આસામ : શું સીએએ વિરોધી આંદોલનમાંથી ઉભરેલા પક્ષો ભાજપને રોકી શકશે?

    • લેેખક, સચિન ગોગોઈ
    • પદ, બીબીસી સંવાદદાતા (શિવસાગર, આસામ)
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

આસામમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીની એક ખાસ વાત એ છે કે તેમાં એવા બે નવા પક્ષ મેદાનમાં ઉતર્યા છે જેઓ નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) વિરોધી આંદોલનમાંથી ઉદભવ્યાં છે.

આસામમાં સીએએ અત્યંત સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. પડોશી દેશ બાંગ્લાદેશમાંથી ગેરકાયદે ઘુસી આવતા લોકોના કારણે તે વર્ષોથી એક મહત્ત્વનો રાજકીય મુદ્દો ગણાય છે.

આસામ જાતીય પરિષદ (એજેપી) અને રાયજોર દળ (આરડી) નામના આ બે નવા પક્ષ માત્ર રાજકીય પક્ષની રીતે નવા છે. રાજ્યના રાજકીય માહોલની વાત કરીએ તો આ બંને અહીં ઘણા વર્ષોથી સક્રિય રહ્યા છે.

એજેપી પ્રભાવશાળી વિદ્યાર્થી સંગઠન ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ)માંથી પેદા થયેલો પક્ષ છે. આ આસુમાંથી જ 1985માં આસામ ગણ પરિષદ (એજીપી)નો જન્મ થયો હતો. એજીપી અત્યાર સુધીમાં બે વખત આસામમાં સરકાર બનાવી ચૂકી છે. પરંતુ હવે તેનો દરજ્જો ભાજપના એક જુનિયર પાર્ટનરનો રહી ગયો છે.

આસુના નેતૃત્વએ જ્યારે નિર્ણય લીધો કે સીએએ વિરોધી પોતાની લડાઈને તે ચૂંટણીની રાજનીતિમાં લાવવા માંગે છે, ત્યારે તેમણે એજેપી નામે એક નવો પક્ષ રચી દીધો.

વર્ષ 2019-20માં આસામ રાજ્યમાં સીએએના વિરોધમાં થયેલા પ્રદર્શનોમાં આસુ સૌથી આગળ પડતી ભૂમિકા ભજવી હતી.

તે સમયે સીએએનો વિરોધ કરતા પાંચ પ્રદર્શનકારીઓ પોલીસના હાથે માર્યા ગયા હતા. તેની રાજ્યવ્યાપી અસર પડી હતી.

યુવા વિદ્યાર્થી નેતા લૂરિનજ્યોતિ ગોગોઈ અત્યારે આસામ જાતીય પરિષદ એટલે કે એજેપીનું નેતૃત્વ કરે છે. લૂરિનજ્યોતિ ગોગોઈ છટાદાર ભાષણ આપવા માટે જાણીતા છે.

તેઓ પોતાના ભાષણમાં સત્તાધારી ભાજપના કદાવર નેતા હિમંત બિસ્વ સરમા સહિતના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવે છે.

આરડીનો જન્મ પણ ખેડૂતોના સંગઠન કૃષક મુક્તિ સંગ્રામ સમિતિ (કેએમએસએસ)માંથી થયો હતો. તેથી રાજ્યના ખેડૂતોમાં તે સારી પકડ ધરાવે છે.

કેએમએસએસ ભૂમિ સુધારા અને ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત અપાવવા અંગે પોતાનો અવાજ ઉઠાવતો રહ્યો છે. સરકારી ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ આ સંગઠન આંદોલન કરતું રહે છે.

કેએમએસએસના પ્રમુખ અખિલ ગોગોઈ ડિસેમ્બર 2019થી જેલમાં બંધ છે. તેમના પર કટ્ટરવાદ ફેલાવવાનો આરોપ છે. અખિલ ગોગોઈ જેલમાંથી જ ચૂંટણી લડશે.

ગોગોઈના સમર્થકો કહે છે કે તેમણે સીએએના વિરોધમાં પ્રદર્શન કર્યા હતા. તેથી સરકાર વારંવાર તેમની ધરપકડ કરીને જેલમાં રાખે છે. પરંતુ સરકાર પાસે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

પૂર્વ આસામની શિવસાગર સીટ પરથી ગોગોઈ ચૂંટણી લડી રહ્યા છે. તેમના માતા 80 વર્ષીય પ્રિયદા ગોગોઈ પોતાના પુત્ર માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

આટલું જૂનું સંગઠન મત અપાવી શકશે?

એજેપી અને આરડી બંને દાવો કરે છે કે તેમનું હાલનું સંગઠન તેમને ચૂંટણીમાં વિજય અપાવશે.

લૂરિનજ્યોતિ ગોગોઈએ બીબીસીને જણાવ્યું કે, "અમારા સીએએ વિરોધી વલણ તથા યુવાનો, શિક્ષણ અને રોજગાર પર કેન્દ્રિત અમારા પ્રચારથી આસામના લોકો પર પ્રભાવ પડી રહ્યો છે. અમે લોકો રાજ્યના સમગ્ર વિકાસની યોજના બનાવી રહ્યા છીએ જ્યાં યુવાનો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. અમે આસામના યુવાનોને યુનિવર્સલ બેઝિક ઇન્કમનું વચન આપી રહ્યા છીએ. તેના હેઠળ શિક્ષિત બેરોજગારોને દર મહિને પાંચથી દશ હજારનું ભથ્થું આપવામાં આવશે."

આરડીના ભાસ્કો ડે સૈકિયા હાલમાં પક્ષની જવાબદારી સંભાળે છે કારણ કે પક્ષના વડા અખિલ ગોગોઈ અત્યારે જેલમાં છે.

સૈકિયાનું કહેવું છે કે તેમના મૂળ સંગઠન કેએમએસએસના 12 લાખ કાર્યકર્તાઓનો ફાયદો તેમને જરૂર મળશે.

સૈકિયાએ બીબીસીને જણાવ્યું, "ભાજપ સરકારે અખિલ ગોગોઈ સાથે ખોટો વ્યવહાર કર્યો છે તે વાત આસામની જનતા સમજે છે. તેમને વર્ષોથી જેલમાં રાખ્યા છે. કેએમએસએસના સભ્યો અને આસામના લોકો અખિલ ગોગોઈ અને અમારા પક્ષને ચૂંટણીમાં ટેકો આપશે."

પરંતુ ભાજપનો દાવો છે કે ચૂંટણી પર સીએએની કોઈ અસર નહીં પડે તેથી સીએએના વિરોધમાંથી ઉદભવેલા પક્ષોનો તેને ડર નથી.

ભાજપની આસામ ચૂંટણી સંચાલન સમિતિના સહ-સંયોજક પબિત્રા માર્ગ્રેહેરિતાએ જણાવ્યું કે, "રાજ્યમાં લગભગ 30 હજાર પોલિંગ બૂથ છે. ભાજપ જેવા પક્ષને પણ બૂથ લેવલ પર પોતાની હાજરી વર્તાવવામાં દાયકા લાગી ગયા. એજેપી અને આરડીના નેતાઓ સન્માન સમારોહ અને મીડિયા સાથે વાતચીત કરવામાં વ્યસ્ત રહ્યા છે. તેમણે બૂથ સ્તરે પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટો કોઈ કામ નથી કર્યું. તેમની પાસે ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોનો મુકાબલો કરવા માટે સંગઠનની શક્તિ નથી."

આ પક્ષો ચૂંટણીમાંથી શું પ્રાપ્ત કરવા માંગે છે?

આસામ એક એવું રાજ્ય છે જ્યાં 1985ની ચૂંટણીમાં વિદેશીઓ વિરોધી આંદોલન થયું હતું અને તેના કારણે વિદ્યાર્થી નેતાઓ પોતાની હોસ્ટેલમાંથી સીધા સરકારી બંગલામાં પહોંચી ગયા હતા.

પરંતુ એજેપી અને આરડી બંને એ વાત સમજે છે કે આ વખતની ચૂંટણીમાં આવી કોઈ સંભાવના નથી.

લૂરિનજ્યોતિ ગોગોઈએ જણાવ્યું, "અત્યારે રાજકીય માહોલ ભલે 1985 જેવો ન હોય. પરંતુ અમે સરકાર બનાવવાની પૂરી આશા રાખીએ છીએ. કમસે કમ સરકાર કોણ બનાવે તે નક્કી કરી શકવાની સ્થિતિમાં જરૂર હોઈશું."

આરડીના નેતા વધારે સાવધાનીપૂર્વક વાત કરે છે. તેઓ મર્યાદિત બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખી રહ્યા છે અને તેમનો એક જ હેતુ છે કે કોઈ પણ રીતે ભાજપને ફરીથી સત્તા પર આવતો રોકી શકાય.

ભાસ્કો ડે સૈકિયા કહે છે, "અમારો હેતુ રાજ્યમાં ભાજપને કોમી રાજકારણને મજબૂતી આપતો અટકાવવાનો છે. અમે લોકો રાજ્યની 126 બેઠકો પરથી માત્ર 38 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છીએ. એજેપીની સાથે મળીને અમે આટલી બેઠકો મેળવવાની આશા રાખીએ છીએ. તેથી ભાજપને ફરીથી સત્તા પર આવતા રોકી શકાય."

શું તેમનો માર્ગ આસાન હશે?

એજેપી અને આરડી ભલે સીએએ વિરોધી આંદોલનમાંથી ઉભરી આવ્યા હોય, પરંતુ માત્ર નાગરિકતા કાનૂનનો વિરોધ કરીને ભાજપ કે કોંગ્રેસને હરાવવા આસાન નહીં હોય. કોંગ્રેસના ગઠબંધનમાં આંચલિક ગણ મોરચા, સીપીઆઈ, સીપીએમ, સીપીઆઈ-માલે અને રાષ્ટ્રીય જનતાદળ સામેલ છે.

એજેપી અને આરડી કોંગ્રેસના ગઠબંધનમાં સામેલ ન થયા તેના કારણે સીએએ વિરોધી રાજકીય પક્ષોને નુકસાન થઈ શકે છે. સીએએ વિરોધી મતમાં વિભાજન પડે તો ભાજપને ફાયદો થઈ શકે છે.

ભાજપના માર્ગ્રહેરિતાએ કહ્યું કે, "ગણિત એકદમ સ્પષ્ટ છે. અમારા મતદારોમાં કોઈ ફેરફાર નથી થયો. બે વિરોધી જૂથો જ એકબીજાના મત કાપશે."

ઘણા લોકોનું માનવું છે કે સીએએ વિરુદ્ધ થયેલા પ્રદર્શન તે જુસ્સાને જાળવી રાખવામાં અસફળ રહ્યા હતા. તેનું પરિણામ એ આવ્યું કે ચૂંટણીમાં તે લોકો ખાસ અસર પેદા નહીં કરી શકે.

ગુવાહાટી સ્થિત પત્રકાર બિદ્યુત વરુણ શર્માએ બીબીસીને જણાવ્યું કે, "સીએએ વિરોધી પ્રદર્શનો વખતે ચૂંટણી થઈ હોત તો ભાજપને ભારે નુકસાન થયું હોત. પરંતુ હવે વાત અલગ છે. ભાજપે ઘણી લલચામણી યોજનાઓ દ્વારા અને લોકો સુધી પહોંચીને પોતાની ગુમાવેલી રાજકીય જમીન પાછી મેળવી લીધી છે. તેથી માત્ર સીએએનો વિરોધ કરીને ભાજપને હરાવવો આસાન નહીં હોય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો