INDvsENG : 'મોટેરામાં રમવું અમારા માટે ગર્વની વાત' : વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Reuters
બુધવારથી અમદાવાદ ખાતે વિશ્વના સૌથી વિશાળ એવા મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચ રમાવા જઈ રહી છે.
આ મૅચને લઈને ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, 'ભારત પાસે વિશ્વનું સૌથી વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની ટીમને ખુશી છે અને ભારતીય ટીમ જ્યારે પહેલી વાર પોતાના ઘરમાં અહીં મૅચ રમવા જઈ રહી છે ત્યારે મોટેરામાં રમવું એ અમારા માટે ગર્વની વાત છે.'
બુધવારે અમદાવાદ ખાતે ઑનલાઇન યોજાયેલી એક પ્રેસ વાર્તામાં ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ ટીમ વતી આ લાગણી વ્યક્ત કરી છે.
મોટેરા સ્ટેડિયમમાં બુધવારથી શરૂ થનારી પાંચ દિવસીય ટેસ્ટ મૅચ ડે-નાઇટ છે અને તે પિંક બૉલથી રમાશે.

ઇમેજ સ્રોત, Sagar Patel
આ પહેલા ભારતમાં કોલકાતામાં ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમાઈ હતી. તેમાં બાંગ્લાદેશ સામે ભારતે વિજય મેળવ્યો હતો પરંતુ સ્પિનર્સને એટલી મદદ નહોતી મળી.
ભારત આવી સ્થિતિ છતાં ઘરઆંગણે ડે-નાઇટ ટેસ્ટ જિત્યું હોય તેવું એ એક માત્ર ઉદાહરણ છે.

પિંક બૉલ

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારની પત્રકારપરિષદમાં વિરાટ કોહલીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે પિંક બૉલને લઈને પરિસ્થિતિ કઈ રીતે અલગ હોઈ શકે ત્યારે ભારતીય કપ્તાનનું કહેવું હતું કે, 'ત્રીજી મૅચ ફ્લડલાઇટ્સમાં પિંક બૉલ સાથે રમાવાની છે ત્યારે સાંજનું સેશન બૅટ્સમેન માટે વધારે પડકારજનક હોઈ શકે. કારણ કે પિંક બૉલમાં ફાસ્ટ બૉલરને બપોરના સેશન પછી વધારે મદદ મળી શકે છે.'
આ સિવાય થોડાં સમય પહેલાં વેબસાઇટ પર છપાયેલ એક અહેવાલમાં ઇંગ્લૅન્ડના કપ્તાન જો રૂટે એક નિવેદન આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલની ઑસ્ટ્રેલિયા સામેની ડે-નાઇટ મૅચમાં જે પિંક બૉલનો ઉપયોગ થયો હતો તેની સામે ભારતીય ટીમ 36 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી, અને ભારતીય ટીમના મગજમાં આ વાત હજી અસર કરતી હશે.

ઇમેજ સ્રોત, BCCI
જો રૂટના આ નિવેદન અંગે જ્યારે ભારતીય કપ્તાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું હતું કે 'ભારતીય ટીમ પોતાની તાકાત પર વિશ્વાસ રાખે છે અને ટીમનું ધ્યાન માત્ર યોગ્ય ક્રિકેટ રમવા પર છે, ભારતીય ટીમ હરીફ ટીમની નબળાઈને છતી કરવામાં કે તેની વાત કરવામાં રસ ધરાવતી નથી.'
બીબીસી સ્પોર્ટ્સના સ્ટીફન શેમિલ્ટના મતે પરિસ્થિતિ જેટલી બદલાય એમ ઇંગ્લૅન્ડની ટીમ સાતત્ય દાખવે છે.
ભારતમાં ટેસ્ટ મૅચ રમાતી હોય ત્યારે ભારત તરફથી મજબૂત ટક્કર મળે એ પરિસ્થિતિથી ઇંગ્લૅન્ડ સારી રીતે વાકેફ છે.
તેઓ આગળ જણાવે છે કે ઇંગ્લૅન્ડ માટે પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો તેના પરફૉર્મન્સને અસર થાય છે.
ખાસ કરીને બીજી ટેસ્ટમાં જે 'ડસ્ટબૉલ'નું પરિબળ હતું તે નોંધપાત્ર છે. એટલે અમદાવાદની પીચ પર ઇંગ્લૅન્ડની ફાસ્ટબૉલિંગ અસરકારક રહે એવી બની શકે છે.
જો જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ બંને ટીમમાં રમે છે અને તેઓ અસરકારક રહે છે, તો ઇંગ્લૅન્ડને ફાયદો થઈ શકે છે.
તેમના મતે ભારતની વાત જુદી છે. કેમ કે સ્પિન મામલે તે વધારે અનુભવી, હોશિયાર અને મજબૂત ટીમ છે.

સિરીઝનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, BCCI
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની આ સિરીઝ ઘણી રીતે મહત્ત્વની છે.
પાંચમી ફેબ્રુઆરીએ ચેન્નાઈના ઐતિહાસિક ચેપોક ખાતે સિરીઝનો પ્રારંભ થયો હતો.
ઇંગ્લૅન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં જીત માટે ભારતને 420 રન કરવાના હતા, પણ વિરાટ કોહલીની ટીમ માત્ર 192માં સમેટાઈ ગઈ હતી.
ભારતીય ટીમ તરફથી કૅપ્ટન વિરાટ કોહલીએ થોડી બાજી સંભાળી હતી, પણ તેમની 72 રનની રમત મૅચને ત્રીજા સેશન સુધી લઈ જવામાં નિષ્ફળ રહી હતી.
જ્યારે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મૅચમાં ભારતનો ઇંગ્લૅન્ડ સામે 317 રનથી વિજય થયો હતો.
ભારતે બે ઇનિંગમં 329 અને 286 રન ફટકાર્યા અને ઇંગ્લૅન્ડે 134 તથા 164 રન ફટકાર્યા હતા. આમ ભારતે આપેલું 482 રનનું લક્ષ્ય ઇંગ્લૅન્ડ સર કરી શક્યું નહોતું.
આ જીત સાથે જ ટેસ્ટ સિરીઝમાં બંને ટીમોએ 1-1ની બરાબરી કરી લીધી છે. બીજી ઇનિંગમાં ગુજરાતી બૉલર અક્ષર પટેલે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.
આ સાથે જો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની વાત કરીએ તો આઈસીસી ક્રિકેટ વેબસાઇટ મુજબ આ બે ટેસ્ટ મૅચ બાદ ભારત અત્યારે ન્યૂ ઝીલૅન્ડ બાદ બીજા ક્રમાંકે છે, ત્રીજા ક્રમે ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડ ચોથા ક્રમે છે.

ઇમેજ સ્રોત, STU FORSTER
ઇંગ્લૅન્ડે તાજેતરમાં જ શ્રીલંકા સામેની બે મૅચની સિરીઝ 2-0થી જીતીને પોતાની પૉઝિશન મજબૂત બનાવી છે.
જોકે તેમ છતાં ભારતની નજીક પહોંચવા માટે તેમણે આકરી મહેનત કરવી પડશે.
આઈસીસીની વેબસાઇટ પ્રમાણે તેઓ ભારત સામેની ચાર ટેસ્ટની આ સિરીઝ 3-1થી જીતે તો પણ તેમણે અન્ય પરિણામો પર આધાર રાખવો પડશે.
જ્યારે ભારતે આ શ્રૃંખલા 3-1 અથવા તો 2-1થી જીતવી પડશે ત્યારે તેઓ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકે તેવી આશા કાયમ રહી શકે છે.
બુધવારથી શરૂ થતી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચમાં દર્શકો અને ટીમ એમ બન્ને માટે ઉત્સાહજનક છે.
કારણ કે એક બાજુ બન્ને ટીમનું ફોકસ આ ટેસ્ટ મૅચ જીતી વિશ્વના સૌથી વિશાળ એવા મોટેરા સ્ટેડિમમાં ઇતિહાસ સર્જવાની સાથે આ શ્રૃંખલા પર કબ્જો કરવાનું હશે તો બીજી તરફ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના દર્શકો કોરોનાની પાબંદીઓ હઠ્યા બાદ પ્રથમ વાર ગ્રાઉન્ડમાં જઈ આ મુકાબલો નિહાળવા આતુર હશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















