ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસ : જી. એલ. સિંઘલ, તરુણ બારોટ અને અનાજુ ચૌધરી આરોપમુક્ત

ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસ
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં ગુજરાત પોલીસના અધિકારી જી. એલ. સિંઘલ, તરૂણ બારોટ અને અનાજુ ચૌધરીને આરોપમુક્ત કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ ડી. જી. વણજારા તથા એન. કે. અમીનને આરોપમુક્ત કરી દેવામાં આવ્યા હતા.

જી. એલ. સિંઘલના વકીલ બ્રિજરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, ''આ કેસમાં આજે કોર્ટ દ્વારા બાકીના ત્રણ આરોપીઓને ડિસચાર્જ કરવામાં આવ્યા છે. કોર્ટે નોંધ્યું છે કે, જે ઍકાઉન્ટર હતું તે સાચું હતું અને ફેક નહોતું. જે-તે વખતે આઈબીના (ઇન્ટેલિજન્સ બ્યૂરો) ઇનસપુટસ્ આવ્યા હતા કે ચાર લશ્કર-એ-તોઈબાના ઉગ્રવાદીઓ છે તેઓ અમદાવાદમાં હુમલાનું આયોજન કરી રહ્યા છે અને ઇનપુટના આધારે અધિકારીઓએ જે કાર્યવાહી કરી હતી તે સાચી છે.''

ઝાલાએ વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા ત્રણેય પોલીસ અધિકારીઓ સામે ખટલો ચલાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સમગ્ર દલીલમાં CrPCની કલમ 197ની ઉપર દલીલો કેન્દ્રીત રહી હતી.

7 મે 2019ના રોજ સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા પૂર્વ પોલીસના અધિકરી ડી. જી. વણજારા તથા એન. કે. અમીનને આરોપમુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ સાત આરોપીઓ હતા, જેમાં જે. જી. પરમારની મૃત્યુ થયું છે.

કોર્ટ ઓર્ડર

ગુજરાતના પૂર્વ ડીજીપી પી.પી. પાંડેને આ કેસમાં સૌથી પહેલાં ડિસચાર્જ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 2002થી 2006 સુધીમાં 23 જેટલાં ઍન્કાઉન્ટર થયાં હતાં. ગુજરાત પોલીસના પ્રારંભિક તપાસ અહેવાલોમાં એવું જ જણાવાયું હતું કે આ વાસ્તવિક ઍન્કાઉન્ટર હતાં.

કોર્ટે નીમેલી તપાસમાં અને અહેવાલોમાં એવો આક્ષેપ કરાયો હતો કે તેમાંથી છ ઍન્કાઉન્ટર નકલી હતાં.

ગુજરાત પોલીસના અધિકારીઓનું કહેવું થતું હતું કે 'માર્યા ગયેલા લોકો ત્રાસવાદી હતા અને તેઓ નરેન્દ્ર મોદી અથવા તો ભારતીય જનતા પક્ષના અન્ય કોઈ નેતાની હત્યા કરવા માટે આવ્યા હતા અથવા તો રાજ્યના જુદાજુદા ભાગોમાં બૉમ્બધડાકા કરવાનો ઇરાદો ધરાવતા હતા.'

line

ઇશરત ઍન્કાઉન્ટર કેસ શું છે?

મુંબઈની ગુરુનાનક ખાલસા કૉલેજમાં બીએસસીના બીજા વર્ષમાં ભણતાં ઇશરત જહાં નાનાંમોટાં કામ કરીને પોતાનાં માતાને ઘર ચલાવવામાં મદદ કરતાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈની ગુરુનાનક ખાલસા કૉલેજમાં બીએસસીના બીજા વર્ષમાં ભણતાં ઇશરત જહાં નાનાંમોટાં કામ કરીને પોતાનાં માતાને ઘર ચલાવવામાં મદદ કરતાં હતાં.

ઇશરત જહાં (ઉં.વ.19), પ્રનેશ પિલ્લઈ, અમજદ અલી અને જીશન જોહરનું તા. 15 જૂન, 2004ના રોજ અમદાવાદમાં કોતરપુર નજીક થયેલા ઍન્કાઉન્ટરમાં તેમનું મૃત્યુ થયું હતું.

મુંબઈની ગુરુનાનક ખાલસા કૉલેજમાં બીએસસીના બીજા વર્ષમાં ભણતાં ઇશરત જહાં નાનાંમોટાં કામ કરીને પોતાનાં માતાને ઘર ચલાવવામાં મદદ કરતાં હતાં.

જોકે, સીબીઆઈની ચાર્જશીટ પ્રમાણે અમજદ તથા જીશનના મૃતદેહો લેવા માટે કોઈ આવ્યું નહોતું અને સરકારે પોતાની રીતે અંતિમવિધિ કરી હતી.

ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાકિસ્તાન સ્થિત ઉગ્રપંથી સંગઠન લશ્કર-એ-તોઈબાના સભ્યો હતા અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના મિશન માટે આવ્યા હતા.

કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું કે અમેરિકામાં ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન સમક્ષ ડેવિડ હેડલીએ આપેલાં નિવેદનમાં સ્વીકાર્યું હતું કે ઇશરત તોઈબાનાં આત્મઘાતી બૉમ્બર હતી. આ સિવાય તોઈબાના મુખપત્રમાં ઇશરત તેની સભ્ય હોવાનું સ્વીકાર્યું હતું.

line

ઇશરત ઍન્કાઉન્ટર : સીબીઆઈની નજરે

ચારેયને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યા હતા તે ગાળામાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અલગ-અલગ સ્થળોએ બેઠક થઈ હતી.
ઇમેજ કૅપ્શન, ચારેયને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યા હતા તે ગાળામાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અલગ-અલગ સ્થળોએ બેઠક થઈ હતી.

સીબીઆઈની ચાર્જશીટ પ્રમાણે, 12/06/2004ના ઇશરત તથા જાવેદને આણંદ પાસે વાસદ ટોલ બૂથ ખાતેથી 'ઉઠાવવા'માં આવ્યા હતા અને અમદાવાદ પાસે ખોડિયાર ફાર્મહાઉસ ખાતે રાખવામાં આવ્યા હતા.

અમજદને મે-2004માં અમદાવાદના ગોતા સર્કલ પાસેથી 'ઉઠાવવા'માં આવ્યા હતા અને અમદાવાદ પાસે અર્હમ ફાર્મ ખાતે ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યારે જીશન જોહરને ક્યાંથી લાવવામાં આવ્યા હતા, તે અસ્પષ્ટ છે.

ચારેયને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યાં હતાં તે ગાળામાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અલગ-અલગ સ્થળોએ બેઠક થઈ હતી.

ઍન્કાઉન્ટરના દિવસે આંખે પાટા બાંધીને તેમને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને પછી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

સીબીઆઈએ તેની તપાસ દરમિયાન ગુજરાત પોલીસના સાત તથા આઈબીના ચાર અધિકારીઓ સામે આરોપનામું દાખલ કર્યું હતું.

line

શું છે સેક્સન 197?

પ્રતીકાત્મક તસવીર

ક્રિમિનલ પ્રોસિજર કોડની (CrPC), 1973ની કલમ 197 મુજબ કોઈ પણ સરકારી કર્મચારી સામે ખટલો માંડવા માટે જે-તે વિભાગની લેખિત મંજૂરી લેવી જરૂરી હોય છે.

સરકારી અધિકારી કોઈપણ ભાતના ભય કે પક્ષપાત વિના મુક્ત રીતે તેની ફરજ બજાવી શકે અને તેને કોઈ કનડગત ન થાય તે માટે આ કલમ દાખલ કરવામાં આવી છે.

જોકે, સુપ્રીમ કોર્ટે તેના અગાઉના ચુકાદાઓમાં નોંધ્યું છે કે જો અધિકારી કોઈ એવું કૃત્ય આચરે જે તેની ફરજ બજાવવા માટે જરૂરી ન હોય અથવા તો હત્યા જેવો 'જઘન્ય અપરાધ' આચરે તો તેની સામે ખટલો દાખલ કરવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી.

ગુજરાત સરકારે વણજારા તથા અમીનની સામે ખટલો આપવા માટેની મંજૂરી ન આપવા પાછળ બંનેએ 'ફરજની બજવણી' તથા 'આરોપીમાંથી સાહેદ' બનેલાંઓના નિવેદનને આધારરૂપ ગણ્યા હતા.

અગાઉ વર્ષ 2013માં ગૃહ મંત્રાલયે ગુપ્તચર ખાતાના અધિકારીઓની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી ન હતી, જેને સીબીઆઈએ પડકારી ન હતી. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો