You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓનાં ટ્વિટર એકાઉન્ટ બ્લૉક કરવામાં આવ્યા? - Top News
કૉંગ્રેસનો આરોપ છે કે તેમની પાર્ટી અને કેટલાક નેતાઓના આધિકારિક ટ્વિટર હૅન્ડલ બ્લૉક કરવામાં આવ્યા છે.
આની પહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ટ્વિટર હૅન્ડલ બ્લૉક થઈ ગયું હતું કારણ કે તેમણે ગત અઠવાડિયે એક નવ વર્ષની બાળકીના પરિવારની તસવીરો ટ્વીટ કરી હતી જેની સાથે કથિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ કૉંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ રોહન ગુપ્તાએ કહ્યું હતું કે પાર્ટીના એકાઉન્ટની સાથે-સાથે કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનાં લગભગ પાંચ હજાર એકાઉન્ટ્સને ટ્વિટરે બ્લૉક કર્યા છે.
તેમણે આરોપ મૂક્યો કે ટ્વિટર કેન્દ્ર સરકારના દબાણમાં આવીને કૉંગ્રેસ નેતાઓની વિરુદ્ધ પગલાં લઈ રહ્યું છે.
રોહન ગુપ્તાએ કહ્યું, "ટ્વિટર સ્પષ્ટ રૂપથી સરકારના દાબમાં કામ કરી રહ્યું છે કારણ કે તેણે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચનાં એકાઉન્ટ્સ પર થોડા દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલી તસવીરોને નથી હઠાવી."
પાર્ટીએ કહ્યું કે પાર્ટી મહાસિચવ રણદીપ સુરજેવાલા, કે.સી.વેણુગોપાલ, અજય માકન, લોકસભામાં પાર્ટીના વ્હિપ એમ ટેગોર, આસામના પાર્ટી પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ તથા મહિલા કૉંગ્રેસનાં અધ્યક્ષ સુષ્મિતા દેવનાં ટ્વિટર એકાઉન્ટ પણ બ્લૉક કરવામાં આવ્યા છે.
ગત અઠવાડિએ રાહુલ ગાંધીએ દિલ્હીમાં કથિત રેપ પીડિતના પરિવારની તસવીરો ટ્વીટ કરી હતી જ્યાર બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ કરી હતી કે આનાથી દુષ્કર્મપીડિત વ્યક્તિની પ્રાઇવસીના કાયદાનું ઉલ્લંઘન થયું છે.
ત્યાર બાદ રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ પંચે આયોગે રાહુલ ગાંધીના ટ્વીટને ધ્યાને લેતા ટ્વિટરને આ અંગે પગલાં લેવા નિર્દેશ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં બાળકોનું રસીકરણ છતાં હજારો બાળકો કોરોના સંક્રમિત
અમેરિકામાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી કોરોના વાઇરસ સંક્રમણના રોજના સરેરાશ એક લાખ કેસો નોંધાઈ રહ્યા છે અને તેમાં પણ પંદર ટકા કેસો બાળકોમાં નોંધાઈ રહ્યાં છે.
અમેરિકન સરકારે આને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અમેરિન એકૅડમી ઑફ પિડિયાટ્રિક્સ (એએપી)ના એક સંશોધનમાં જણાવ્યું છે કે છેલ્લા સપ્તાહમાં કેસનો કુલ આંકડો 94,000ને સ્પર્શી ગયો છે.
જોકે, 'ધ ગાર્ડિયન'ના અહેવાલ અનુસાર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થનારાં બાળકોની સંખ્યા બે ટકા કરતાં પણ ઓછી છે અને મરણાંક નહિવત્ છે.
એએપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 5 ઑગસ્ટ સુધીમાં કુલ 43 લાખ બાળકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.
અમેરિકામાં હાલ બાર વર્ષથી વધારે વયનાં 60 ટકા બાળકોને કોરોનાની રસીના બંને ડોઝ અને 70 ટકા બાળકોને કોરોનાની રસીનો એક ડોઝ અપાઈ ચૂક્યો છે.
અમેરિકામાં ફાઇઝર કંપનીની રસી બાર વર્ષ કરતાં વધારે વયનાં બાળકોને આપવા માટે મંજૂરી મળી ચૂકી છે. સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના આંકડાઓ અનુસાર હાલ પાંચથી પંદર વર્ષનાં કિશોરો કોરોનાનો ભોગ વધારે બની રહ્યાં છે.
આ દરમિયાન લુસિઆના, ફલૉરિડા અને અરકાન્સાસમાં કોરોનાની ગંભીર સ્થિતિ છે. અરકાન્સાસમાં સૌથી વધારે લોકો મૃત્યુ પામ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં અરકાન્સાસમાં મરણાંકમાં 18 ટકાનો વધારો નોંધાયો છે.
ATMમાં રોકડ નહીં હોય તો RBI બૅન્કોને દંડ કરશે
દરેક બૅન્કો તથા વ્હાઇટ લેબલ ઑટોમેટેડ ટેલર મશીન (એટીએમ) ઑપરેટરોને એટીએમમાં નાણાં જાળવી રાખવા રિઝર્વ બૅન્ક દ્વારા સૂચના આપવામાં આવી છે.
એક મહિનામાં દસ કલાકથી વધુ સમય માટે કોઈ એટીએમમાં રોકડ નહીં હોવાનું જણાશે તો તે બદલ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા જે તે બૅન્કને દંડ ફટકારશે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર 1લી ઑકટોબરથી લાગુ થનારા આ નવા નિયમ હેઠળ પ્રતિ એટીએમ રૂપિયા દસ હજારની પેનલ્ટી લાગુ કરાશે. એટીએમમાં રોકડ છે કે નહીં તેની ખાતરી રાખવામાં નિષ્ફળ જનારી બૅન્કોએ રિઝર્વ બૅન્કને દંડ ચૂકવવાનો રહેશે, એવું રિઝર્વ બૅન્ક દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું.
રોકડ વગર એટીએમ કેટલો સમય ખાલી રહે છે, તેની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને એટીએમએમમાં રોકજને અભાવે ગ્રાહકોએ અસુવિધા ભોગવવી પડતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આ બાબતને ધ્યાનમાં રાખી આ નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે, એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો