You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભરૂચની હૉસ્પિટલના કોરોના વોર્ડમાં આગ, 18નાં મોત, રાજ્ય સરકારની સહાયની જાહેરાત
ભરૂચમાં કોરોના વાઇરસની સારવાર કરતી હૉસ્પિટલમાં આગ લાગતાં લગભગ 18 લોકોનાં મોત થયાં છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પટેલ વેલ્ફર હૉસ્પિટલમાં રાત્રીના 12:30 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોવિડ વિભાગના આઈસીયુમાં આગ લાગી હતી. અહીં વૅન્ટિલેટર પર કેટલાંક દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં.
ભરૂચથી બીબીસી ગુજરાતીના સહયોગી સાજીદ પટેલના જણાવ્યા પ્રમાણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા આઈસીયુ વિભાગને લપેટમાં લઈ લીધો હતો.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટના મામલે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
આગની વચ્ચે બારીઓ તોડી દર્દીઓને બહાર કઢાયા
આગની જાણ થતાંની સાથે જ આસપાસમાં રહેતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આગને કારણે દરવાજેથી આઈસીયુમાં ન જઈ શકાતાં બારીઓનાં કાચ તોડીને દર્દીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આગમાં અત્યાર સુધીની માહિતી પ્રમાણે કુલ 18 લોકોનાં મોત થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે દર્દીઓને આગમાંથી બચાવી લેવામાં આવ્યા તેમને ભરૂચની અલ મહેમુદ હૉસ્પિટલ, ભરૂચ સિવિલ હૉસ્પિટલ, સેવાશ્રમ હૉસ્પિટલ, ગુજરાત હૉસ્પિટલ સહિતની હૉસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓએ તુરંત જ કોવિડ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
આઈસીયુ વિભાગ બળીને ખાખ
આગની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે, ત્યાં સુધીમાં હૉસ્પિટલનો આઈસીયુ વિભાગ બળીને ખાખ થઈ ગયો હતો.
ભરૂચ જિલ્લાના મોટા અધિકારીઓ પણ આ ઘટનાની જાણ થતાં રાતોરાત અહીં આવી પહોંચ્યા હતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તારણ અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
હૉસ્પિટલના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આગમાં કોરોનાના 16 દર્દીઓ અને હૉસ્પિટલ સ્ટાફના બે લોકોનાં મોત થયાં છે. આમ મોતનો કુલ આંક 18 થયો છે.
હૉસ્પિટલના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીઓની ગણતરી કરવામાં આવશે ત્યાર બાદ જ મોતનો સાચો આંકડો સામે આવશે.
મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર સહાય કરશે
પટેલ વેલ્ફર હૉસ્પિટલ આગની દુર્ઘટના મામલે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
ઉપરાંત આગમાં જે લોકોનાં મોત થયાં છે તેમના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
તેમણે ટ્વિટમાં લખ્યું, "ભરૂચની હૉસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હૉસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો