સ્થાનિકસ્વરાજ ચૂંટણી : નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતમાં કોણ બાજી મારશે?

ઇમેજ સ્રોત, Darshan Thakkar
સ્થાનિકસ્વરાજની ચૂંટણીનો બીજો રાઉન્ડ રવિવારે યોજાયો હતો. જેમાં મતદારોએ 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત તથા 231 તાલુકા પંચાયત ઉપર પોતાના ઉમેદવારોને ચૂંટવા માટેના અધિકારનો પ્રયોગ કર્યો હતો.
આ પહેલાં પહેલા રાઉન્ડમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો વિજય થયો હતો અને પોતાના ગઢ જાળવી રાખ્યા હતા.
પાટીદાર અનામત આંદોલનના ઓછાયા હેઠળ નવેમ્બર-2015માં યોજાયેલી ચૂંટણી દરમિયાન મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપનો વિજય થયો હતો, પરંતુ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને તે બીજા ક્રમે ધકેલાઈ ગયો હતો.
નગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીનાં પરિણામો બીજી માર્ચે જાહેર થશે.

આંકડામાં ચૂંટણીનો ચકરાવો

ઇમેજ સ્રોત, kalpit Bhachech
સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં સરેરાશ 56થી 64 ટકા મતદાન નોંધાયું હતું. રાત્રે 9.30 કલાકની સ્થિતિ મુજબ રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીમાં 56.29%, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 63.34% અને તાલુકા પંચાયતમાં 64.14% સરેરાશ મતદાન નોંધાયું છે.
નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન (રાત્રે 9.30 કલાકની સ્થિતિ પ્રમાણે) તાપી જિલ્લામાં 70.06 ટકા નોંધાયું હતું. અહીં સાત વૉર્ડમાં વોટિંગ થયું હતું. સૌથી ઓછું મતદાન કચ્છ જિલ્લામાં 46.70% નોંધાયું હતું. વડોદરામાં 69.06%, જામનગર જિલ્લામાં 66.18 %, સુરત જિલ્લામાં 64.83%, ગાંધીનગર જિલ્લામાં 61.85%, અમદાવાદ જિલ્લામાં 61.22%, જૂનાગઢ જિલ્લામાં 50.29% અને મુખ્ય મંત્રી વિજય રુપાણીના મતવિસ્તાર રાજકોટ જિલ્લામાં 50.39% જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં સૌથી વધુ મતદાન (રાત્રે 9.30 કલાકે) નર્મદા જિલ્લામાં 78.72% નોંધાયું હતું. તાપીમાં 71.44%, ડાંગમાં 71.16% અને ગાંધીનગરમાં 70.10 સાથે સરેરાશ 70% કરતાં વધુ મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન દાહોદમાં 54.49% નોંધાયું હતું. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમેરલી તેનાથી જરાક જ આગળ હતો, જ્યાં 54.51% મતદાન નોંધાયું હતું.
જિલ્લા પંચાયતની ચૂંટણી માટે અમુક જિલ્લાની વાત કરીએ તો વડોદરામાં 69.80%, જામનગરમાં 63.36%, અમદાવાદમાં 68.16%, જૂનાગઢમાં 59.79%, રાજકોટમાં 59% તથા ભાવનગરમાં 58.16% જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.
તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો નર્મદામાં 73.92% સાથે રાજ્યનું સર્વાધિક અને 54.54% સાથે અમરેલીમાં ન્યૂનતમ મતદાન નોંધાયું હતું. ડાંગમાં 72.15%, તાપીમાં 71.68% તથા ગાંધીનગરમાં71.14% અને સાબરકાંઠામાં 70.17% વોટિંગ સાથે મતદાને 70% કરતાં વધુ મતદાન નોંધાવ્યું હતું.
અમદાવાદમાં 68.12%, સુરતમાં 68.36%, મહેસાણામાં 65.77%, જામનગરમાં 62.84%, રાજકોટમાં 60.90%, જૂનાગઢમાં 59.44% અને ભાવનગરમાં 58.52% જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.

આપ અને AIMIM મુકાબલામાં
AIMIMએ મોડાસા, ગોધરા અને ભરૂચ જેવી લઘુમતીઓના પ્રભુત્વવાળી નગરપાલિકાઓમાં પ્રથમ વખત પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
હૈદરાબાદસ્થિત ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના અસદુદ્દીન ઓવૈસીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અમદાવાદની જમાલપુર બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય સબીર કાબુલીવાલાની ગુજરાતના પ્રદેશાધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી. પાર્ટીએ છોટુભાઈ વાસાવાની બી.ટી.પી. (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) સાથે ગઠબંધન કર્યું છે.
દિલ્હીના મુખ્ય મંત્રી તથા આમ આદમી પાર્ટી સુરતમાં રોડશૉ દરમિયાન નાગરિકોને પોતાની પાર્ટી તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

નગરપાલિકાની ચૂંટણીની વિશે

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
- 81 નગરપાલિકાના 680 વૉર્ડની બે હજાર 720 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ. જેમાંથી અનુસૂચિત જાતિ માટે 185 (જેમાંથી મહિલાઓ માટે 113), અનુસૂચિત જનજાતિ માટે 107 (જેમાંથી મહિલાઓ માટે 66), સામાજિક-આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 269 (જેમાંથી મહિલાઓ માટે 142) અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1039 બેઠક અનામત રાખવામાં આવી છે.
- આણંદ જિલ્લામાં સૌથી વધુ છ (આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ અને સોજિત્રા) નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ
- દાહોદ (દાહોદ), જામનગર (સિક્કા), જૂનાગઢ (કેશોદ), નર્મદા (રાજપીપળા), પોરબંદર (પોરબંદર-છાયા), રાજકોટ (ગોંડલ), તાપી (વ્યારા), વલસાડ (ઉંમરગામ) જિલ્લામાં એક-એક નગરપાલિકાની ચૂંટણી યોજાઈ
- વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ (39) આણંદ જિલ્લો સૌથી મોટો, અહીં 212 બેઠક ઉપર મતદાન થયું
- વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ જામનગર (સિક્કા), નર્મદા (રાજપીપળા), તાપી (વ્યારા) અને વલસાડ (ઉંમરગામ) સૌથી નાના જિલ્લા. દરેકમાં સાત-સાત બેઠક ઉપર મતદાન.
- 13 વૉર્ડ સાથે સંખ્યાની દૃષ્ટિએ આણંદ જિલ્લાની આણંદ, કચ્છ જિલ્લાની ગાંધીધામ, ખેડા જિલ્લાની નડિયાદ, મોરબી જિલ્લાની મોરબી, પોરબંદર જિલ્લાની પોરબંદર-છાયા, સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાઓ સૌથી મોટી.
- છ વૉર્ડ સાથે સંખ્યાની દૃષ્ટિએ અમદાવાદ જિલ્લાની બારેજા, અમરેલી જિલ્લાની બાબરા અને દામનગર, આણંદ જિલ્લાની સોજિત્રા, અરવલ્લી જિલ્લાની બાયડ, બનાસકાંઠા જિલ્લાની ભાભર, ભરૂચ જિલ્લાની આમોદ, ભાવનગર જિલ્લાની વલ્લભીપુર, બોટાદ જિલ્લાની બરવાળા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામરાવળ, ગીર-સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા અને તલાળા, ખેડા જિલ્લાની કણજારી, કઠલાલ તથા ઠસારા, મોરબી જિલ્લાની માળિયા-મિયાણા, નવસારી જિલ્લાની ગણદેવી, પંચમહાલ જિલ્લાની સેહરા, સાબરકાંઠા જિલ્લાની વડાલી સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી અને ચોટિલા અને વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાઓ સૌથી નાની.

જિલ્લા પંચાયતની ચૂંટણી વિશે

ઇમેજ સ્રોત, EPA
- 31 જિલ્લા પંચાયતની કુલ 980 બેઠકમાં 63 બેઠક અનુસૂચિત જાતિ (31 મહિલાઓ માટે અનામત), 260 બેઠક અનુસૂચિત જનજાતિ (131 મહિલાઓ માટે અનામત), સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓ માટે 96 (48 મહિલાઓ માટે અનામત) માટે અનામત છે. આ સિવાય સામાન્યવર્ગની મહિલાઓ માટે 278 બેઠક અનામત છે, જ્યારે 285 બેઠકો બિનઅનામત છે.
- 50 બેઠક સાથે દાહોદની જિલ્લાપંચાયત સૌથી મોટી
- 18-18 બેઠક સાથે પોરબંદર અને ડાંગની જિલ્લા પંચાયતો સૌથી નાની
- 11-11 તાલુકા પંચાયત સાથે અમરેલી અને રાજકોટ સૌથી મોટા જિલ્લા

તાલુકા પંચાયતની ચૂંટણી વિશે

ઇમેજ સ્રોત, Nurphoto
- 231 તાલુકાપંચાયતમાં ચાર હજાર 774 વૉર્ડમાંથી અનુસૂચિત જાતિ માટે 344 (જેમાંથી મહિલાઓ માટે 172), અનુસૂચિત જનજાતિ માટે એક હજાર 232 (જેમાંથી મહિલાઓ માટે 633), સામાજિક, આર્થિક અને શૈક્ષણિક માટે 463 (જેમાંથી મહિલાઓ માટે 232) તથા સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1385 બેઠક અનામત રાખવામાં આવી છે.
- વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ 238 બેઠક (નવ તાલુકા પંચાયત) સાથે દાહોદ સૌથી મોટો જિલ્લો
- વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ 48 બેઠક (ત્રણ તાલુકા પંચાયત) ડાંગ સૌથી નાનો જિલ્લો
- તાલુકા પંચાયતની સંખ્યાની દૃષ્ટિએ અમરેલી (11) જિલ્લો સૌથી મોટો
- તાલુકા પંચાયતની સૌથી ઓછી સંખ્યા (ત્રણ) ડાંગ, પોરબંદર અને ગાંધીનગર જિલ્લામાં

ફ્લૅશબૅકમાં કાર્યક્રમ
નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીકાર્યક્રમ ઉપર વિહંગાવલોકન કરીએ તો:
- 8 ફેબ્રુઆરી - જાહેરનામું પ્રસિદ્ધ થયું
- 13 ફેબ્રુઆરી - ઉમેદવારી નોંધણીની છેલ્લી તારીખ
- 15 ફેબ્રુઆરી - ઉમેદવારી ફોર્મની ચકાસણી
- 16 ફેબ્રુઆરી - ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
- 28 ફેબ્રુઆરી - મતદાન
- 1 માર્ચ - પુનર્મતદાન (જો જરૂર પડે તો)
- 2 માર્ચ - મતગણતરી
મળતી માહિતી મુજબ, ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ અને પોલીસના 44 હજાર જવાન, હૉમગાર્ડના 54 હજાર જવાન તથા કેન્દ્રીય અર્ધલશ્કરી સુરક્ષાબળોની 12 કંપનીઓ નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે સુરક્ષાવ્યવસ્થા સંભાળશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















