કાબુલના રસ્તાઓ પર જોવા મળ્યા, જ્યારે હજ્જારોની સંખ્યામાં નાગરિકો વતન છોડી જવા ઍરપૉર્ટ તરફ દોડ લગાતવા જોવા મળ્યા.
ઇસ્લામિક સંગઠને રવિવારે દેશના પાટનગર પર કબજો જમાવી લીધો હતો અને રાષ્ટ્રપતિ અશરફ ઘની વિદેશ નાસી છૂટ્યા હતા.
અજમાયશનો વખત, જીવન બહેતર બનાવીશું: તાલિબાન
તાલિબાન ચરમપંથીઓએ કાબુલ પર કબજો અને વિજય હાંસલ કર્યાના એક દિવસ બાદ નવો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં તાલિબાનના નેતાએ કહ્યું છે કે હવે અફઘાનિસ્તાનના લોકો માટે કંઈક કરવા અને તેમનું જીવન બહેતર કરવાનો સમય આવી ગયો છે.
તાલિબાનના લડવૈયાઓ સાથે બેઠેલા મુલ્લા બરાદર અખુંદે આ વીડિયોમાં કહ્યું, "હવે અજમાયશનો સમય આવી ગયો છે. અમે સમગ્ર દેશમાં શાંતિ લાવીશું. લોકોનાં જીવનને બહેતર બનાવવા માટે થઈ શકે એ તમામ પ્રયાસો કરીશું."તેમણે એવું પણ કહ્યું, "અમે જે રીતે અહીં પહોંચ્યા એની આશા નહોતી અને જે મુકામ પર છીએ એની પણ અપેક્ષા નહોતી."
તાલિબાનના એક અધિકારીએ એવો દાવો પણ કર્યો છે કે દેશમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને ક્યાંય પણ કોઈ સંઘર્ષ નથી થઈ રહ્યો. અધિકારીએ સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું, "અમને જે અહેવાલો મળી રહ્યા છે એ હિસાબે સ્થિતિ શાંતિપૂર્ણ છે."
અફઘાનિસ્તાન 'તારો અજંપો'
તાલિબાને બે દાયકા બાદ ફરીથી અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો છે.
અમેરિકન સહિત વિદેશી સેનાઓની પરત ફરવાની જાહેરાત સાથે જ તાલિબાન આક્રમક બન્યું અને ગણતરીના સમયમાં એક પછી એક શહેરો કબજે કરી રાજધાની સુધી પહોંચી ગયું.
તાલિબાને યુદ્ધ પૂર્ણ થયાની અને જલદી જ નવી સરકારની રચના કરવાની વાત કરી છે. આ સાથે જ તાલિબાને એમ પણ કહ્યું કે તે દુનિયાના દેશો સાથે શાંતિથી કામ કરશે.
આ દરમિયાન અફઘાનિસ્તાનના લોકોમાં ભય અને અજંપો જોવા મળી રહ્યા છે. લોકશાહી ઇચ્છતા લોકો પોતાને નિરાધાર અનુભવી રહ્યા છે અને વતન છોડવા માટે ઉતાવળ કરી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો