ભાવનગર કોવિડ સેન્ટર આગ : ગુજરાતની વધુ એક હૉસ્પિટલમાં આગ કઈ રીતે લાગી અને દર્દીઓને કઈ રીતે બચાવાયા?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભાવનગરના કાળુભા રોડ પર આવેલી હોટલમાં તૈયાર કરાયેલા કોવિડ સેન્ટરમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના ઘટી હતી.

બીબીસી ગુજરાતીના સહયોગી નીતિન ગોહેલ જણાવે છે કે કોવિડ સેન્ટરના ત્રીજા માળે આગ લાગી હતી, જ્યાં સારવાર લઈ રહેલા 18 જેટલા દર્દીઓને સૌથી પહેલા અન્ય હૉસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર એમ. એ. ગાંધીના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો, એ બાદ કોવિડ સેન્ટરમાં અન્ય માળ પર દાખલ દર્દીઓને પણ અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અહીં સારવાર લઈ રહેલા 61 જેટલા દર્દીઓને સર તખ્તસિંહજી હૉસ્પિટલમાં અને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કઈ રીતે આગ લાગી?

મ્યુનિસિપલ કમિશનર એમ. એ. ગાંધી કહે છે, "અહીં હોટલમાં ફાયરવિભાગની એનઓસી મેળવીને અને મંજૂરી મેળવીને કોવિડ હૉસ્પિટલ શરૂ કરવામાં આવી હતી."

"ત્રીજા માળ પર ટીવી યુનિટમાં શોર્ટસર્કિટ થતાં આગા લાગી હતી, ફાયર ઍલાર્મ વાગ્યું એ સાથે સતર્ક સ્ટાફે સળગી શકે એવી ચીજો અને સાધનોને હઠાવી લીધાં હતાં અને ફાયરબ્રિગેડની ટીમને જાણકરી હતી. જેના પગલે જાનહાનિને ટાળી શકાઈ હતી."

ભાજપના પૂર્વ પ્રદેશાધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યાં આગ લાગી હતી ત્યાં ત્રીજા માળે 18 દર્દી સારવાર લઈ રહ્યા હતા, એમને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ ઘટનામાં એક પણ દર્દી દાઝ્યા નથી અને તમામ દર્દીઓ સ્વસ્થ છે.

હૉસ્પિટલની બેદરકારી નથી - મ્યુનિસિપલ કમિશનર

મ્યુનિસિપિલ કમિશનર ગાંધીનું કહેવું છે કે સમગ્ર મામલામાં પ્રાથમિક દૃષ્ટિએ હૉસ્પિટલની બેદરકારી હોવાનું દેખાતું નથી, તેમને ફાયરવિભાગની એનઓસી લીધી હતી અને વખતોવખત તાલીમોનું આયોજન પણ કરાતું હતું.

તેઓ કહે છે, "આમ છતાં જાણવા જોગ ફરિયાદ લઈને પોલીસ આગામી કાર્યવાહી કરી રહી છે."

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવશે અને જો કોઈની બેદરકારી સામે આવશે તો કડક પગલાં લેવામાં આવશે.

ગુજરાતમાં કોવિડ હૉસ્પિટલમાં આગનો વણથંભ્યો ક્રમ

ભરૂચમાં કોરોના વાઇરસની સારવાર કરતી ટેલ વેલ્ફેર હૉસ્પિટલમાં પહેલી મેના દિવસે રાત્રે 12:30 વાગ્યે આગની ઘટના બની હતી, જેમાં 18 લોકોનાં મોત થયાં હતાં.

જોકે આ ક્રમ ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગથી શરૂ થયો હતો.

  • 6 ઑગસ્ટ 2020ના મળસકે નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલના આઈસીયુમાં આગ લાગતાં આઠ કોરોના દરદીનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોના સ્વજનોએ તંત્ર અને હૉસ્પિટલ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા.
  • 13 ઑગસ્ટ 2020ના દિવસે બોડેલીની કોરોના હૉસ્પિટલમાં આગ લાગી હતી.
  • 25 ઑગસ્ટ 2020ના દિવસે જામનગરની જી. જી. હૉસ્પિટલમાં આગ લાગી હતી.
  • 9 સપ્ટેમ્બર 2020ના રોજ વડોદરાની એસ.એસ.જી. હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં વૅન્ટિલેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી.
  • 18 નવેમ્બર 2020ના રોજ સુરતની ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ લાગી હતી.
  • 27 નવેમ્બર 2020ના રોજ રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓનાં મોત થયાં હતાં.
  • 26 એપ્રિલ 2021ના રોજ સુરતની આયુષ હૉસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે આગ લગી હતી, જ્યાં સારવાર લઈ રહેલા ચાર દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો