GSEB સાયન્સનું પરિણામ જાહેર, 3245 વિદ્યાર્થીઓએ મેળવ્યો A-1 ગ્રેડ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

શનિવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓને પરિણામ અપેક્ષા અનુસાર ન લાગે તેઓ ઑફલાઇન પરીક્ષા આપી શકે છે. તસવીર પ્રતીકાત્મક. બોર્ડ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે જેમાં 3245 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ અને 15284 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો છે.

ગ્રુપ Aમાં 466 વિદ્યાર્થીઓને 99 ટકા માકર્સ મળ્યા છે અને ગ્રુપ Bમાં 657 વિદ્યાર્થીઓને 99 ટકા માકર્સ મળ્યા છે.

આ પરિણામ ઑનલાઇન જાહેર કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ જાતે પરિણામ નહીં જોઈ શકે. શાળાઓ પરિણામ મેળવશે અને વિદ્યાર્થીઓને આપશે.

આ વખતે મેરિટ આધારિત પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે ધોરણ 10 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓ મેળવેલ માર્કસને આધારે છે.

મેરિટમાં ધોરણ 10માં મેળવેલ માકર્સ માટે 50 ટકા અને ધોરણ 11ના પ્રથમ અને બીજા સેમેસ્ટરમાં મેળવેલ માકર્સ માટે 25-25 ટકા ભાર આપવામાં આવ્યો છે.

બોર્ડે જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓને પરિણામ અપેક્ષા અનુસાર ન લાગે તેઓ ઑફલાઇન પરીક્ષા આપી શકે છે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ બોર્ડને પરત કરવાની રહેશે.

ટોક્યોના ઑલિમ્પિક વિલેજમાં કોરોનાનો પહેલો કેસ

કોરોનાકાળમાં યોજાઈ રહેલો ટોક્યો ઑલિમ્પિક શરૂ થાય એ પહેલાં જ ઑલિમ્પિક વિલેજમાં પ્રથમ કોરોના કેસ સામે આવ્યો છે.

23 જુલાઈથી ઑલિમ્પિકની શરૂઆત થઈ રહી છે ત્યારે અને સમાચાર સંસ્થા એએફપી મુજબ ઑલિમ્પિક વિલેજમાં એક કોરોના કેસ સામે આવ્યો હોવાના સમાચાર છે.

એએફપી અનુસાર ટોક્યોની આયોજન સમિતિના પ્રવક્તા માસા તકાયાએ કહ્યું કે, સ્ક્રિનિંગ ટેસ્ટ દરમિયાન એક કોરોના પૉઝિટિવ કેસ ઑલિમ્પિક વિલેજમાં સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 2020માં યોજનાર ટોક્યો ઑલિમ્પિકને કોરોનાને લીધે એક વર્ષ પાછો ઠેલવામાં આવ્યો અને હવે તે યોજાવા જઈ રહ્યો છે.

દર ચાર વર્ષે યોજાતી દુનિયાની સૌથી મોટી ખેલ સ્પર્ધામાં ભારતમાંથી 120થી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

ગુજરાતમાં 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત, સરકારે અમુક નિયમો હળવા કર્યા

કોરોના વાઇરસના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે અમુક નિયમો હળવા કર્યા છે પરંતુ આઠ શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રાખ્યો છે. આ શહેરોમાં 1 ઑગષ્ટ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે.

અહેવાલ અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં 20 જુલાઈ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી ફર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો, જેને હવે 1 ઑગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે.

લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે સ્વિમિંગ-પૂલ અને વૉટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. આ માટે વૉટર પાર્કના માલિક, મૅનેજર અને સ્ટાફને 31 જુલાઈ સુધી વૅક્સિનનો પ્રથમ ડોઝ લેવી જરૂરી છે.

રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે નોન-એસી અને એસ.ટી બસ 100 ટકા ક્ષમતા સાથે ઓપરેટ કરી શકાશે. એસી બસમાં 75 ટકા સીટ જ બુક કરી શકાશે.

રાજ્યમાં આવેલ હોટલો, રિસોર્ટ, રેસ્ટોરાં અને વૉટર પાર્કોનો ફિક્સ ઇલેક્ટ્રિસિટી ચાર્જમાં એક વર્ષ માટે રદ કરવામાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના માત્ર 606 ઍક્ટિવ કેસ છે અને રિક્વરી રેટ વધીને 98.70 ટકા થઈ ગયો છે.

ભારત આવવા માગતો હતો પરંતુ સુરક્ષાની ચિંતા થાય છેઃ મેહુલ ચોક્સી

પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડમાં આરોપી એવા હીરાના વેપારી મેહુલ ચોકસીએ જણાવ્યું છે કે તેઓ ભારત આવવા માગતા હતા પરંતુ તેમની સુરક્ષાને લઈને ચિંતિત હોવાથી તેમણે ભારત આવવાનું માંડી વાળ્યું છે.

ઍન્ટિગુઆ ઍન્ડ બાર્બુડા કોર્ટથી જામીન મળ્યા બાદ મેહુલ ચોક્સીએ એક ઓડિયો સંદેશ બહાર પાડ્યો છે. ઓડિયોમાં તેઓ કહેતા સંભળાય છે કે હું નિર્દોષ છું તે પુરવાર કરવા માટે ભારત આવવા માગતો હતો પરંતુ અપહરણની ઘટના બાદ મને ભારતમાં મારી સુરક્ષાને લઈને ચિંતા થાય છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ઓડિયોમાં મેહુલ ચોક્સી દાવો કરે છે ભારત અને ઍન્ટિગુઆની સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને ડોમિનિકા લઈ જવામાં આવ્યા હતા.

તેમને કહ્યું કે અપહરણ બાદ મારી તબિયત ઘણી બગડી ગઈ છે અને હવે ભારતમાં મારી સુરક્ષાને લઈને હું ચિંતિત બન્યો છું. અપહરણની ઘટના ખૂબ અમાનવીય હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ભારત જઈ શકવાની સ્થિતિમાં નથી અને એટલા માટે ભારતીય તપાસ એજન્સીઓને ઍન્ટિગુઆ આવવા માટે વિનંતી કરી હતી. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારું અપહરણ કરવામાં આવશે.

હીરા વ્યાપારી મેહુલ ચોકસી અને નીરવ મોદી પર પંજાબ નેશનલ બૅન્કમાં આશરે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપ છે. ભારતના કથિત સૌથી મોટા બૅન્કિંગ કૌભાંડના કેસમાં સીબીઆઈ અને ઈડી હીરા વેપારી મેહુલ ચોકસી અને નીરવ મોદીની ધરપકડ કરવા માગે છે.

પંજાબ નેશનલ બૅન્કમાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ વર્ષ 2017માં બહાર આવ્યું હતું. આ ભારતનું સૌથી મોટું બૅન્કિંગ કૌભાંડ માનવામાં આવે છે.

જેને બીક હોય એ કૉંગ્રેસીઓ આરએસએસમાં જોડાઈ શકે છેઃ રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે કૉંગ્રેસમાં રહીને ડરનાર લોકોએ આરએસએસ (રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ)માં સામેલ થઈ જવું જોઈએ.

અહેવાલ અનુસાર પાર્ટી કાર્યકર્તાઓ સાથેની એક ઝૂમ મિટિંગ દરમિયાન રાહુલ ગાંધીએ આ વાત કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો નિડર છે પરંતુ કૉંગ્રેસ પક્ષમાં નથી તેવા લોકોને પક્ષમાં સામેલ કરવાની જરૂર છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે જેમને ડર લાગે છે તે બધાને હાંકી કાઢવા જોઈએ, તેઓ આરએસએસમાં જોડાઈ શકે છે. આવા લોકોને મજા કરવા દો. કૉંગ્રેસને આવા લોકોની જરૂર નથી. અમને નિડર લોકોની જરુર છે. આ આપણા પક્ષનો સિદ્ધાંત છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા પર હુમલો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમને પોતાનું ઘર બચાવવું હતું એટલા માટે ગભરાઈ ગયા અને આરએસએસમાં સામેલ થઈ ગયા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો