You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CBSE-12th : કેવી હશે માર્કશીટ અને માર્કની ગણતરી કેવી રીતે કરાશે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
કોરોના મહામારીને કારણે સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ)એ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ સીબીએસઈની જેમ જ કેટલાક રાજ્યોએ પણ 12મા ધોરણની પરીક્ષાઓ રદ કરી દીધી છે.
જોકે, દિલ્હી વિશ્વવિદ્યાલયના કુલપતિએ સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં 12માના પરિણામોના આધારે પ્રવેશ પ્રક્રિયાની વાત કરી છે. સાથે જ કહ્યું કે ગત વર્ષે આવેલી નવી શિક્ષણ નીતિ હેઠળ કોશિશ કરવામાં આવી રહી છે કે સેન્ટ્ર્લ યુનિવર્સિટી માટે એક જ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે. જેના પર હાલ કોઈ નિર્ણય નથી લેવાયો. મહામારીને કારણે આગામી સમયમાં આના પર નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે.
બીજી તરફ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયે સ્પષ્ટ કરી દીધું છે કે સ્નાતક કોર્ષમાં પ્રવેશ માટે આ વર્ષે પણ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. કોવિડના લીધે પરીક્ષા પાછી ઠેલવા માટેનો વિકલ્પ પણ યુનિવર્સિટીએ ખુલ્લો રાખ્યો .
પરંતુ 12મા ધોરણના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અનિશ્ચિતતા હજુ પણ અકબંધ છે. તેમને ઘણા સવાલો સતાવી રહ્યા છે.
ભવિષ્યમાં અન્ય યુનિવર્સિટીઓમાં સ્નાતકમાં પ્રવેશ કેવી રીતે થશે? આ વખતની માર્કશીટ કેવી હશે?
માર્કની ગણતરી કેવી રીતે થશે? વિદેશ જવા માંગનારા પોતાની માર્કશીટ સમયસર જમા કરાવી શકશે?
વિદ્યાર્થીઓને મૂંઝવતા આ પ્રશ્નો દૂર કરવા માટે બીબીસીએ સીબીએસઈના સચિવ અનુરાગ ત્રિપાઠી સાથે વાતચીત કરી. વાંચો તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશ.
12મા ધોરણની માર્કશીટ આ વખતે કેવી હશે?
માર્કશીટમાં કોઈ બદલાવ નહીં હોય. ગત વખતની જેમ જ આ વખતે પણ જેટલા વિષયોમાં પરીક્ષા થતી હતી, 100માંથી ગુણ અપાતા હતા, આ વખતે પણ બધુ આવું જ દેખાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદ્યાર્થીઓને બદલાવ વિશે જણાવ્યા વિના કોઈ ફેરફાર નથી કરી રહ્યાં. માર્કશીટ પહેલાં જેવી જ હશે અને તેનું મહત્ત્વ પણ પહેલાં જેવું જ હશે.
10મા ધોરણની જેમ ઑબ્જેક્ટિવ ક્રાઇટેરિયા શું 12મા પણ હશે?
10મા ધોરણ માટેનો ઑબ્ઝેક્ટિવ ક્રાઇટેરિયા સીબીએસઈએ તૈયાર કરી દીધો છે. અત્યાર સુધી પરંપરાગત રીતે બોર્ડની પરીક્ષા થતી હતી અને પછી કોઈ વિષયમાં પ્રેક્ટિકલ થતા હતા. બંનેના ગુણ મેળવીને પરિણામ તૈયાર થતું. આ વખતે બોર્ડની પરીક્ષા નથી થઈ. આથી રિઝલ્ટ તૈયાર કરવા માટે ગુણ આપવા અન્ય વિકલ્પ તૈયાર કરાયા છે.
એક સમિતિ તૈયાર કરાઈ છે જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ હશે અને અન્ય સ્કૂલ ટિચર્સ પણ સામેલ રહેશે. વિદ્યાર્થીના વાર્ષિક પરફૉર્મન્સ જેમ કે યુનિટ ટેસ્ટ, પ્રિ-બોર્ડ એક્ઝામ, મિડ-ટર્મ તમામને ધ્યાને લેવાશે. તેને એક સિસ્ટમ હેઠળ અપલોડ કરીને વિદ્યાર્થીનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે.
12મા ધોરણ માટે હાલ ઑબ્જેક્ટિવ ક્રાઇટેરિયા તૈયાર નથી કરાયો. તેના માટે એક સમિતિ બનાવાઈ છે. તેમાં બે સપ્તાહનો સમય લાગી શકે છે. જે વિષયોમાં પ્રેક્ટિકલ થાય છે, તેમાં 30 ગુણ તો સ્કૂલ તરફથી આપવામાં આવે છે. જેમાં પ્રેક્ટિકલ નથી હોતા તેમાં 20 ગુણ સ્કૂલ તરફથી આપવામાં આવે છે.
આ ડેટા અમારી પાસે પહેલાંથી જ છે. બાકીના 70-80 ગુણ વર્ષ દરમિયાનના આંતરિક અને પ્રાયોગિક પરીક્ષાઓના આધાર પર રહેશે. બાળકો માટે તે એકદમ ન્યાય સંગત હશે એનો અમે વિશ્વાસ આપીએ છીએ.
શું 10મા અને 12મા ધોરણના ટૉપરની યાદી બનશે?
સીબીએસઈએ ગત વર્ષે પણ ટૉપરની યાદીની ઘોષણા નહોતી કરી. તેની પાછળ દલીલ એ છે કે એક પ્રકારના ગુણ સંખ્યાબંધ બાળકોને મળી શકે છે. શિક્ષણની ક્ષેત્રમાં નંબરની રેસ બંધ કરવા માટે જ સીબીએસઈએ આ પગલું ભર્યું છે.
મીડિયા, સોસાયટી અને સ્કૂલના માધ્યમથી આ વાતો સામે આવી જાય છે કે કઈ સ્કૂલના કયા વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા. તેના આધારે જ સ્કૂલ તુલનાત્મક અભ્યાસ કરીને ટૉપર, જિલ્લા ટૉપર, રાષ્ટ્રીય ટૉપરના નામ કાઢે છે.
આ બાળકો અને વાલીઓ બંનેને સારુ લાગે છે. પણ સીબીએસઈએ ગત વખતે પણ યાદી જાહેર નહોતી કરી અને આ વખતે પણ નહીં કરે.
શું આ વખતે પણ 99 ટકા મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગત વખત જેટલી જ હશે?
જો તમે પ્રિ-બોર્ડ, મિડ-ટર્મ, યુનિટ ટેસ્ટ, ઇન્ટર્નલ, પ્રેક્ટિકલના ગુણ ભેગા કરી તેમાંથી રિઝલ્ટ તૈયાર કરો, તો કોઈક તો એવું નીકળી શકે જે 100 ટકા ગુણ મેળવી લે. આ બધી પરીક્ષાઓમાં ઘણા વિદ્યાર્થીઓના ફૂલ માર્ક્સ આવી શકે છે. પ્રિ-બોર્ડમાં પણ આવું થાય છે.
કેટલાકને કોઈ વિષયમાં પૂરા માર્ક મળે છે, કેટલાકને બે વિષયમાં, કોઈકને ત્રણ વિષયમાં. રિઝલ્ટ એ વાત પર આધાર રાખશે કે બાળકોનો સ્કૉર કઈ રીતે મૅચ થઈને અમારી પાસે આવે છે. અમે એવું નહીં કહી શકીએ કે એવું કોઈ પણ બાળક નહીં હોય જેના 99 ટકા ન આવી શકે.
જો 100 ટકા વાળા હશે તો તેમને પણ 100 ટકા જ મળશે.
ગત વર્ષે 99 ટકા મેળવનારા ઘણા વિદ્યાર્થીઓ હતા, જેથી દિલ્હી યુનિવર્સિટીમાં મેરિટ ઘણું ઊંચુ રહ્યું હતું, શું આ વખતે પણ આવું થશે?
ભારતમાં 12મા ધોરણમાં કૂલ 15-20 લાખ બાળકો હોય છે. તેમને 1થા 100 સુધીના ગુણ મળે છે.
જ્યારે 15થી 20 લાખ બાળકો 1-100 ગુણ(ટકા) માટે અભ્યાસ કરે, તો પછી પહેલા નંબરે એકથી વધારે વિદ્યાર્થીઓ આવે એ સ્વાભાવિક છે.
95, 98, 99 ટકા મેળવનારા પણ ઘણા વિદ્યાર્થીઓ હશે. આ એક વૈજ્ઞાનિક રીત છે તેને અવગણી ન શકાય. આ ખોટું પણ નથી.
વિદ્યાર્થી અને વાલી બંનેમાં કૉલેજ પ્રવેશ મામલે ચિંતા છે. કેટલાકને વિદેશ અભ્યાસ માટે જવાનું છે. કેટલાકમાં 12ના પરિણામ અને પ્રવેશ પરીક્ષાના આધારે પ્રવેશ મળશે. બધું ઠીક રહે એ દિશામાં સીબીએસઈ શું પગલાં લઈ રહ્યું છે?
સારી વાત એ છે કે 12મા ધોરણનું રિઝલ્ટ જાહેર કરવા અમારી પાસે પૂરતો સમય છે. પરીક્ષા રદ કરવાનો નિર્ણય યોગ્ય સમય પર લેવાયો છે. અમારી પાસે બે મહિનાનો સમય છે.
ભારત અને વિદેશમાં મોટાભાગે ઑગસ્ટના મધ્યમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. સીબીએસઈ વિદ્યાર્થીઓને આશ્વાસન આપે છે કે તેમને શક્ય તેટલું જલદી રિઝલ્ટ આપી દેવામાં આવશે.
વિદ્યાર્થીઓએ જ્યાં પણ પ્રવેશ માટે માર્કશીટ આપવાની હશે તે પહેલાં તેમની પાસે તે પહોંચી જશે. ઉચ્ચ શિક્ષણમાં રિઝલ્ટને લઈને પ્રવેશ નહીં અટકે. આથી બાળકો અને વાલીઓએ આ મામલે ચિંતિત રહેવાની જરૂર નથી.
ઉપરાંત સીબીએસઈ યુજીસી, અન્ય યુનિવર્સિટી જેવી કે દિલ્હી યુનિવર્સિટી અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે પણ સંપર્કમાં છે. ત્યાં પરિણામ વગર પ્રવેશ પ્રક્રિયા શરૂ નથી થઈ શકતી. ગત વર્ષે પણ અમે આવું જ કર્યું હતું. વળી જરૂરિયાત અનુસાર પુનઃમૂલ્યાંકનના માર્ક્સ પણ સીબીએસઈએ યુનિવર્સિટીઓને મોકલ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો